મેંદરડાના સરપંચોની ભૂખ હડતાલનો આવ્યો સુખદ અંત:ધારાસભ્ય અને આગેવાનોની મધ્યસ્થીથી સરકારે માંગણીઓ સ્વીકારતા મેંદરડાના 42 ગામના સરપંચોની ભૂખ હડતાલનો અંત; નવા એસ.ઓ.ની તાબડતોબ નિમણૂક કરાઈ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની કથિત હેરાનગતિ અને વિકાસના કામો ઠપ્પ થઈ જવાના વિરોધમાં ચાલી રહેલા સ્થાનિક રાજકીય ગરમાવાનો આખરે સુખદ અંત આવ્યો છે. તંત્રની ઉદાસીનતા અને અણઘડ વહીવટ સામે ભારે રોષ વ્યક્ત કરવા માટે તાલુકાના તમામ 42 ગામના સરપંચો છેલ્લા 3 દિવસથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા હતા. આંદોલનની ગંભીરતાને ધ્યાને લઈને માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરેશ ઠુંમર સહિતના ભાજપના અગ્રણીઓએ મધ્યસ્થી કરી સરપંચોની માંગણીઓ સ્વીકારાવી હતી અને આજે (21 મે) ઉપવાસી સરપંચોને પારણાં કરાવ્યાં હતાં. 6 મહિનાથી વિકાસ કાર્યો ખોરંભે પડતાં સરપંચો આક્રમક બન્યા હતા
મેંદરડા તાલુકા પંચાયત હેઠળ આવતી વિવિધ ગ્રામ પંચાયતોના વિકાસના કામો છેલ્લા 6 માસથી ખોરંભે પડ્યા હતા. સરપંચોનો ગંભીર આક્ષેપ હતો કે વહીવટી તંત્ર દ્વારા જાણીજોઈને વિકાસ કાર્યો રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રજાની વચ્ચે સરપંચોની છબી ખરડાઈ રહી છે. ખાસ કરીને વિકાસના કામો માટે રજૂ કરવામાં આવેલા જૂના બિલો પાસ કરવામાં નહોતા આવતા અને નવા મંજૂર થયેલા કામોના વર્ક ઓર્ડર આપવામાં વિલંબ કરાતો હતો. આ મુદ્દે વહીવટી તંત્ર સામે આરપારની લડાઈ લડવા મેંદરડા તાલુકાના સરપંચો ગત 18 મે, 2026 (સોમવાર)ના રોજથી પ્રતીક ઉપવાસ અને ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા. ધારાસભ્ય લાડાણીની રજૂઆત ફળી, સરકારે તાબડતોબ લીધા એક્શન
સરપંચોના આંદોલનને પગલે ધારાસભ્ય અરવિંદ લાડાણી તાત્કાલિક વહારે આવ્યા હતા. તેઓએ જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારી અને પંચાયત મંત્રી સમક્ષ રૂબરૂ ધારદાર રજૂઆત કરીને જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે સરપંચોની આ માંગણીઓ તદ્દન વ્યાજબી અને ન્યાયસંગત છે. ધારાસભ્યની રજૂઆતને પગલે સરકારે હકારાત્મક વલણ અપનાવીને સરપંચોની મુખ્ય ત્રણેય માંગણીઓ સ્વીકારી લીધી હતી. વિવાદના મુખ્ય કારણ એવા પૂર્વ સેક્શન ઓફિસર (SO)ની બદલીનો ઓર્ડર પણ તાબડતોબ બહાર પાડીને તેમના સ્થાને 'જાડેજા' નામના નવા અધિકારીની નિમણૂક કરી દેવામાં આવી છે. સરપંચોની કઈ 3 મુખ્ય માંગણીઓ સ્વીકારવામાં આવી? હું જાતે તાલુકા પંચાયતમાં બેસીને પ્રશ્નો હલ કરાવીશ: અરવિંદ લાડાણી
આ સફળતા બાદ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું હતું કે, સરપંચોની માંગણીઓ એકદમ વ્યાજબી હતી, તેથી મેં સતત 3 દિવસ મહેનત કરીને સરકાર સુધી તેમની વેદના પહોંચાડી હતી. નવી નિમણૂક પામેલા એસ.ઓ. આવતીકાલે જ હાજર થઈ જશે. હું પોતે પણ કાલે તાલુકા પંચાયતમાં રૂબરૂ બેસીને ટી.ડી.ઓ. અને નવા એસ.ઓ. સાથે વાટાઘાટો કરી તમામ પ્રશ્નો વહેલામાં વહેલી તકે હલ કરાવીશ. સરપંચોના હિત માટે મારે કાયમી અહીં આવવું પડશે તો પણ હું મેંદરડા આવીશ." એકતામાં જ તાકાત છે: સરપંચ યુનિયન
મેંદરડા તાલુકા સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જે. ડી. ખાવડુએ તમામ સરપંચોની એકતાને બિરદાવતાં જણાવ્યું હતું કે, યુનિયનની એકતાના કારણે જ આજે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ધારાસભ્ય અરવિંદ લાડાણી, પૂર્વ પ્રમુખ હરેશ ઠુમ્મર, ભાજપ પ્રમુખ યશવંતભાઈ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ કથીરિયા સહિતની આખી ટીમે આપણી વેદના સાંભળી તંત્ર પાસે વાત મનાવી છે. નવા અધિકારી આવતીકાલે જ આવીને તમામ ફાઈલો અને બિલો ક્લિયર કરશે, જે બદલ અમે સમગ્ર ટીમનો આભાર માનીએ છીએ.
Read Original Article →