સરપંચોની ભૂખ હડતાલનો ત્રીજો દિવસ ​:​તંત્રની નીતિથી કંટાળી મીઠાપુરના સરપંચનું રાજીનામું: બિલો અને નવા કામની મંજૂરીના મુદ્દે 42 ગામના સરપંચો ત્રીજા દિવસે પણ ભૂખ હડતાલ પર, તાળાબંધીની ચીમકી

Gujarat5/20/2026, 11:41:15 AM
સરપંચોની ભૂખ હડતાલનો ત્રીજો દિવસ ​:​તંત્રની નીતિથી કંટાળી મીઠાપુરના સરપંચનું રાજીનામું: બિલો અને નવા કામની મંજૂરીના મુદ્દે 42 ગામના સરપંચો ત્રીજા દિવસે પણ ભૂખ હડતાલ પર, તાળાબંધીની ચીમકી
​​જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે વહીવટી તંત્રની કથિત હેરાનગતિ અને વિકાસના કામો ઠપ્પ થઈ જવાના વિરોધમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના તમામ 42 ગામના સરપંચો છેલ્લા ત્રણ દિવસથી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેસી ગયા છે. સરપંચોનો ગંભીર આક્ષેપ છે કે વહીવટી તંત્ર દ્વારા જાણીજોઈને વિકાસ કાર્યો રોકવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક પ્રજામાં સરપંચોની છબી ખરડાઈ રહી છે. ખાસ કરીને વિકાસના કામો માટે રજૂ કરવામાં આવેલા જુના બિલો પાસ કરવામાં નથી આવી રહ્યા અને નવા કામોને મંજૂરી આપવામાં નથી આવી રહી, જેના કારણે સરપંચો આકરા પાણીએ છે. બીજી તરફ, તાલુકા પંચાયતના સેક્શન ઓફિસર વિશાલ પોકરે આ સમગ્ર વિવાદ પાછળ પૂર્વ એન્જિનિયર દ્વારા આચરવામાં આવેલી ગંભીર ગેરરીતિઓ, ખોટા એસ્ટીમેટો અને એસ.ઓ.આર.ના નિયમોના ઉલ્લંઘનને જવાબદાર ગણાવ્યું હતું. પૂર્વ એન્જિનિયર સામે જિલ્લા કક્ષાએથી 29 જેટલી સત્તાવાર તપાસ ચાલતી હોવાથી કરોડો રૂપિયાના બિલો અટવાયા હોવાનો સ્ફોટક ખુલાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. વહીવટી તંત્રની આ ઢીલી નીતિ અને સરપંચો પ્રત્યેના નકારાત્મક વલણથી કંટાળીને આજે મીઠાપુર ગામના સરપંચ બાલુભાઈ ત્રાડાએ પોતાના પદ પરથી રાજીનામું પણ ધરી દીધું છે. મીઠાપુર ગામના સરપંચ બાલુભાઈ ત્રાડાએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક વર્ષથી ગામના પાણીના ગંભીર પ્રશ્ન અને પુલના મુદ્દે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. આટલી રજૂઆતો કરવા છતાં પણ હજી સુધી આ બાબતે કોઈ પણ જાતનું સકારાત્મક પરિણામ આવ્યું નથી. જિલ્લા પંચાયતમાંથી આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે એક પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે લોકો માટે તદ્દન બિનઉપયોગી સાબિત થયો છે. આથી, વૈકલ્પિક રસ્તા તરીકે આશરે ત્રણ ગામ અને 50 જેટલા ખેડૂતોને જવા-આવવા માટે એક નાનો કોઝવે બનાવવાની માંગણી કરવામાં આવી હતી. જો કે, આ કોઝવેનું કામ પણ તંત્ર દ્વારા અધવચ્ચે લટકાવીને બંધ કરી દેવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ કે જિલ્લા કક્ષાએ આ બાબતે કોઈ યોગ્ય વહીવટ કે નિકાલ થતો નથી અને તેમની માંગણીઓ પૂરી કરવામાં આવતી નથી. છેલ્લા દોઢેક વર્ષથી મેંદરડા તાલુકામાં આ પરિસ્થિતિ ખૂબ જ કથળેલી છે અને આવી સ્થિતિમાં ગામના વિકાસના કામો કરવામાં ભારે તકલીફ પડી રહી છે તેમજ લોકો પણ હવે આ તાલુકામાં સરપંચોને કોઈ ખાસ માન આપતા નથી. ​બાલુભાઈ ત્રાડાએ પોતાના રાજીનામાના નિર્ણય અંગે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, હવે જ્યારે તેમની ટર્મ પૂરી થવામાં માત્ર 6 મહિના જેટલો સમય બાકી છે, ત્યારે જો વહીવટી તંત્ર કોઈ સમાધાન કરે કે નવી વ્યવસ્થા ગોઠવે તો પણ તેઓ સમયના અભાવે કોઈ નવું કામ કરી શકીએ તેવી પરિસ્થિતિમાં નથી. આથી, તેઓ આજે ટી.