વંથલીના સાંતલપુરમાં ખનિજ માફિયાઓનો આતંક:ગેરકાયદે રેતી લીઝ સામે અરજી કરનાર દલિત મહિલાને પગ ભાંગી નાખવાની ધમકી; ચાર સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ

Gujarat6/5/2026, 3:54:46 PM
વંથલીના સાંતલપુરમાં ખનિજ માફિયાઓનો આતંક:ગેરકાયદે રેતી લીઝ સામે અરજી કરનાર દલિત મહિલાને પગ ભાંગી નાખવાની ધમકી; ચાર સામે એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે ગેરકાયદેસર રેતીની લીઝ અને ભૂમાફિયાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. થોડા દિવસો પૂર્વે જ બેફામ દોડતા ડમ્પરની અડફેટે એક સ્થાનિક મહિલાના કમકમાટીભર્યા મોત બાદ ફાટી નીકળેલા જનઆક્રોશ વચ્ચે હવે એક નવો ચોંકાવનારો ફણગો ફૂટ્યો છે. ગેરકાયદેસર લીઝના રસ્તા બાબતે તંત્ર સમક્ષ લેખિત અરજી કરનાર ગામના જ 26 વર્ષીય અનુસૂચિત જાતિના મહિલાને ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરાયાની ફરિયાદ નોંધાતા વંથલી પોલીસે એટ્રોસિટી એક્ટ (SC-ST Act) હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. કાર લઈને ઘરે ધસી આવ્યા અને ધમકી આપી પોલીસ સ્ટેશનેથી મળતી વિગત મુજબ, સાંતલપુર ગામના પ્લોટ વિસ્તારમાં કબ્રસ્તાન નજીક રહેતા અને ઘરકામ કરતા ધોરણ-10 પાસ મહિલાએ ગામના ત્રણ શખ્સો અને એક અજાણ્યા ઇસમ વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. મહિલાના જણાવ્યા અનુસાર, તેમણે અગાઉ ગેરકાયદેસર લીઝના રસ્તા બંધ કરવા બાબતે લેખિત અરજી આપી હતી. આ બાબતનો ખાર રાખીને ગત તારીખ 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે જ્યારે તેમના પતિ મજૂરી કામે ગયા હતા ત્યારે આરોપી રામભાઈ બાવનભાઈ છેલાણા, ભાયાભાઈ બાવનભાઈ છેલાણા, સાગરભાઈ ભાયાભાઈ છેલાણા અને અન્ય એક અજાણ્યો શખ્સ સફેદ રંગની અર્ટિકા કાર લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ મહિલાને ઘરની બહાર બોલાવી ઉગ્ર અવાજે ધમકાવતા કહ્યું હતું કે, "તે અમારી લીઝ વિરૂદ્ધ કેમ અરજી આપી છે? તારા પગ ભાંગી નાખવા છે." આ સાથે જ અરજી પાછી ખેંચી લેવા દબાણ કરી, જાહેરમાં ગાળો ભાંડી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી હતી. પંચાયતની મીટિંગમાં પણ બબાલ, સરપંચે હાથ અધ્ધર કર્યા આ વિવાદ વચ્ચે જ ગત ૩૧ મે ૨૦૨૬ના રોજ ગામમાં રેતીના ડમ્પરે એક મહિલાને કચડી મારતા અકસ્માત સર્જાયો હતો. આ મામલે રાત્રે ગ્રામ પંચાયત ખાતે મળેલી મીટિંગમાં ભોગ બનનાર મહિલાએ આરોપી સાગર છેલાણાને ટોકતા કહ્યું હતું કે, "આ ડમ્પર હજુ બીજા લોકોના પણ જીવ લેશે." ત્યારે સાગરે ઉદ્ધત થઈને કહ્યું કે, "તારી ઉપર ડમ્પર તો નથી પડ્યું ને!" મહિલાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ અગાઉ પણ ત્રણ વાર તેમની સાથે ઝઘડો કરી ચૂક્યા છે. આ અંગે જ્યારે ગામના સરપંચ વિપુલભાઈ સાવલીયાને રજૂઆત કરવામાં આવી, ત્યારે સરપંચે એવું કહીને હાથ અધ્ધર કરી દીધા હતા કે, "મને આ લોકોથી ડર લાગે છે એટલે હું ગામમાં નહીં આવું." કલેક્ટર અને એસ.પી.ને રૂબરૂ મળ્યા બાદ નોંધાઈ ફરિયાદ વારંવાર વંથલી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અને પરિવાર પર જાનનું જોખમ વર્તાતા આખરે ભયભીત બનેલા મહિલાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને એસ.પી. (SP) સાહેબની રૂબરૂ મુલાકાત લઈને પોતાની આપવીતી વર્ણવી હતી. ઉચ્ચ અધિકારીઓની કડક સૂચના બાદ વંથલી પોલીસે મહિલાના જ્ઞાતિના પ્રમાણપત્રના આધારે ચારેય આરોપીઓ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો નોંધ્યો છે. મહિલાએ આશંકા વ્યક્ત કરી છે કે જો ભવિષ્યમાં તેમના પરિવાર પર કોઈ હુમલો થશે તો તેની તમામ જવાબદારી આ આરોપીઓની રહેશે. હાલ વંથલી પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read Original Article →