ઓઝત નદીની સફાઈ મુદ્દે જગતના તાતનો ઉગ્ર આક્રોશ.:ઓઝત નદીકાંઠાના ખેડૂતો વહીવટી ઉપેક્ષાના શિકાર: કરોડોની ગ્રાન્ટ છતાં જંગલ કટિંગ અને પાળા રિપેરિંગની કામગીરી ઠપ્પ, ચોમાસા પહેલાં પૂરની ભીતિ.

Gujarat5/27/2026, 5:34:34 AM
ઓઝત નદીની સફાઈ મુદ્દે જગતના તાતનો ઉગ્ર આક્રોશ.:ઓઝત નદીકાંઠાના ખેડૂતો વહીવટી ઉપેક્ષાના શિકાર: કરોડોની ગ્રાન્ટ છતાં જંગલ કટિંગ અને પાળા રિપેરિંગની કામગીરી ઠપ્પ, ચોમાસા પહેલાં પૂરની ભીતિ.
ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ઓઝત નદી કિનારાના વિસ્તારમાં વસતા ખેડૂતો હાલ અનેક ગંભીર સમસ્યાઓ અને વહીવટી ઉપેક્ષાનો સામનો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.નદીના પુલ નીચે મોટા પથ્થરો પડી જવાને કારણે અને બામણસાથી લઈને સુરજવડના પુલ સુધી મોટા પાયે પુરણ થઈ ગયું હોવાથી નદીની જળવહન ક્ષમતા ઘટી ગઈ છે. આ પુરણ તેમજ નદીમાં ઉગી નીકળેલા ઝારી-ઝાંખરા અને જંગલ સમયસર સાફ ન થવાને કારણે ચોમાસા દરમિયાન પૂરના પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. આ કચરો નાના પુલોમાં ફસાઈ જતાં નદીના પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળે છે. સૌથી મોટી આફત નદીના નબળા પડી ગયેલા પારા એટલે કે કિનારાના બંધ છે, જે પાણીના પ્રવાહને કારણે વારંવાર તૂટી જાય છે. બંધ તૂટવાના લીધે હજારો વીઘા જમીનમાં વાવેલો મગફળી સહિતનો કિંમતી પાક સંપૂર્ણપણે ધોવાઈ જાય છે અથવા નિષ્ફળ નીવડે છે, જેને કારણે નદી કિનારે રહેતા પરિવારો માટે ચોમાસામાં જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની જાય છે. ​સ્થાનિક ખેડૂત બાબુભાઈએ તંત્ર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઓઝત નદીના પુલની અંદર મોટા મોટા પથ્થરો પડી ગયેલ છે, જેનાથી ઓઝત નદીમાં ભારે પુરણ થઈ ગયું છે. બામણસાથી લઈ છેટ સુરજવડના પુલ સુધી આ પુરણ થયેલ હોવાથી આ પુરણને જેમ બને તેમ વહેલી તકે કાઢવામાં આવે અને નદીના પારા વહેલી તકે રીપેરીંગ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ગયા વર્ષે પણ અમારી આર્થિક પરિસ્થિતિ બહુ નબળી જ હતી, છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા નથી. ગયા ચોમાસામાં મારે પોતાની 45 વીઘાની મગફળીમાં વ્યાપક નુકસાની થઇ હતી. બાલા ગામની અંદાજે 27,000 વીઘા જમીન આવેલી છે અને આ 27,000 વીઘાની અંદર મગફળીનું વાવેતર પૂરના કારણે તમામ નબળું રહ્યું હતું, પરંતુ હજી સુધી સરકાર તરફથી તેનું કોઈ આર્થિક વળતર ખેડૂતોને મળેલ નથી. સરકારને અમે જમીન બચાવવા માટે પારા રિપેર કરવાની લેખિત અરજી આપેલ છે અને આખા ગામ વતી સામૂહિક રીતે આ મામલે ઉચ્ચ કક્ષાએ ભલામણ કરેલ છે, પણ દુઃખની વાત એ છે કે આ ભલામણના પ્રત્યુત્તરમાં તંત્ર તરફથી હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. ​બીજી તરફ, બાલાગામ બોરીયા વિસ્તારમાં રહેતા ખેડૂત કરસનભાઈ રૂપાવટીયાએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ઓઝત નદીના કાંઠે આ વખતે જે ઝારી-ઝાંખરા અને જંગલ નદીમાં સાફ કરવાના હોય, એ હજુ સુધી બિલકુલ કરવામાં આવ્યા નથી. ગયા વર્ષે તંત્ર દ્વારા થોડા-ઘણા ઝાંખરા સાફ કરવામાં આવ્યા હતા, પરંતુ આ ઝારી-ઝાંખરા અને કચરો ચોમાસા દરમિયાન વહીને નાના પુલમાં ફસાઈ જાય છે, જેના કારણે પાણીનો કુદરતી નિકાલ થતો નથી અને દબાણ વધતાં નદીકાંઠાના રક્ષણાત્મક બંધ તૂટી જાય છે. જો ચોમાસું બેસે તે પહેલાં નદીમાં સાફ-સફાઈ વહેલી તકે થાય, તો જ ચોમાસા દરમિયાન પાણીનો વ્યવસ્થિત રીતે નિકાલ થઈ શકે, નહિતર નદીને કાંઠે રહેતા પરિવારો માટે અહીં ચોમાસા દરમિયાન રહેવામાં બહુ મુશ્કેલ થાય છે અને પૂરના પાણી અમને બહુ નડે છે. આ સમગ્ર વિસ્તારમાં પૂરના પાણીનો કોઈ જાતનો યોગ્ય નિકાસ નથી, જેને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહે છે અને વાવેલો તમામ પાક નિષ્ફળ જાય છે, તેની સામે ખેડૂતોને કોઈ વળતર પણ મળતું નથી. ​જ્યારે બાલાગામના અન્ય એક રહીશ રાજેશભાઈ રૂપાવટીયાએ જણાવ્યું હતું કે સરકારે ઓઝત નદીની સુરક્ષા માટે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અને એની લાખો રૂપિયાની જે ગ્રાન્ટ મંજૂર કરી છે, તેમાં ગ્રાઉન્ડ લેવલ પર હજુ સુધી કોઈ પણ જાતની કામગીરી કે કાર્યવાહી થઈ નથી. આ બાબતે અમે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ નદીના પારાઓ વારંવાર તૂટી જવાથી અમારા ખેતરોનો ઊભો પાક વારંવાર વહી જાય છે અને પાક નુકસાની પણ અમને પૂરી મળતી નથી. એટલું જ નહીં, અમને સમયસર પાક વીમાના નાણાં પણ મળતા નથી. વહેલી તકે સરકાર આ નદીની યોજના ગ્રાઉન્ડ પર ચાલુ કરે, નદીમાં થયેલા દબાણો જે છે તે તાત્કાલિક હટાવે અને પારાપીઠનું કામ સંપૂર્ણ કરી આપે, જેથી ખેડૂતોની ફસલ સારી રીતે પાકી શકે. આ નદીની સાફ સફાઈ અગાઉ એક વખત થઈ હતી, પરંતુ એ પણ બરોબર ક્યાંય થઈ નથી અને જે જંગલ કટિંગ કરવામાં આવે છે, ઈ પણ ક્યારેય પરિપૂર્ણ થતું નથી, જેને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે.
Read Original Article →