પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં વધારો તથા લોકોની પ્રતિક્રિયા:ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો: મધ્યરાત્રિએ અચાનક અમલી બનેલા ભાવવધારાથી જનતા પર મોંઘવારીનો ડામ, પંપ સંચાલકો અને નાગરિકોની પ્રતિક્રિયા
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે 14 મેની મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયેલા આકરા વધારાને કારણે સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક મોટો બોજ આવી પડ્યો છે. આ નવા ભાવવધારા અનુસાર, પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ.2.99નો વધારો થતા નવો ભાવ રૂ 97.50 થયો છે, જ્યારે ડીઝલમાં રૂ3.09નો વધારો થતા તે રૂ.93.29 પર પહોંચ્યું છે. આ નવો ભાવ વધારો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા આ ભાવ મામલે જૂનાગઢના સ્થાનિક નાગરિક જીવાણી શૈલા એ જણાવ્યું હતું કે અમે ઘણા વર્ષોથી જૂનાગઢમાં રહીએ છીએ. આપણને બધાને હાલની પરિસ્થિતિની ખબર છે તે મુજબ અમેરિકા અને ઈરાનના યુદ્ધના લીધે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલના ભાવ પહેલા ચોરાણું રૂપિયા હતા, એમાંથી આજે સત્તાણું રૂપિયા થઈ ગયા છે. પેટ્રોલની સમસ્યા દિવએ ને દિવસ વધી રહી છે, જેના કારણે ઘણી બધી મુસીબતો ઊભી થાય છે. હવે જો આપણે એના નિરાકરણની વાત કરીએ તો, પેટ્રોલ અને ડીઝલ જે પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એમાં ઓછું વપરાય છે અને લોકો ઘણા સાથે મુસાફરી કરી શકે છે. એની બદલે આપણે જે ડે-બાય-ડે ફોર વ્હીલરનો ઉપયોગ વધારીએ છીએ, જેના કારણે પ્રદૂષણ થાય છે. વાતાવરણમાં અશુદ્ધિ આવે છે અને આપણને સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. તો એવું છે કે જો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધારે યુઝ કરીએ, સાયકલ લઈએ અથવા નજીકની જગ્યાએ જવું હોય તો ચાલીને જઈએ, તો આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે તે ખૂબ જ સારું છે અને આપણી લાઈફ પર પણ સકારાત્મક અસર કરશે. એના લીધે આપણે જોઈએ તો એલ.પી.જી. પર પણ ઘણી અસર થાય છે અને ઘણી બધી સમસ્યા આગળના સમયમાં ઊભી થશે. તો જો આપણે અત્યારથી ધ્યાન રાખીએ તો આપણું ભવિષ્ય એટલું બધું ના બગડે અને આ કારણે આપણને એટલી બધી મુસીબત ના આવે. પેટ્રોલ ડીઝલના ભાવવધારાની સ્થિતિ અને પંપની વ્યવસ્થા અંગે કીરીટ ફ્યુઅલ્સના સંચાલક રોશન વિરમભાઈ નંદાણીયા એ જણાવ્યું હતું કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયેલ છે. જેમાં પેટ્રોલમાં બે રૂપિયા ને નવાણું પૈસા અને ડીઝલમાં ત્રણ રૂપિયા ને નવ પૈસાનો વધારો થયેલ છે.અત્યારે હમણાં જ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જેમ અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો ખોટો સંગ્રહ કરવો નહીં અને તેનો દુરુપયોગ કરવો નહીં. સરકાર અને કંપનીના આદેશ મુજબ અમે કોઈને પણ બેરલમાં કે પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ અથવા ડીઝલ આપવાના નથી, એ વસ્તુનું પણ આપ ધ્યાનમાં રાખો. બાકી કંપની પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી કોઈપણ પ્રકારનો ગભરાટ કરવાની જરૂર નથી. હું આપ સૌને વિનંતી કરું છું કે જરૂર પૂરતો જ ઉપયોગ કરો અને પેટ્રોલ પંપ પર ખોટી લાઈનો લગાવવી નહીં તથા બીજી ખોટી અફવાઓના બહેકાવવામાં ન આવો.
Read Original Article →