જનતાના પરસેવાની કમાણીના પૈસાનો ધુમાડો:સર્વોદય સોસાયટીમાં ૩૫ લાખના ખર્ચે રોડ બનાવ્યા પછી ગટરની લાઈન તૂટી
જૂનાગઢ મહાનગરપાલિકામાં 'પહેલા રોડ બનાવો અને પછી તોડો' તેવી રાજાશાહી પરંપરા ચાલી રહી હોય તેવું ચિત્ર સર્વોદય સોસાયટીમાં જોવા મળ્યું છે. અહીં અંદાજે રૂા. ૩૫ લાખના જંગી ખર્ચે સીસી રોડ બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જોકે, રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ તંત્રને જ્ઞાન લાધ્યું કે રોડ નીચે ભૂગર્ભ ગટરની મુખ્ય પાઈપલાઈન દબાઈ ગઈ છે. આ ગંભીર ક્ષતિને સુધારવા માટે લાખોના ખર્ચે બનેલા નવા નકોર રોડ પર જેસીબી ફેરવી ફરીથી ખોદકામ શરૂ કરવામાં આવતા જનતાના પરસેવાની કમાણીના પૈસાનો ધુમાડો થયો છે. સામાન્ય રીતે કોઈપણ વિસ્તારમાં રોડ બનાવતા પહેલા ગટર અને પાણીની લાઈનનું ટેસ્ટિંગ કરવાનું હોય છે, પરંતુ અહીં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરની મિલીભગત અથવા ઘોર બેદરકારીને કારણે આ પ્રક્રિયા પડતી મુકાઈ હતી. પરિણામે, ગટર લાઈન દબાઈ જવાથી આખા વિસ્તારમાં ગંદકી ઉભરાવાની સમસ્યા સર્જાઈ અને આખરે રોડ તોડવાની નોબત આવી. આ ઘટના મનપાના આયોજન વગરના વહીવટનો જીવંત પુરાવો છે.
Read Original Article →