કેશોદ:મિલકતના હિસ્સા મુદે પ્રૌઢ પર સગા ભાઈનો લાકડી, પથ્થર વડે હુમલો
કેશોદના અજાબ ગામે પ્રૌઢ પર તેના સગા ભાઈએ લાકડી, પથ્થર વડે હુમલો કરી ધમકી આપી હતી. અજાબમાં પટેલ સમાજની બાજુમાં રહેતા 52 વર્ષીય કિશોરભાઈ ઉર્ફે ભીખુભાઈ ગોવિંદભાઈ મ્યાત્રા અને તેના ભાઈ કરશન વચ્ચે છેલ્લા બે-ત્રણ વર્ષથી મિલકતના હક્ક હિસ્સા બાબતે વિવાદ ચાલતો હતો. બુધવારે સાંજે કિશોરભાઈ વાડીએ કામ કરતા હતા ત્યારે નાનો ભાઈ કરશને ત્યાં આવી મોટા ભાઈ કિશોરભાઈને પીઠના ભાગે પથ્થરનો છુટ્ટો ઘા માર્યો હતો. કિશોરભાઈ નીચે પડી જતાં શખ્સે લાકડી વડે આડેધડ માર મારી ઈજા પહોંચાડી હતી. આટલું જ નહીં, ગાળો કાઢી 'જો હવે તું વાડીએ આવીશ તો તને જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી જતો રહ્યો હતો. હુમલા બાદ ઈજાગ્રસ્ત કિશોરભાઈને સારવાર માટે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદ આધારે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
Read Original Article →