ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સમસ્યાનો વરસાદ : ઠેર-ઠેર રસ્તા ખોદીને ભૂલી જવાયા
જૂનાગઢમાં વિકાસના કામોમાં જોવા મળતી 'પક્ષપાતી ગતિ' હવે જનતામાં આક્રોશનું કારણ બની છે. એક તરફ શહેરના ભાજપ કાર્યાલય પાસેના રસ્તાઓ જાણે જાદુઈ લાકડી ફરી હોય તેમ રાતોરાત ચકાચક બની જાય છે, જ્યારે બીજી તરફ સામાન્ય નાગરિકોના વિસ્તારોમાં મહિનાઓ સુધી ખોદકામ અને ધૂળની ડમરીઓ સિવાય કંઈ મળતું નથી. મોહન નગર, શાંતેશ્વર અને ગોકુલનગર જેવા વિસ્તારો તંત્રની ઉદાસીનતાનો જીવંત પુરાવો છે. મોહન નગરમાં 28 દિવસથી રસ્તો અધવચ્ચે છોડી દેવાયો છે અને રસ્તા પર પડેલી લોખંડની કેચિન પટ્ટીઓ રાહદારીઓ માટે 'મોતનો સામાન' બનીને પડી છે. શાંતેશ્વર વિસ્તારમાં તો ત્રણ-ત્રાન મહિનાથી રસ્તાના નામે લોકોના ધંધા-રોજગાર ઠપ્પ કરી દેવામાં આવ્યા છે. વૃદ્ધો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે અને જનતા નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર છે. સવાલ એ થાય છે કે, જો સત્તાધારી પક્ષના કાર્યાલય પાસે કામગીરી આટલી ઝડપથી પૂર્ણ થઈ શકતી હોય, તો સામાન્ય કરદાતાઓના વિસ્તારમાં એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો કેમ ગાયબ થઈ જાય છે? નોબલ સ્કૂલ રોડ પર ત્રણ જ મહિનામાં નવો રોડ તોડીને ગટર નાખવી એ મનપાના નબળા આયોજન અને પ્રજાના પૈસાનો વેડફાટ સૂચવે છે. શું તંત્ર માત્ર વીઆઈપી વિસ્તારો અને રાજકીય કચેરીઓની સુવિધા સાચવવા માટે જ છે. નોબલ સ્કૂલ રોડ : ભૂગર્ભ ગટર તૂટી, હજુ રિપેર નહીં જૂનાગઢમાં નોબલ સ્કૂલ રોડ પર હજુ માંડ ત્રણ મહિના પહેલાં જ નવો ડામર રોડ બનાવી નાગરિકોને સુવિધા આપવાની વાત કરવામાં આવી હતી. પરંતુ, ગટરના પાઇપ દબાઈ જવાને કારણે કરોડોના ખર્ચે બનેલા આ રોડને ફરીથી તોડવાની ફરજ પડી છે. આ કોઈ એકલ-દોકલ કિસ્સો નથી, પરંતુ જૂનાગઢ પાલિકાના નબળા આયોજનનો પુરાવો છે. જ્યારે રોડ બનાવવામાં આવ્યો, ત્યારે નીચેની ગટર લાઈનોની મજબૂતી કે ક્ષમતા કેમ ચકાસવામાં ન આવી? શું કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરો વચ્ચે સંકલનનો અભાવ હતો? આજે જ્યારે ગટર લાઈન રિપેર કરવા માટે રસ્તાનું ખોદકામ થઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ થાય છે કે લોકોના પરસેવાની કમાણીના નાણાં આ રીતે ધૂળમાં શા માટે મિલાવવામાં આવે છે. બેદરકારીના 28 દિવસ : રસ્તામાં લોખંડની પટ્ટીઓ જૂનાગઢના મોહનનગરના રહીશો છેલ્લા 28 દિવસથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતાનો ભોગ બની રહ્યા છે. રસ્તાનું કામ શરૂ કર્યાને 1 મહિનો થવા આવ્યો હોવા છતાં કામ પૂરું કરવાનું તો દૂર, તેને અધવચ્ચે જ રામભરોસે છોડી દેવામાં આવ્યું છે. શા માટે કામ અટકેલું છે તેનો જવાબ આપવા કોઈ તૈયાર નથી. સ્થળ પરની વાસ્તવિકતા એ છે કે રસ્તો બનાવવા માટે લાવવામાં આવેલી લોખંડની કેચિન પટ્ટીઓ ઘણા દિવસોથી રસ્તાની વચ્ચે બિનવારસી હાલતમાં પડી છે. આ પટ્ટીઓ રાહદારીઓ માટે મોતનો સામાન સાબિત થઈ રહી છે. કામ અટકે ત્યારે જોખમી સામાન હટાવવો અનિવાર્ય છે, પરંતુ અહીં કોન્ટ્રાક્ટરના માણસો પટ્ટીઓ રેઢી મૂકીને ગાયબ થઈ ગયા છે. વાઘેલા અને પણસારા સામસામા આવી ગયા
શાંતેશ્વર અને ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા 3 મહિનાથી ખોદીને મુકી દેવાયેલા રસ્તાના પગલે હજારો પરિવારો હાલાકી ભોગવી રહ્યા છે, ધંધા ઠપ થયા છે. રસ્તા પર ઠેર ઠેર વેરાયેલા કાંકરા અને અધૂરા કામને લીધે વૃદ્ધો અને મહિલાઓ લપસીને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે. હીરાબેન આત્રોલિયા જેવી અનેક વ્યક્તિઓ આનો ભોગ બની હોસ્પિટલના ખાટલે છે. આ મામલે શનિવારે કોર્પોરેટર પ્રવિણ વાઘેલા અને વિપક્ષી નેતા લલીત પરસાણા આમને સામને આવી ગયા હતા. વિકાસ ભાજપ પુરતો સિમિત?
"જૂનાગઢમાં ભાજપ કાર્યાલય પાસેનો રસ્તો ખોદાયાના તુરંત બાદ બનાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જ્યારે અન્ય વિસ્તારોમાં દોઢ મહિનાથી રસ્તાઓ ખોદાયેલી હાલતમાં હોવા છતાં તંત્ર નિષ્ક્રિય છે. આવો ભેદભાવ શું કામ? જૂનાગઢમાં વિકાસ શું માત્ર સત્તાધારી પક્ષની ઓફિસ પૂરતો જ સીમિત છે?" > લલીત પણસારા, વિપક્ષી નેતા, મનપા, જૂનાગઢ ભાજપ કાર્યાલય પણ ટેક્ષ ભરે છે
"ભાજપ કાર્યાલય પણ મહાનગરપાલિકામાં નિયમિત ટેક્ષ ભરે છે, તો ત્યાં રસ્તો બને તેમાં વિરોધ કેમ? જૂનાગઢ શહેરમાં રસ્તાનું કામ એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે, જેની શરૂઆત ત્યાંથી થઈ છે અને તે ક્રમશઃ અન્ય વિસ્તારો સુધી પણ પહોંચશે. વિપક્ષે ખોટી રાજનીતિ ન કરવી જોઇએ, એમને આ બધી કામગીરીની સમજ હોવી જરૂરી છે." > પ્રવિણ વાઘેલા, કોર્પોરેટર, મનપા, જૂનાગઢ
Read Original Article →