વિપુલ પટેલ પર કોંગ્રેસના ભારત સિંહ પરમારે ગંભીર આક્ષેપો કર્યાં:'અમૂલની ચૂંટણી સમયે એક-એક મતદાર પાછળ 5 થી 10 લાખ રૂપિયાની લ્હાણી કરી, આટલી મોટી રકમ ક્યાંથી આવી'?

Gujarat4/7/2026, 6:35:27 PM
વિપુલ પટેલ પર કોંગ્રેસના ભારત સિંહ પરમારે ગંભીર આક્ષેપો કર્યાં:'અમૂલની ચૂંટણી સમયે એક-એક મતદાર પાછળ 5 થી 10 લાખ રૂપિયાની લ્હાણી કરી, આટલી મોટી રકમ ક્યાંથી આવી'?
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલે આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ સહકારી ક્ષેત્રમાં વિવાદ વકર્યો છે. હવે આ મામલે કોંગ્રેસ અગ્રણી ભારત સિંહ પરમારે અમુલની ચૂંટણીમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના આક્ષેપો કરી પારદર્શક વહીવટ સામે સવાલો ઉઠાવ્યા છે. વિપુલ પટેલે બે દિવસ અગાઉ જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો હતો કે, તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ મામલે કોંગ્રેસ અગ્રણી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળી ફતેપુરાના ચેરમેન ભારત સિંહ પરમારે વિપુલ પટેલ પર આકરા પ્રહાર કરતા અમુલની ચૂંટણી દરમિયાન મોટા પાયે નાણાકીય ગેરરીતિ થઈ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગત 10 સપ્ટેમ્બર 2025ના રોજ અમૂલની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિપુલ પટેલે એક-એક મતદાર પાછળ 5 થી 10 લાખ રૂપિયાની લ્હાણી કરી હોવાના કોંગ્રેસના ભારત સિંહ પરમારે ગંભીર આક્ષેપો કર્યાં છે. ‘સહકારી મંડળીઓને જાણીજોઈને અ માંથી ક વર્ગમાં મૂકી દેવાઈ’ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ભારત સિંહ પરમારે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, વિપુલ પટેલે જ્યારે પોતે રાજકારણમાં રૂપિયા કમાયા હોવાનું જાહેરમાં સ્વીકાર્યું છે ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે. તેઓ અમૂલના ચેરમેન પદ પર હતા અને તે સમયે વિપક્ષ તરીકે અમે તેમની સામે એક વર્ષ સુધી લડત આપી હતી. ગત અમૂલની ચૂંટણીમાં બિનહરીફ થવા માટે અને પોતાના મળતિયા સભ્યોને બિનહરીફ કરવા માટે ખેડા અને આણંદ જિલ્લાની અનેક સહકારી મંડળીઓને જાણીજોઈને અ વર્ગમાંથી ક વર્ગમાં મૂકી દેવામાં આવી હતી. ‘મંડળીઓને નિમ્ન વર્ગમાં મૂકવાથી કેટલાય ચૂંટણી લડી શક્યા ન હતા’ વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે, મંડળીઓને નિમ્ન વર્ગમાં મૂકવાને કારણે અનેક લોકો ચૂંટણી લડી શક્યા ન હતા. આ અન્યાય સામે લડવા માટે પશુપાલકો અને મંડળીના સભ્યોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. એક તરફ પશુપાલકોએ પોતાના ઘરના ખર્ચે કોર્ટની લડાઈ લડવી પડી હતી અને બીજી તરફ સત્તામાં બેઠેલા લોકોએ રૂપિયા કમાયા છે. આ આખી પ્રક્રિયામાં જે ઓડિટરોએ તપાસ કરી મંડળીઓને ક વર્ગમાં મૂકી હતી, તેમના સંતાનોને નોકરીમાં રાખી લેવામાં આવ્યા હતા. અમુલના વહીવટ પર સવાલ ઉઠાવતા તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં અમૂલમાં 9 કરોડ રૂપિયાનું બટર ગુમ થઈ ગયું હોવાની વિગતો બહાર આવી છે. આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટ હિસાબ મળતો નથી. અમૂલ જેવા મોટા સંસ્થાનના ગોડાઉનમાંથી આટલી મોટી કિંમતનું બટર ગુમ થઈ જાય તે વહીવટની શિથિલતા અને ગેરરીતિ દર્શાવે છે. ભાજપ સરકાર એક તરફ પારદર્શક વહીવટની વાતો કરે છે, પરંતુ તેમના જ પૂર્વ પ્રમુખ જ્યારે જાહેરમાં રૂપિયા કમાયા હોવાની કબૂલાત કરે ત્યારે પારદર્શકતા ક્યાં છે તે મોટો સવાલ છે. ‘વિપુલ પટેલે નાણાનો બેફામ ઉપયોગ કર્યો’ ભારત સિંહ પરમારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, વિપુલ પટેલ જ્યારે અમૂલના ચેરમેન પદ પર હતા, ત્યારે નાણાનો બેફામ ઉપયોગ કર્યો હતો. ચૂંટણી સમયે એક-એક મતદાર પાછળ 5 થી 10 લાખ રૂપિયા જેવી મોટી રકમની લ્હાણી કરવામાં આવી હતી. આટલી મોટી રકમ ક્યાંથી આવી તે પશુપાલકો માટે ચિંતાનો વિષય છે. પશુપાલકોના પરસેવાની કમાણીનો ઉપયોગ રાજકીય વર્ચસ્વ જાળવવા માટે કરવામાં આવ્યો હોવાનો સીધો આક્ષેપ તેમણે કર્યો છે. ‘જાહેર મંચ પરથી ભ્રષ્ટાચારની વાત કરવી તે શોભતું નથી’ અંતમાં તેમણે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, વિપુલ પટેલે પોતે રાજકારણમાંથી રૂપિયા કમાયા હોવાનું નિવેદન આપીને સત્ય સ્વીકાર્યું છે તે બદલ મેં તેમને અભિનંદન પણ પાઠવ્યા હતા, પરંતુ જાહેર મંચ પરથી આ રીતે ભ્રષ્ટાચારની વાત કરવી તે શોભતું નથી. પશુપાલકો બધું જ સમજે છે અને તેઓ જાણે છે કે સહકારી માળખામાં કયા પ્રકારે નાણાની હેરાફેરી થઈ છે. આવા વિવાદાસ્પદ નિવેદનો આપતા નેતાઓએ હવે પશુપાલકોના હિતમાં વિચારવું જોઈએ અને જવાબ આપવો જોઈએ કે કરોડો રૂપિયાની આ લ્હાણી ક્યાંથી અને કેવી રીતે કરવામાં આવી હતી. બીજી તરફ આ સમગ્ર બાબતે દિવ્ય ભાસ્કરની ટીમે અમૂલના પૂર્વ ચેરમેન વિપુલ પટેલનો ટેલીફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. આ પણ વાંચો- 'છાતી ઠોકીને કહું છું મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા': વિપુલ પટેલનો જાહેર મંચ પરથી એકરાર નડિયાદની પાવન ધરા પર આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન ખેડા જિલ્લાના કદાવર રાજકીય નેતા વિપુલ પટેલે જાહેરમાં હિંમતપૂર્વક એવો એકરાર કર્યો કે તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. આ નિવેદન વાયુવેગે પ્રસરતા જ સમગ્ર જિલ્લાના રાજકીય વર્તુળોમાં તરેહ-તરેહની ચર્ચાઓ અને અચરજની લાગણી જોવા મળી રહી છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)
Read Original Article →