બેફામ દોડતી થારે ઈકોને પાછળથી ટક્કર મારી, 10 મુસાફર ઘાયલ:ઈકો હવામાં ફંગોળાઈ પલટી ખાઈ ગઈ; થારચાલક ઉભો રહેવાને બદલે ડિવાઈડર કૂદાવી ફરાર થઈ ગયો
અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે એક રુંવાડા ઉભા કરી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ગતિએ દોડતી થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતાં ઈકો ગાડી હાઈવે પર જ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ઈકોમાં સવાર કુલ 10 મુસાફર ઘાયલ થયા છે, જે પૈકી 3ની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
પૂરપાટ ઝડપે આવતી થારે સંતુલન ગુમાવ્યું ઘટનાની વિગતો અનુસાર, ઈકો ગાડી હાઈવેની પ્રથમ લેનમાં પોતાની નિર્ધારિત ઝડપે જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક થાર ગાડીના ચાલકે અચાનક સંતુલન ગુમાવ્યું હતું અને ઈકો ગાડીના પાછળના ભાગે પ્રચંડ ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઈકો ગાડી હવામાં ફંગોળાઈને માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતને પગલે હાઈવે પર ચીચીયારીઓ ગુંજી ઉઠી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 10 મુસાફર ઘાયલ, 3 ગંભીર ઈકો ગાડીમાં સવાર કુલ 10 મુસાફરને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબી સૂત્રોના જણાવ્યા અનુસાર, 10 પૈકી 7 મુસાફરને સામાન્ય ઈજા થઈ છે, જ્યારે 3 મુસાફરની હાલત ગંભીર હોવાથી તેમની સઘન સારવાર ચાલી રહી છે. થાર ચાલકની માનવતાહીનતા: ડિવાઈડર કૂદાવી ફરાર પ્રત્યક્ષદર્શી હિતેશ પટેલના જણાવ્યા મુજબ, અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક ઉભો રહેવાને બદલે માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. તેણે પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી દઈ સામેના ટ્રેક પર કૂદાવી હતી અને નડિયાદ તરફ અત્યંત ઝડપે હંકારી મૂકી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, થાર ગાડીના બમ્પરનો કેટલોક ભાગ પણ ઘટનાસ્થળે તૂટીને પડી ગયો હતો. હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પલટી ખાયેલી ઈકો ગાડીને ખસેડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે ફરાર થારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ગાડીના નંબર અને સ્થળ પરથી મળેલા પુરાવાઓના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. -------- આ પણ વાંચો સુરતમાં 2 અકસ્માતના ભયાનક CCTV, ટ્રકે રિક્ષાને 60 મીટર ઢસડી, ચાલકનું મોત 3 એપ્રિલે સુરતમાં બે ભયાનક અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષાચાલકનું અને પરવત પાટિયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું હતું. આ બંને અકસ્માતના CCTV વીડિયો સામે આવ્યાં હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો…
Read Original Article →