રાજુ બનીને નાઝીમ 2 બાળકોની માતાને ભગાડી ગયો:કઠલાલના હાઇવે પર પંચરની દુકાન ચલાવતા બિહારીએ પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે UPથી દબોચ્યા
ખેડા જિલ્લામાંથી ફરી એકવાર કથિત લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. કઠલાલ તાલુકાના એક ગામમાં રહેતી અને બે બાળકોની માતા એવી હિન્દુ પરિણીતાને એક મુસ્લિમ યુવકે નાઝીમે રાજુ બની પોતાની અસલી ઓળખ છુપાવીને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે પરિણીતાને ભગાડી ગયો હોવાની વિગતો સામે આવી છે. આ સમગ્ર મામલે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના સમયમાં બંનેને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલે કપડવંજના ડીવાયએસપી વિક્રમસિંહ સોલંકીએ જણાવ્યું છે કે, પોલીસ આ કેસની ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જેથી આ આખી ઘટના પાછળ કોઈ ચોક્કસ રેકેટ કામ કરી રહ્યું છે કે કેમ? અને તેની પાછળ કયા ચહેરાઓ છુપાયેલા છે? તે તમામ વિગતો બહાર લાવી શકાય. અમદાવાદ-ઈન્દોર હાઈવે પર પંચરની દુકાન
આ ઘટનાની વિગતવાર માહિતી મુજબ, મૂળ બિહારના વૈશાલી જિલ્લાનો રહેવાસી નાઝીમ અન્સારી નામનો યુવક છેલ્લા 2 વર્ષથી કઠલાલ નજીક પસાર થતા અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલી રાજ શક્તિ હોટલ પાસે પંચરની દુકાન ચલાવતો હતો. આ સમય દરમિયાન તેણે પોતાની સાચી ધાર્મિક ઓળખ છુપાવી દીધી હતી અને સ્થાનિક લોકોમાં પોતાનું હિન્દુ નામ રાજ ઉર્ફે રાજુ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. હિન્દુ વિધિથી લગ્નની લાલચ આપી ભગાડી
પોતાની આ ખોટી હિન્દુ ઓળખનો ઉપયોગ કરીને નાઝીમ અન્સારીએ કઠલાલ તાલુકાના સ્થાનિક ગામની એક હિન્દુ પરિણીતાનો સંપર્ક કર્યો હતો. તે પરિણીત હોવા છતાં અને તેને 2 બાળકો હોવા છતાં નાઝીમે તેને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી. નાઝીમે આ પરિણીતાને હિન્દુ ધર્મની પરંપરા અને વિધિ મુજબ લગ્ન કરવાની ખોટી લાલચો આપી હતી અને વિશ્વાસમાં લઈને તેને ઘર છોડીને ભાગી જવા માટે રાજી કરી હતી. પરિવારને આરોપી સામે પોલીસ ફરિયાદ કરી
યોજનાબદ્ધ રીતે નાઝીમ અન્સારી આ હિન્દુ પરિણીતાને લઈને ભગાડી ગયો હતો. પરિણીતા રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં અને આસપાસ તપાસ કરતા મુસ્લિમ યુવક તેને ભગાડી ગયો હોવાની શંકા ગઈ હતી. જેને પગલે પરિવારજનો દ્વારા તાત્કાલિક કઠલાલ પોલીસ મથકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે કઠલાલ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી બંનેને શોધ્યા
ફરિયાદના આધારે કઠલાલ પોલીસે તાત્કાલિક અલગ અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેક્નિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે ટૂંકા ગાળામાં જ નાઝીમ અન્સારી અને ભોગ બનનાર પરિણીતાને શોધી કાઢ્યા હતા અને બંનેને ઝડપી પાડીને કઠલાલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. લવ જેહાદના બનાવથી રોષ
હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેડા જિલ્લામાં અવારનવાર આ પ્રકારના કથિત લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને પગલે સ્થાનિક પ્રજા અને સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →