માતરમાં સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત રેલી:ગાંધી પ્રતિમાને અંજલિ આપી, અધિકારીઓ-નાગરિકોએ સ્વચ્છતાના શપથ લીધા
માતર તાલુકા વહીવટી તંત્ર દ્વારા 8 જૂન, 2026ના રોજ "સ્વચ્છતા સપ્તાહ અભિયાન" અંતર્ગત એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા અને જાહેર જનતામાં સ્વચ્છતા અંગે લોકજાગૃતિ કેળવવાના ઉમદા હેતુસર આ રેલી યોજાઈ હતી. આ રેલી શ્રી એન.સી. પરીખ હાઈસ્કૂલ, માતરથી પ્રસ્થાન થઈને ઐતિહાસિક ગાંધી આશ્રમ, માતર ખાતે પહોંચી હતી. ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત તમામ વહીવટી અધિકારીઓ અને પદાધિકારીઓએ પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને ફૂલહાર ચડાવી ભાવપૂર્વક વંદન કર્યા હતા, જે બાદ રેલીનું સમાપન થયું હતું. રેલીના સમાપન બાદ આશ્રમ પરિસરમાં સૌ નાગરિકો અને અધિકારીઓએ દેશને સ્વચ્છ રાખવા માટેના "સ્વચ્છતા શપથ" લીધા હતા. આ સાથે જ પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વહીવટી તંત્ર અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ રેલીમાં માતર તાલુકા લાયઝન ઓફિસર અને ખાસ જમીન સંપાદન અધિકારી સંગ્રામસિંહ આર. બારીઆ, મામલતદાર એન.ડી. ચાવડા, તાલુકા વિકાસ અધિકારી એમ.એમ. વાળા, તાલુકા પંચાયત પ્રમુખ , તથા અમુલ ડેરીના ડિરેક્ટર ભગવતસિંહ પરમાર તથા મનોજસિંહ રાઠોડ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય જયેશભાઈ પટેલ સહિત અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. માતર તાલુકા અને ગામડાઓના ગ્રામજનો તેમજ શાળાના બાળકોએ પણ મોટી સંખ્યામાં હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે, માતરના મામલતદાર દ્વારા રેલીને સફળ બનાવવા બદલ ઉપસ્થિત તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, ગ્રામજનો અને ઉત્સાહી શાળાના બાળકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Read Original Article →