માણાવદરમાં રોડ કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો:15 દિવસમાં જ નવો રોડ તૂટતાં ભાજપ-કોંગ્રેસના નેતાઓએ નગરપાલિકા પર ભ્રષ્ટાચાર ના કર્યા આક્ષેપો, અધિકારીઓએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કહ્યું પૂર્વ ચેરમેન હાલની બોડીનો વિરોધી છે
માણાવદર શહેરમાં ત્રીકોણિયાથી લઈને દલિત વાસ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ત્રણ વર્ષના ગેરંટી પિરિયડમાં હોવા છતાં આ રોડને ગેરંટી સમય પહેલાં જ તોડીને નવો બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ તમામ બાબતની ખરાઈ કરવા માણાવદર નગરપાલિકાના પૂર્વ ચેરમેન દિનેશ કાલરીયા રોડ પર જઈ તૂટેલા રોડની પરિસ્થિતિ કેમેરામાં કેદ કરી હતી,જે વીડિયોમાં બનેલા રોડની નબળી કામગીરી સાપ નજરે પડે છે. ત્રીકોણિયાથી સહકારી મંડળી અને ત્યાંથી મીતડી દરવાજા સુધી બનેલા રોડને હજી માંડ 15 દિવસ પણ નથી થયા, ત્યાં જ તેમાં મોટી તિરાડો પડી ગઈ છે અને રોડ અત્યારથી જ તૂટવા લાગ્યો છે. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને માણાવદર શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે માણાવદર નગરપાલિકાની સમગ્ર વહીવટી કામગીરી પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક નેતાઓ અને જનતામાં એવો રોષ જોવા મળી રહ્યો છે કે પ્રજાએ પોતાના લોહી-પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સના કરોડો રૂપિયાનું આ નબળા કામને લીધે સીધું પાણી થઈ રહ્યું છે. આ સમગ્ર મામલે માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા એ જણાવ્યું હતું કે માણાવદર શહેરમાં જે ત્રીકોણિયા થી દલિત વાસ સુધીનો જે રોડ બન્યો છે, અને એ રોડ ત્રણ વર્ષના ગેરંટી પિરિયડમાં હતો, પરંતુ ગેરંટી પહેલાં જ એને તોડીને નવો બનાવવા માટેની જે પ્રક્રિયા ચાલુ થઈ, એની અંદર ત્રીકોણિયા થી સહકારી મંડળી અને મંડળીથી મીતડી દરવાજા સુધીનો જે રોડ છે એમાં તિરાડો પડી ગઈ છે. હજી 15 દિવસ નથી થયા એને ઓપનિંગ થયું એને, ચાલુ કર્યો એને તિરાડો પડી ગઈ છે, તૂટી ગયો છે અને આ રોડના ભ્રષ્ટાચાર એટલો બધો કર્યો છે કે એની કોઈ સીમા નથી. આજે જ્યાં મીઠડી પુલથી દલિત વાસ સુધીનો જે બનવાનો છે એની અંદર પણ અમારી ફરિયાદ છે કે રાતે કામ કરે છે. આ રોડનું કામ રાતે લપ ના થવું જોઈએ. સિમેન્ટનું કામ રાતે 1 થી 2 વાગ્યે પાથરે એ કઈ બાજુનો ન્યાય છે? સિમેન્ટનું કામ હંમેશાં અંજવાળામાં, દિવસના અજવાળામાં થવું જોઈએ અને એની રીતે પ્રોપર ગાઈડન્સ આવવું જોઈએ. પણ, આ કોન્ટ્રાક્ટરની અંદર વાત કરીએ તો આ રોડ જે બન્યો છે એ રાતે 1 થી 2 વાગ્યા સુધી બનતો હતો. મેં રાતે ફરિયાદ કરેલી છે, છતાં એ લોકો એમ કહે છે કે તડકો હોય છે, ગરમી હોય છે એટલે કામ દિવસમાં થાતું નથી. તો અમારી નમ્ર વિનંતી છે, ફરિયાદ છે અને અરજી પણ કરીએ છીએ કે આ રોડ હવે પછીનો જે રોડ થાય છે મીતડી પુલથી દલિત વાસ સમાજ સુધીનો, એ બરાબર અને નીતિ નિયમો મુજબનો થાય નહીંતર પછી અમારે ગામ બંધ રાખી વિરોધ કરવો પડશે અને આંદોલન કરી આક્રમક પગલાં લેવા પડશે, એવી ફરજ પડશે. બીજી તરફ, માણાવદર નગરપાલિકાના પૂર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર દિનેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે હાલ માણાવદર નગરપાલિકામાં મારા પત્ની વોર્ડ નંબર 4 માં સભ્ય છે. લોકોની ટેક્સની જે આવક છે જેમાં લોકોને સુવિધા માટે અમે તત્પર છીએ. છતાં પણ નગરપાલિકાના અમુક કોન્ટ્રાક્ટરો, અમુક આગેવાનો દ્વારા ભ્રષ્ટાચાર મોટો થાય છે. સહકારી મંડળી થી મીતડી રોડનો રોડ, હજી આઠ દિવસ નથી થયા ત્યાં જ રોડ તુટવા લાગ્યો છે. આ ટેક્સના પૈસા ક્યાં જાય? લોકોને શા માટે ગુમરાહ કરી ને આવા કામો કરો છો? અમે કોર્ટમાં જાશું પછી કેતા નહિ, કામગીરી વ્યવસ્થિત કરો ને ભ્રષ્ટાચાર બંધ કરો. રાજકીય પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલા આ ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે જાણે કે એન્જિનિયર ને કોઈ ખ્યાલ જ ન હોય તે પોતાનો બચાવ પક્ષ રજૂ કરતા માણાવદર નગરપાલિકાના એન્જિનિયર મહેન્દ્ર ડાંગર સાથે વાત કરતા તેમને જણાવ્યું કે હું રોજ કામ ચાલતું હોય તે રોડની મુલાકાત લઉં છું, કામ નીતિ નિયમો મુજબ જ થાય છે અને જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. આ સમગ્ર મામલે માણાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર બી.પી બોરખતરિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે દિનેશ કાલરીયા પહેલા નગરપાલિકા નો પ્રમુખ હતો અને એ હાલની નગરપાલિકાની જે બોડી છે તેનો વિરોધી માણસ છે, એટલે તે આ પ્રકારના આક્ષેપ કરે છે, પરંતુ આ મામલે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે. ત્યારે હાલ તો આમ, જનતાના ટેક્સના નાણાંના વ્યય અને વહીવટી ક્ષતિઓને લઈને માણાવદરમાં શાસક, વિપક્ષ અને તંત્ર સામસામે આવી ગયા છે. આ સમગ્ર મામલે તંત્ર દ્વારા ક્યા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભ્રષ્ટાચારીઓને બચાવવામાં આવે છે તેના પર સૌની મીટ મંડાય છે.
Read Original Article →