'રજૂઆતો કરીને પગ થાકી ગયા પણ સફાઈ નથી થઈ':'ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે કોઈ ધ્યાન આપતું નથી'; ગંજ બજારમાં ગંદકીથી ત્રસ્ત રહીશોએ રોષ ઠાલવ્યો
નડિયાદ મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ સ્થિતિ વચ્ચે દિવ્ય ભાસ્કરની ટીમ વોર્ડ નંબર-2માં પહોંચી હતી. જ્યાં મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. નવા સીમાંકન બાદ આ વોર્ડમાં સંત અન્ના હાઇસ્કુલ, કુંભાર ચાલી, પ્રભાત સિનેમા, ગંજ બજાર અને મિલ રોડ જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં અત્યારે સમસ્યાઓનો અંબાર જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 2માં સમાવિષ્ટ વિસ્તારોમાં રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓ એટલી હદે વકરી છે કે, સ્થાનિકોનું જીવવું દુષ્કર બની ગયું છે. ખાસ કરીને ગંજ બજાર જેવા વેપારી મથકોમાં ગંદકીના કારણે વેપારીઓ અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો જ મળે છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ કામગીરી થતી નથી. ‘વર્ષના 8 મહિના આ ગંદકી અને દુર્ગંધ વચ્ચે કામ કરવું પડે છે’
ગંજ બજાર વેપારી એસોસિએશનના પ્રમુખ બીપીન શાહે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, રજૂઆતો કરી કરીને અમારા પગ થાકી ગયા છે અને બોલી બોલીને મોં દુખી ગયું છે. ગંજ બજારની પાછળના ભાગમાં ગંદકીનું એવું સામ્રાજ્ય છે કે ત્યાં જોતા પણ શરમ આવે. વર્ષના 8 મહિના આ ગંદકી અને દુર્ગંધ વચ્ચે કામ કરવું પડે છે, જેના કારણે અહીંના કર્મચારીઓ અને વેપારીઓ વારંવાર બીમારીનો ભોગ બની રહ્યા છે. આ બાબતે અન્ય વેપારી યોગેશ પટેલે તંત્ર અને લોકપ્રતિનિધિઓ પર પ્રહાર કરતા કહ્યું કે, નડિયાદ મહાનગરપાલિકા બન્યાને એક વર્ષ વીતી ગયું અને અધિકારીઓએ ટ્રાફિક તેમજ સફાઈ બાબતે સર્વે પણ કર્યો હતો, છતાં પરિણામ શૂન્ય છે. કાઉન્સિલરો માત્ર ઇલેક્શન આવે ત્યારે જ જાગૃતતા બતાવે છે, જો તેઓ પાંચ વર્ષ સતત કામ કરે તો ચૂંટણી વખતે તેમને મત માંગવા માટે મહેનત જ ન કરવી પડે. ગંજ બજારમાં પાર્કિંગની સુવિધા નથી. જેથી લોકો આડેધડ પાર્કિગ કરે છે. ‘સફાઈ, પાર્કિગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી રોજગાર ધંધા વધે’
વેપારી કૌશલ મહેશ્વરીએ જણાવ્યું કે, ગંજ બજારમાં યોગ્ય સફાઈ નથી થતી. આણંદ નડિયાદ કરતા આગળ નીકળી રહ્યું છે. નડિયાદમાં ડ્રેનેજ લાઇન, પીવાનું પાણી અને પાર્કિંગ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ છે. તંત્રમાં અનેકવાર ફરિયાદો નોંધાવવા છતાં ગંભીરતાથી કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી, જે નડિયાદના વિકાસ માટે ચિંતાનો વિષય છે. વેપારીઓની એક જ અપેક્ષા છે કે, સફાઈ કરવામાં આવે, પાર્કિગની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે જેથી રોજગાર ધંધા વધે. ‘કચરો લેવા આવતી ગાડીનો કોઈ ચોક્કસ સમય નથી’
માત્ર વેપારીઓ જ નહીં, પણ રહીશોની હાલત પણ કફોડી છે. સ્થાનિક ગૃહિણી પરવિનબાનુએ જણાવ્યું કે, સારૂ કામ કરે તેવા ઉમેદવારની અમારે જરૂર છે. ગટર લાઈન ચોકઅપ થઈ જાય છે કોઈ ધ્યાન આપતું નથી. પાલિકાના કર્મચારીઓને ફોન કરવા છતાં આવતા નથી. અંતે અમારે ખાનગી સફાઈ કામદારોને ઘરના પૈસા ખર્ચીને બોલાવવા પડે છે. વોર્ડની અન્ય એક મહિલા રેહાનાબેન ગાયકવાડે કચરાના નિકાલની વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ડોર-ટુ-ડોર કચરો લેવા આવતી ગાડીનો કોઈ ચોક્કસ સમય નથી. ક્યારેક સવારે આવે તો ક્યારેક બપોરે, જેના કારણે ગંદકી ફેલાય છે. આમ, વોર્ડ નંબર 2 માં ગટર, પાણી અને સ્વચ્છતાના પ્રશ્ને જનતામાં સત્તાધારી પક્ષ અને તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →