ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન,પાક બગડવાની ભીતિ.:માંગરોળ પંથકમાં પેટ્રોલ-ડીઝલની ભારે શોર્ટેજ: કાપણીના સમયે ટ્રેક્ટર-થ્રેસર બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં, અંધારપટ અને પીવાના પાણીની પણ સમસ્યા.

Gujarat5/24/2026, 7:04:59 AM
ડીઝલની અછતથી ખેડૂતો પરેશાન,પાક બગડવાની ભીતિ.:માંગરોળ પંથકમાં પેટ્રોલ-ડીઝલની ભારે શોર્ટેજ: કાપણીના સમયે ટ્રેક્ટર-થ્રેસર બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં, અંધારપટ અને પીવાના પાણીની પણ સમસ્યા.
​સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પેટ્રોલ અને ડીઝલની ભારે અછત સર્જાઈ છે. ઉનાળુ મોસમનો પાક બિલકુલ તૈયાર છે અને ખેતરોમાં કાપણી તેમજ હાર્વેસ્ટિંગનું કામ ચાલી રહ્યું છે,તો ખેડૂતો આગોતરી વાવણીનો તૈયારી કરી રહ્યા છે.ત્યારે જ ઈંધણની તીવ્ર શોર્ટેજ ઊભી થતાં ખેડૂતો અત્યંત કફડી પરિસ્થિતિમાં મુકાયા છે. ટ્રેક્ટર, થ્રેસર અને સકેડી જેવા તમામ કૃષિ મશીનો સંપૂર્ણપણે ડીઝલથી ચાલતા હોવાથી ખેતીકામ ઠપ થઈ ગયું છે. કમોસમી વરસાદના માર બાદ માંડ મોઢે આવેલો ઉનાળુ પાકનો કોળિયો હવે ઈંધણ વગર છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ધરતીપુત્રોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ​માનખેત્રા ગામના ખેડૂત કરશનભાઈ કરમટા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર અત્યારે ઉનાળુ મોસમનું કાપણી અને એનું હાર્વેસ્ટિંગ કરી તેને ખેતરોમાંથી સાફ કરીને ઘર તરફ લઈ જવા માટે ડીઝલની સખત જરૂરત છે. આ તમામ વાહનો, ટ્રેક્ટરો અને થ્રેસરો બધી ડીઝલથી ચાલતા વાહનો છે. સરકારે આ ડીઝલનો પોતાનો પ્રાઈવેટ જથ્થો કે કોઈ પણ સ્ટોક હોય એમાંથી પણ ખેડૂતોની વહારે આવવું જોઈએ, નહિતર આ પાક વરસાદ પડવાથી બગડી જશે. ચોમાસુ નજીક આવી ગયું છે. ખેતરો સુધારવાના છે અને ખેતીનું કામ કરવા માટે ડીઝલ સૌથી મોટી જરૂરિયાત છે. નાળિયેરી અને આંબાનો તમામ પાક તૈયાર ગયો છે, જેને ઉતારીને માર્કેટ સુધી લઈ જવા માટે ડીઝલના જ વાહનો ચાલે છે. જો અત્યારે ડીઝલની શોર્ટેજ ઊભી થાય તો આ માલ ત્યાં ને ત્યાં બગડી જાય અને ખેડૂતોની કફડી પરિસ્થિતિ થાય. એક તો કમોસમી વરસાદોથી ચોમાસુ અને શિયાળુ મોસમ ઉપર પણ માર પડ્યો છે અને આ આખરમાં ઉનાળુ મોસમ હાથમાં આવી ત્યારે આવી સ્થિતિથી મોટી મુશ્કેલી સર્જાશે. સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ. સરકાર વાહનોનો ઓછો ઉપયોગ કરવાના નિવેદનો કરે છે, તો તાયફા અને ખોટી નકલી પ્રસિદ્ધિ પાછળ આટલા બધા વાહનો શા માટે દોડાવે છે ? જે જરૂરિયાતી વસ્તુ છે એના ઉપર પ્રતિબંધ મૂકીને પોતાની વાહ-વાહ કરવા માટે જો આ બધું કરાતું હોય, તો તે લોકશાહીની અંદર બિલકુલ યોગ્ય નથી. ​ઝરીયાવળા ગામના ખેડૂત સામંતભાઈ સામળા એ જણાવ્યું હતું કે, અત્યારે ગામડાઓમાં ડીઝલની ખરેખર પૂરેપૂરી અછત પ્રવર્તી રહી છે. બધો મોલ અત્યારે ખેતરમાં તૈયાર પડ્યો છે, પરંતુ ડીઝલ વગર હવે અમારે કરવું શું તે મોટો પ્રશ્ન છે. ખેતરોમાં ટ્રેક્ટરો તદ્દન બંધ પડ્યા છે. બીજી તરફ એપીએમસીમાં સરકારે ઘઉંની સરકારી ખરીદી ચાલુ કરી છે, પરંતુ ઘઉં વેચવા માટે માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે જો વાહનોમાં પુરાવવા ડીઝલ જ ન હોય, તો અમારે ત્યાં કઈ રીતે પહોંચવું? આ ઉપરાંત અત્યારે આકરો ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે અમારા ગામની અંદર પીવાનું પાણી પણ છેવાડાના ઘર સુધી પહોંચતું નથી. ખેતીની સાથે-સાથે પીવાના પાણીની પણ આવી વિકટ પરિસ્થિતિનો અમે સામનો કરી રહ્યા છીએ. ​માનખેત્રાના ખેડૂત ધ્રુવિક ખેર એ જણાવ્યું હતું કે માંગરોળ તાલુકામાં ઘણા દિવસોથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત જોવા મળી રહી છે. આ અછતના લીધે અમારો જે પાક છે, તે આખો ફેલ જઈ રહ્યો છે. પાક વાઢી લીધો હોવા છતાં તે ખેતરમાં જ સડી રહ્યો છે. ખેતરમાં ચાલતી એક સકેડી એક કલાકમાં આશરે ત્રણ લીટર જેટલું ડીઝલ ઉપાડે છે, પરંતુ અત્યારે ડીઝલ ન હોવાના કારણોસર કોઈ ચકેડીવાળા ખેતરે આવવા તૈયાર થતા નથી. આ પંથકમાં નાળિયેરીનું પણ ઘણું વાવેતર છે, પરંતુ બોલેરો ગાડીઓમાં ડીઝલ ન હોવાથી કોઈ નાળિયેર પાડવા કે તેને વહન કરવા આવતું નથી. કેરીના બગીચાઓમાં પણ કેરી ઉતારીને ખરીદવા કોઈ તૈયાર નથી કારણ કે ટ્રાન્સપોર્ટમાં મોટો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. બોલેરો અને ટ્રકોમાં ડીઝલ મળતું ન હોવાથી માલની હેરફેર અટકી પડી છે અને ચકેડીઓ બંધ હોવાથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો કેટલાય દિવસોથી લાઈનોમાં ઊભા રહે છે. પેટ્રોલ પંપ પર માત્ર 1000 રૂપિયાનું જ મર્યાદિત ડીઝલ આપવામાં આવે છે. આ હજાર રૂપિયાના ડીઝલ માટે ખેડૂતો આખી રાત લાઈનોમાં ઊભા રહી જાગીને વિતાવે છે, અને સવારે જે ડીઝલ મળે છે તે બપોર સુધીમાં જ પૂરું થઈ જાય છે. અમે સરકારને રજૂઆત કરવા માંગીએ છીએ કે માંગરોળ તાલુકામાં વહેલી તકે ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવી ખેડૂતોની જરૂરિયાત પૂરી કરવામાં આવે.
Read Original Article →