માળિયાહાટીનાના પાણીધ્રામાં શંકાસ્પદ કેમિકલ પીવાનો મામલો:FSL રિપોર્ટમાં ‘મિથેનોલ’ શૂન્ય ટકા, પોલીસે લઠ્ઠાકાંડની ચર્ચાઓ ફગાવી
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા પંથકમાં અગરબત્તીના કેમિકલયુક્ત પ્રવાહીમાં પાણી ભેળવીને પીવાના કારણે ચાર નાગરિકોની તબિયત લથડવાની ઘટનામાં એક મોટો ખુલાસો થયો છે. લોકમુખે ચર્ચાતા ‘લઠ્ઠાકાંડ’ના આક્ષેપો વચ્ચે આ મામલે જૂનાગઢના ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડગરે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલા પ્રવાહીનો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) નો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટમાં ઝેરી ગણાતા મિથેનોલ કેમિકલની હાજરી શૂન્ય ટકા જોવા મળી છે, જેથી પોલીસ તંત્રએ આ ઘટનાને લઠ્ઠાકાંડ ગણવાનો સાફ ઇનકાર કર્યો છે. બીજી તરફ, પોલીસે ગણતરીના કલાકોમાં આ જોખમી પીણું વેચનારા મુખ્ય આરોપીને રાઉન્ડઅપ કરી લીધો છે. FSL રિપોર્ટમાં ઝેરી મિથેનોલ ગેરહાજર
ઇન્ચાર્જ એસ.પી. રોહિત ડગરે વિગતવાર જણાવ્યું હતું કે, ગત 31 મેના રોજ પાણીધ્રા ગામે બનેલી ઘટના બાદ પોલીસે તાત્કાલિક કેમિકલ પદાર્થ પોતાના કબજામાં લઈને એફ.એસ.એલ. પરીક્ષણ માટે મોકલ્યો હતો. ગઈકાલે મોડી રાત્રે આવેલા સત્તાવાર રિપોર્ટ મુજબ આ પ્રવાહીમાં કોઈ ઇન્ડસ્ટ્રિયલ આલ્કોહોલ (મિથેનોલ) મળ્યું નથી. જૂનાગઢના ઈન્ચાર્જ એસ.પી. રોહિત ડગરે જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે લઠ્ઠાકાંડમાં ઘાતક મિથેનોલનો ઉપયોગ થતો હોય છે, જે આ કેસમાં સાબિત થયો નથી. વળી, આ પદાર્થનું સમાજમાં કોઈ મોટા પાયે વેચાણ કે સેવન (માસ કન્ઝમ્પશન) થયું નથી. માત્ર બે-ત્રણ લોકોની જ તબિયત બગડી હોવાથી વહીવટી રીતે આ ઘટનાને કોઈ પણ સંજોગોમાં લઠ્ઠાકાંડ કહી શકાય નહીં.” કોઈનું મોત થયું નથી
હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની મેડિકલ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતાં એસ.પી.એ જણાવ્યું કે, આ ઘટનામાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. શરૂઆતમાં જે ચાર-પાંચ લોકોની તબિયત લથડી હતી તેમાંથી બે વ્યક્તિઓને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હાલ અન્ય બે દર્દીઓ વિશેષ સારવાર હેઠળ છે, જેમાં એક મોટી ઉંમરના વયોવૃદ્ધ મહિલા છે અને બીજા એક પુરુષ છે જે અગાઉથી જ અન્ય બીમારીઓની મેડિકલ હિસ્ટ્રી ધરાવે છે. બંનેની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે. અગરબત્તીનું લિક્વિડ પાતળું કરીને વેચ્યું
પોલીસે એક્શન મોડમાં આવીને પંથકના અગાઉના ગુનેગારોની યાદીના આધારે શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લીધા હતા. સઘન પૂછપરછ દરમિયાન પકડાયેલા એક શખ્સે ગુનાની કબૂલાત કરી લીધી છે કે, તેણે ક્યાંકથી અગરબત્તી બનાવવાનું સુગંધિત લિક્વિડ ખરીદ્યું હતું અને તેમાં પાણી ઉમેરીને (ડાયલ્યુટ કરીને) ગેરકાયદેસર રીતે લોકોને પીવા માટે વેચ્યું હતું. હાલ આ આરોપીને અટકાયતમાં લેવામાં આવ્યો છે અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેના વિરૂદ્ધ કડક કલમો હેઠળ વિધિવત એફ.આઈ.આર. (FIR) દાખલ કરાશે. દારૂની ભઠ્ઠીઓ કે હોટલ પર દારૂ વેચાવાની વાતો માત્ર અફવા
શરૂઆતમાં આ ઘટના દેશી કે કાચો દારૂ પીવાના કારણે થઈ હોવાની વહેતી થયેલી ચર્ચાઓને પગલે પોલીસે કડક કોમ્બિંગ હાથ ધર્યું હતું. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને સમગ્ર પંથકના શંકાસ્પદ સ્થાનો પર દરોડા પાડ્યા હતા, પરંતુ ક્યાંયથી પણ દારૂ બનાવવાની કોઈ ભઠ્ઠી કે સામગ્રી મળી આવી નથી. આ સાથે જ ખોડીયાર હોટલ આસપાસ ગેરકાયદેસર દારૂ વેચાતો હોવાની ચર્ચાઓને એસ.પી.એ સદંતર અફવા ગણાવી ફગાવી દીધી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે ભવિષ્યમાં પણ કાયદાના દાયરામાં રહીને કડકમાં કડક પગલાં ભરવામાં આવશે.
Read Original Article →