વંથલી નજીકથી ગેરકાયદેસર રેતી સાથે ડમ્પરો ઝડપાયા:કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું ખાણ ખનીજ વિભાગ, વંથલીમાં ભૂ-માફિયાઓ પર ત્રાટકી ₹3.5 કરોડની 9 રેતી ભરેલી ટ્રકો સીઝ

Gujarat6/4/2026, 4:57:00 PM
વંથલી નજીકથી ગેરકાયદેસર રેતી સાથે ડમ્પરો ઝડપાયા:કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું ખાણ ખનીજ વિભાગ, વંથલીમાં ભૂ-માફિયાઓ પર ત્રાટકી ₹3.5 કરોડની 9 રેતી ભરેલી ટ્રકો સીઝ
વંથલી પંથકમાં લાંબા સમયથી ચાલતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ અને ભૂ-માફિયાઓના આતંકથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. આખરે, કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પોતાની આળસ મરડીને વંથલી પંથકમાં આકસ્મિક ચેકિંગની મોટી કામગીરી હાથ ધરી છે. આ દરોડા દરમિયાન રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું બિનઅધિકૃત વહન કરતી 9 જેટલી ટ્રકોને ઝડપી લેવામાં આવી છે. આ ઉપરાંત, ઘટનાસ્થળે ગેરકાયદેસર ઉત્ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતા એક લોડર મશીનને પણ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની આ રેડમાં ખનીજની કિંમત સહિત કુલ અંદાજીત ₹3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને તમામ વાહનોને વંથલી પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપી આગળની તપાસ શરૂ કરાઈ છે. બે ગાડીઓ રોકાવી હતી અને સીઝ કરી છે આ સમગ્ર રેડ અંગે ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી કિરણ પરમારે જણાવ્યું હતું કે, અમારી ટીમને બાતમી મળી હતી કે અહીંયાથી રેતીની હેરફેર થાય છે અને જેમાં કોઈ પાસ પરમિટ નથી હોતા. અમારી ટીમ રેન્ડમલી ચેકિંગમાં નીકળી હતી, એના ભાગરૂપે બપોરના ટાઈમની અંદર એસડીએમ સાહેબે બે ગાડીઓ રોકાવી હતી, એ ગાડીઓ સીઝ કરીને આપણે મૂકી દીધી. બીજી આ અહીંયા સાતેક ગાડીઓ છે, જે બધી ઓવરલોડ ભરેલી છે, રેતી ભરેલી છે અને જેમાં કોઈ જ પાસ પરમિટ હજી સુધી એમની પાસેથી કોઈ જ કબજે થયા નથી. આ જે જગ્યા છે એ ચાળણો છે, એની મંજૂરી આપેલી હોય ને એવી વિગતો હજી સુધી ધ્યાને આવી નથી, એની વિશેષ તપાસ અમારી ટીમ અત્યારે કરી રહી છે. તમામ તપાસની કામગીરી પૂર્ણ થશે તો આ બાબતે વિશેષ માહિતી આપવામાં આવશે. આ ટ્રકો કોની, ક્યાંથી ભરી તેની તપાસ ચાલુ છે ​જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, આ માલ ક્યાંથી આવતો હતો અને શું હતું એ?' ત્યારે કિરણ પરમારે જણાવ્યું કે, એ બાબતની પણ અત્યારે તપાસ અને ખરાઈની કામગીરી, તેમજ આ ટ્રકો કોની છે, ક્યાંથી ભરી, કોની માલિકીની છે, કોણે એને રોયલ્ટી આપી, એ બધી વિગતો હાલ તપાસમાં ચાલુ છે. થોડા દિવસ અગાઉ ડમ્પરની અડફેટે મહિલાનું મોત ખાણ ખનીજ વિભાગ ભલે એવો દાવો કરી રહ્યું હોય કે, આ કાર્યવાહી માત્ર બાતમીના આધારે કરવામાં આવી છે, પરંતુ હકીકત એ છે પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી વંથલી નજીક આ જગ્યા પર ગેરકાયદેસર રીતે રેતીનો ગોરખ ધંધો ધમી રહ્યો હતો. વંથલી પંથકમાં ભૂ-માફિયાઓનો ત્રાસ સીમા વટાવી ચૂક્યો હતો. થોડા દિવસો પહેલા જ સાંતલપુર ગામ નજીક રેતી ભરેલા એક બેફામ ડમ્પરની અડફેટે આવતા એક નિર્દોષ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જનઆક્રોશ અને દબાણના કારણે તંત્રએ જાગવું પડ્યું આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સાંતલપુર ગામના રોષે ભરાયેલા લોકો ટ્રેક્ટરો ભરીને મહિલાના મૃતદેહ સાથે વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગ્રામજનોએ ભારે હંગામો મચાવી ગામમાંથી પસાર થતા રેતીના ડમ્પરો કાયમી ધોરણે બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ ભારે જનઆક્રોશ અને દબાણના કારણે જ આખરે તંત્રએ જાગવું પડ્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Read Original Article →