‘ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના MLA બની જાય’:વિસાવદરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, કરશન ભાદરકાએ 'આપ'ને ટીટોડી સાથે સરખાવી

Gujarat5/24/2026, 2:57:10 AM
‘ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના MLA બની જાય’:વિસાવદરમાં કોંગ્રેસની સમીક્ષા બેઠક, કરશન ભાદરકાએ 'આપ'ને ટીટોડી સાથે સરખાવી
વિસાવદર-ધારી રોડ પર આવેલા એક ફાર્મ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા તેમજ વિજેતા બનેલા તમામ ઉમેદવારોના સન્માન સમારોહ અને આગામી આયોજન માટેની એક મહત્વની સમીક્ષા બેઠકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચૂંટણીમાં જીતેલા અને હારેલા તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં કોંગ્રેસ સંગઠનને ગ્રામ્ય સ્તરે વધુ મજબૂત કરવા માટે હોદ્દેદારો વચ્ચે વિસ્તૃત ચર્ચા થઈ હતી. જોકે, આ સમગ્ર કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર કોંગ્રેસના નેતા કરશન ભાદરકાનું આક્રમક ભાષણ રહ્યું હતું, જેમાં તેમણે આમ આદમી પાર્ટી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા. ‘આપ’માં જોડાવા બદલ પસ્તાવો, પક્ષને 'ટીટોડી' સાથે સરખાવ્યો બેઠકમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે કોંગ્રેસના નેતા કરશન બાપુ ભાદરકાએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, માત્ર જેને બોલતા આવડે છે તેને ત્યાં ગમે તે પદ મળી જાય છે. તેમણે ‘આપ’માં જોડાવા બદલ પોતાનો પસ્તાવો પણ વ્યક્ત કર્યો હતો. કરશન બાપુએ ખેતરનું લોકબોલીનું ઉદાહરણ આપતા ‘આપ’ને ટીટોડી સાથે સરખાવી દીધી હતી અને વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને આડે હાથ લીધા હતા. ‘હું ચાર વર્ષ રિહામણે ગયો, મેં જોયુ કે આયા તો દાળનાય થાય એમ નથી’ પોતાની આગવી શૈલીમાં પ્રહારો કરતા કરશન ભાદરકાએ મંચ પરથી જણાવ્યું કે, આપણે પાણી વાળતા હોઈએ તો એ ટીટોડીને ક્યાંય ગણતરીમાં લઈએ છીએ? હું તો ત્યાં જઈને આવ્યો છું. હું કોંગ્રેસમાં હતો, પછી ચાર વર્ષ રિહામણે ગયો, અથવા તો સીધું 'ઘરઘરણું' થયું આમ આદમી પાર્ટીમાં. પરંતુ 2 વર્ષમાં મેં બધું જોઈ લીધું કે ઓલું આગલું ઘર (કોંગ્રેસ) જ સારું હતું, આયાં તો દાળનાય નથી થાય એમ! એનું કારણ એ છે કે હું વાસ્તવિકતા જાણી ગયો હતો. આ હું આજે નથી બોલતો, લગભગ 200 જેટલી ટીવી ડિબેટોમાં પણ બોલેલો છું. ‘બોલનારા રાક્ષસો PM-ધારાસભ્યો બની પદો પર બેસી જાય છે’ તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણા દેશની કઠણાઈ છે કે માત્ર બોલતા આવડતું હોય તેવા રાક્ષસો વડાપ્રધાન બની જાય છે અને ઘરમાંથી કાઢી નાખેલા લોકો વિસાવદરના ધારાસભ્ય બની જાય છે, ખાલી બોલનારા! આ હકીકત છે, હું પોતે જોઈને આવ્યો છું. મેં 2 વર્ષ સુધી તે લોકોને પ્રદેશ કક્ષાએ અને સેન્ટર (કેન્દ્ર)માં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આ રીતે લોકોની આંખોમાં ધૂળ ન નખાય અને બીજી પાર્ટીના કટર મશીન (બી-ટીમ) તરીકે કામ ન કરાય. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ વિસાવદર ખાતે યોજાયેલા આ મહત્વના રાજકીય કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા, જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, કોંગ્રેસ પ્રદેશ અગ્રણી સહેનાજબેન બાબી તેમજ કરશન ભાદરકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પક્ષીય કાર્યક્રમમાં વિસાવદર અને આસપાસના વિસ્તારના કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આગામી દિવસોમાં પક્ષનું કામ વેગવંતું બનાવવા સંકલ્પ કર્યો હતો.
Read Original Article →