કેશોદના પંચાળાનો‎ બનાવ:અગાઉના મનદુઃખથી ઉપસરપંચનો આધેડ પર હુમલો

Gujarat5/16/2026, 12:00:00 AM
કેશોદના પંચાળા ગામે ગૌચર પર દબાણ મુદે કરાયેલી અરજીના મનદુઃખથી ઉપસરપંચે આધેડ પર છરીથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કેશોદ તાલુકાના સુત્રેજ ગામના 55 વર્ષીય રાણમલભાઈ લીલાભાઈ ઓડેદરાની ​ફરિયાદ અનુસાર, તેઓ ગુરુવારે પંચાળા ગામે એક દુકાન પાસે ઊભા હતા, ત્યારે પંચાળા ગામના ઉપસરપંચ દેવાયતભાઈ માંડાભાઈ ચુડાસમા ત્યાં ધસી આવ્યા હતા. દેવાયતભાઈએ ગૌચરની જમીન પર કરેલા દબાણ હટાવવા બાબતે રાણમલભાઈએ અગાઉ કરેલી અરજીઓનો ખાર રાખીને જાહેરમાં ગાળાગાળી શરૂ કરી હતી. બાદમાં ઉપસરપંચે ઉશ્કેરાઈ જઈને પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢી રાણમલભાઈ પર હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળે હાજર અન્ય લોકોએ વચ્ચે પડીને રાણમલભાઈનો જીવ બચાવ્યો હતો. હુમલાખોર ઉપસરપંચે જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ​કેશોદ પોલીસે આ મામલે દેવાયત ચુડાસમા વિરૂદ્ધ જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી.
Read Original Article →