ભાસ્કર ઇમ્પેક્ટ:ડે .મેયર કટારાએ સરકારી કાર વાહન શાખામાં જમા કરાવી
પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં વડોદરા અને જામનગર ખાતે એવી અપીલ કરી હતી કે સરકારી ગાડીઓનો બને ત્યાં સુધી ઓછો ઉપયોગ કરો અથવા ઉપયોગ કરવાનો બંધ કરો, આ અપીલ બાદ ભાસ્કર દ્વારા જુનાગઢ મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓ જે 10 થી 12 ગાડી વાપરે છે તેમાં કેટલું ડીઝલ અને પેટ્રોલ વપરાય છે તે અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. વર્ષે લાખો રૂપિયા ફક્ત પેટ્રોલ અને ડીઝલ પાછળ ધુમાડો થઈ રહ્યા હતા. આ અહેવાલ બાદ મનપાના ડે. મેયર આકાશ કટારાએ પોતાની સરકારી નવી નકોર ઇનોવા ગાડી મહાનગરપાલિકાના વાહન શાખામાં જમા કરાવી દીધી હતી. આ અંગે આકાશ કટારાએ જણાવ્યું હતું કે અત્યારે દેશની પરિસ્થિતિ જોતા પેટ્રોલ અને ડીઝલનો ખર્ચ ઘટાડવા માટે મેં મારી સરકારી કાર જમા કરાવી દીધી છે. અને બને ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરીશ. જો જરૂરી હોય તો જ મારી પર્સનલ ગાડી નો ઉપયોગ કરીશ. આમ કટારાએ સરકારી ગાડીનો ત્યાગ કર્યો પરંતુ હજુ 11 પર્સનલ ગાડીઓ મનપામાં ચાલી રહી છે. અધિકારીઓ બોલેરોને બદલે ઇનોવામાં ફરે છે
મનપાના અમુક અધિકારીઓને બોલેરો ગાડી વાપરવા મળે છે. પરંતુ અધિકારીઓએ પદાધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાના માટે ઇનોવા ગાડી લઈ લીધી છે . જેના લીધે ડીઝલ કે પેટ્રોલનો ખર્ચ વધુ થાય છે. સેવન સીટર ગાડી ની જરૂરિયાત અધિકારીઓને હોતી નથી. આવી ગાડી બંધ થાય તો હજુ વધુ પેટ્રોલ ડીઝલની બચત થઈ શકે તેમ છે. MLA કોરડીયા હવેથી ઈલેક્ટ્રીક ગાડી વાપરશે
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાની પેટ્રોલ અને ડીઝલની ગાડીનો ત્યાગ કરીને ઇલેક્ટ્રીક ગાડી વાપરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે પીએમની અપીલ હોય ત્યારે દેશ હિતમાં ઇલેક્ટ્રીક ગાડી વાપરવાનો નિર્ણય કર્યો છે.
Read Original Article →