રાજ્યપાલે વટહુકમ બહાર પાડ્યો:જમીનના રજીસ્ટર્ડ દસ્તાવેજમાં સેમ- ડે પાકી નોંધના રાજ્યપાલના વટહુકમને 57 દિવસ ફાઇલમાં દબાવી રખાયો, 135-ડીની નોટિસો નિકળતી જ રહી !
ગુજરાતમાં ખેતીની જમીનના રજીસ્ટર્ડ દસ્તાવેજમાં તુરંત જ પાકી નોંધ પાડી દેવા અંગે ગત 31 માર્ચના રોજ રાજ્યપાલે એક વટહુકમ બહાર પાડ્યો હતો. સામાન્યતઃ આવા ઓર્ડિનન્સની તાત્કાલિક અસરથી અમલવારી થવી જોઈએ પણ એવું થયું નથી. રાજ્યપાલના ઓર્ડિનન્સના 57 દિવસ પછી એટલે કે 27 મેના રોજ મહેસુલ વિભાગે આ અંગે પરિપત્ર કર્યો છે. રાજ્યપાલના ઓર્ડિનન્સની અમલવારી 57 દિવસ સુધી કોના ઇશારે અટકાવી રખાઈ અને આ દિવસો દરમિયાન પણ પ્રમાણિત નોંધ માટે અગાઉની જેમ જ 135 ડીની નોટિસ કાઢવાનું ચાલુ રહેતા રાજ્યમાં હજારો લોકોના કામ વિલંબમાં પડ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ દ્વારા રજીસ્ટર્ડ દસ્તાવેજમાં થતા વિલંબને ટાળવા માટે એ જ દિવસે નોંધ પ્રમાણીત કરવા અંગેનો વટહુકમ ગત 31 માર્ચ 2026ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, છેલ્લા એક વર્ષમાં નોંધ ન પડી હોય, તમામ હિતધારકોની સહમતી હોય અને કોર્ટ મેટર પડતર ન હોય એવી નોંધ 135 ડીની નોટિસ આપ્યા વીના એ જ દિવસે પ્રમાણિત કરી દેવાની રહેશે. સામાન્ય રીતે ઓર્ડીનન્સ બહાર પાડવામાં આવે ત્યારે એ જ દિવસથી તે અમલી બની જાય છે પણ આ કિસ્સામાં ખુદ મહેસુલ વિભાગે પણ આ ઓર્ડિનન્સ બહાર પડ્યાના 57 દિવસ પછી પરિપત્ર કર્યો હતો અને ત્યાં સુધી જૂની પદ્ધતિ જ ચાલુ રાખવામાં આવી હતી અને વટહુકમ જારી થઈ ગયો હોવા છતાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી અને પોરબંદર સહિત આખા રાજ્યમાં હજારોની સંખ્યામાં 135 ડીની નોટિસ નીકળી હતી જેના લીધે સેંકડો લોકોએ વિના કારણ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. પહેલા 30 દિવસ પછી નોટિસ નીકળતી, એ જ દિવસે નીકળવા લાગતા 30 દિવસ કપાઈ ગયા મહેસુલ વિભાગના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, સેટલમેન્ટ કમિશનર માંથી ઘણા બધા પરિપત્રો થયા છે. પહેલા 90 દિવસનો સમયગાળો હતો એ ઉત્તરોત્તર ઘટાડતા ગયા. અગાઉ રજીસ્ટર્ડ દસ્તાવેજ થયાના 30 દિવસ પછી નોટિસ નીકળતી હતી, એ સેમ ડે કાઢવા લાગ્યા એટલે એ 30 દિવસ પણ વચ્ચેથી નીકળી ગયા. રાજ્યપાલના ઓર્ડિનન્સ પછી ઊપરા છાપરી અલગ અલગ પરિપત્રો બહાર પાડ્યા હતા. અગાઉનો પરિપત્ર રદ કરીને નવો આદેશ આવતો, એવી રીતે પણ કન્ફ્યુઝન વધ્યું હતું.
Read Original Article →