પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો.:વિસાવદરના પીરવડ ગામે 'મામા દેવ'ના મંદિર પાસે હથિયાર સાથે આંટાફેરા મારતો શખ્સ ઝડપાયો: SOG એ કમરમાંથી લોડેડ પિસ્તોલ શોધી કાઢી.

Gujarat4/10/2026, 7:24:26 AM
પિસ્તોલ સાથે આરોપી ઝડપાયો.:વિસાવદરના પીરવડ ગામે 'મામા દેવ'ના મંદિર પાસે હથિયાર સાથે આંટાફેરા મારતો શખ્સ ઝડપાયો: SOG એ કમરમાંથી લોડેડ પિસ્તોલ શોધી કાઢી.
​જૂનાગઢમાં ગેરકાયદેસર હથિયારોનો વેપલો અને ગુનાખોરી ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ વિસાવદર તાલુકાના પીરવડ ગામ પાસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને એક શખ્સને ઘાતક પિસ્તોલ અને જીવતા કાર્તૂસ સાથે ઝડપી લીધો છે. મામા દેવના મંદિર પાસે શંકાસ્પદ રીતે ફરતા સુરેશ હુદડ નામના શખ્સની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેણે પેન્ટના નેફામાં છુપાવીને હથિયાર રાખ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગરના એક શખ્સનું નામ પણ ખુલતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ​જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગના અધિકારીઓ સ્પેશિયલ ડ્રાઈવના આદેશ આપ્યા હતા. આ દરમિયાન એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પીઆઈ કે.એમ. પટેલની ટીમને બાતમી મળી હતી કે, વિસાવદરના પીરવડનો સુરેશ માણસુરભાઈ હુદડ હથિયાર સાથે ગામથી શોભાવડલા લશ્કર રોડ પર આવેલા મામા દેવના મંદિર પાસે કોઈની રાહ જોઈ રહ્યો છે અથવા તો શંકાસ્પદ રીતે આંટાફેરા મારી રહ્યો છે. ​બાતમી મળતા જ એસ.ઓ.જી.ની ટીમે સિવિલ ડ્રેસમાં ઓપરેશન ગોઠવ્યું હતું. પોલીસની ટુકડી જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે સુરેશ ત્યાં હાજર હતો. અચાનક આવેલી પોલીસને જોઈ તે ભાગવાની કોશિશ કરે તે પહેલા જ જવાનોએ તેને દબોચી લીધો હતો. જ્યારે તેની અંગઝડતી લેવામાં આવી ત્યારે તેના પેન્ટના નેફામાંથી એક પિસ્તોલ અને બે જીવતા કાર્તૂસ મળી આવ્યા હતા. પોલીસે ₹20,000 ની કિંમતની પિસ્તોલ અને કાર્તૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી.​પોલીસની આકરી પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે આ હથિયાર તેને સુરેન્દ્રનગરના કિશન ગઢવી નામના શખ્સે આપ્યું હતું. આ ખુલાસા બાદ પોલીસે કિશન ગઢવીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ હથિયાર કોઈ મોટી વારદાતને અંજામ આપવા માટે લાવવામાં આવ્યું હતું કે માત્ર રોફ જમાવવા, તે દિશામાં હવે વિસાવદર પોલીસ અને એસ.ઓ.જી. સંયુક્ત તપાસ કરી રહી છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ વિસાવદર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી જેલહવાલે કરવામાં આવ્યો છે. ​આ કામગીરીમાં એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. વિક્રમભાઈ ચાવડા, કરશનભાઈ મોઢા, હેડ કોન્સ્ટેબલ પ્રતાપભાઈ શેખવા, મેણસીભાઈ અખેડ, બાલુભાઈ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ અને ડ્રાઈવર વિશાલભાઈ ડાંગરે મહત્વની ભૂમિકા ભજવી હતી. વિસાવદર પંથકમાં ધોળા દિવસે હથિયાર સાથે શખ્સ પકડાતા ચકચાર મચી ગઈ છે, સાથે જ પોલીસે ગુનેગારોને કડક મેસેજ આપ્યો છે કે જૂનાગઢમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.
Read Original Article →