ડી.ઓ.ને મળીને પોતાનું રાજીનામું આપવા તૈયારી થયું છે. તેઓ લોકોને તેમના પ્રશ્નોના જવાબ આપી શકતા નથી, તેથી ખૂબ જ લાચાર થઈને આ જવાબદારીમાંથી મુક્ત થઈ રહ્યા છે. ગામમાં પાણીની સમસ્યા અંગે તેમણે જણાવ્યું હતું કે, સીમ વિસ્તારનું પાણી દબાણ થવાને કારણે રોડની બાજુમાંથી સીધું ગામમાં પ્રવેશી જાય છે અને દર ચોમાસે ગામમાં ભયંકર પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ અંગેની ફાઈલ પણ છેલ્લા દોઢ વર્ષથી માર્ગ અને મકાન વિભાગમાં પડી રહી છે, પણ તેનો કોઈ નિકાલ થયો નથી. અધિકારીઓ અમુક દબાણ કરનારા લોકોથી ડરે છે અથવા તો તેમની મિલીભગત હોય તેવું લાગે છે. અધિકારીઓ પાસે કાયદાકીય સત્તા હોવા છતાં તેઓ ડરના માર્યા યોગ્ય કામ કરતા નથી. સરપંચો પાસે કોઈ પોલીસ પ્રોટેક્શન કે ખાસ દેખરેખ હોતી નથી, તેમ છતાં તેઓ હિંમત કરીને આગળ આવે છે, તો પછી અધિકારીઓએ કોનાથી ડરવાની જરૂર છે તેવો સવાલ ઉઠાવી તેમણે અધિકારીઓએ કાયદા મુજબ કામ કરવું જ જોઈએ તેવી માંગ કરી હતી. ​બીજી તરફ, મેંદરડા સરપંચ યુનિયનના ઉપપ્રમુખ જે. ડી. ખાવડુ એ આંદોલનની વર્તમાન સ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે તેમના ભૂખ હડતાલના આંદોલનનો ત્રીજો દિવસ છે. ગઈકાલે જિલ્લા વિકાસ અધિકારી (DDO) ના કહેવાથી ડેપ્યુટી ડીડીઓ તેમની પાસે આવ્યા હતા અને તેમને પારણા કરવા માટે અનુરોધ કર્યો હતો. જો કે, ડીડીઓએ તાત્કાલિક અસરથી સૂચના આપી દીધી છે અને ત્રણ ટીમો અત્યારે વિવાદિત 29 ફાઈલોનું ચેકિંગ કરી રહી છે. સરપંચ યુનિયનની મુખ્ય માંગણી એવી છે કે તેમને તેમના જૂના બિલો તાત્કાલિક ચૂકવવામાં આવે અને નવા કામ શરૂ કરવા માટેની પરમિશન આપવામાં આવે. પૂર્વ એસોના કહેવા મુજબ આ બિલોમાં ક્ષતિઓ છે, એટલે એ ક્ષતિઓ ચેક કરવા માટે ડીડીઓ શ્રીએ તાત્કાલિક અસરથી ત્રણ કમિટીની નિમણૂક કરી છે. આ ત્રણ કમિટી ગઈકાલે આવી ગઈ હતી અને આજે પણ કાર્યરત છે. તંત્ર દ્વારા સરપંચોને એવી બાંહેધરી આપવામાં આવી છે કે આગામી બે દિવસમાં આ કમિટી પોતાનો રિપોર્ટ ડીડીઓ શ્રીને સોંપી દેશે અને ત્યારબાદ તેમના અટકેલા બિલો પાસ થઈ જશે. ​જે. ડી. ખાવડુ એ સરપંચોની અન્ય સમસ્યાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ આશ્વાસન તદુપરાંત પણ તેમની એવી માંગો છે કે અમુક સરપંચશ્રીઓના છેલ્લા બબ્બે વર્ષથી થયેલા કામો માપવા માટે પણ કોઈ અધિકારીઓ ગયા નથી. આથી તંત્ર તાત્કાલિક અસરથી જૂના કામો માપે અને નવા બાકી કામોના માપણીની પ્રક્રિયા પૂર્ણ કરે. આ ઉપરાંત જે 29 ફાઈલો સિવાયની સામાન્ય ફાઈલો છે, જેમાં કોઈ પણ જાતની ક્ષતિઓ નથી તેના બિલો પણ ચાર-ચાર કે પાંચ-પાંચ મહિનાથી અટકાવી રાખવામાં આવ્યા છે. સરપંચ યુનિયનની આ કડક માંગણી છે અને જ્યાં સુધી તેમની આ તમામ માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આ ભૂખ હડતાલનું આંદોલન અવિરતપણે કાર્યરત રહેશે. જો આગામી કાલ સુધીમાં તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં તાલુકા પંચાયત કચેરીમાં તાળાબંધી કરશે તેમજ ગામના અન્ય આગેવાનોનો સહકાર મેળવીને રોડ-રસ્તા રોકી જલદ આંદોલન શરૂ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →