માણાવદર-વેળવા રોડ પર અકસ્માત:બાઇક સ્લિપ થતાં ભાણેજ પાછળ બેઠેલા વૃદ્ધનું મોત થતા ગમગીની
માણાવદર-વેળવા રોડ પર બાઇક સ્લિપ થતાં ભાણેજ પાછળ બેઠેલા આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની મળતી વિગતો અનુસાર માણાવદર તાલુકાના વેળવા ગામના 58 વર્ષીય વાલાભાઈ નાથાભાઈ કાનગડ ગત તારીખ 23 મે ના રોજ સાંજના માણાવદર રહેતા તેના બેનનો દીકરો પ્રભાત રણજીતભાઈ ડાંગરના જીજે 11 બીએચ 8838 નંબરના બાઈક પર એની પાછળ બેસીને જઈ રહ્યા હતા ત્યારે માણાવદર-વેળવા રોડ પર પાસે પહોંચતા પ્રભાત ભાઈએ અચાનક બ્રેક મારવાના કારણે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લિપ થઈ ગયું હતું. અકસ્માતથી મામા, ભાણેજ પડી ગયા હતા. વાલાભાઈને માથાના ભાગે તથા મોઢામાંથી લોહી નીકળવા જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ તેમને તાત્કાલિક માણાવદર સરકારી દવાખાને અને ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ તથા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર ઈજાઓના કારણે સારવાર દરમિયાન જ તા.24 મે ના રોજ તેનું અવસાન થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવ્યા બાદ લાશ પરિવારને સોંપાઈ હતી. આ અક્સ્માત અંગે માણાવદર પોલીસે મૃતકના પુત્ર મયુરભાઈ કાનગડની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.
Read Original Article →