પૂર્વ કેબિનેટ મંત્રીના લીંબુડા ગામમાં અસુવિધાઓની ભરમાર:300 વિઘા ગૌચર પર ભૂમાફિયાઓનો કબજો, નર્મદાની પાઈપલાઈન હોવા છતા પાણીનો અભાવ, કંટાલળેલા ગ્રામજનોએ સમસ્યાઓની પત્રિકા તૈયાર કરી

Gujarat5/20/2026, 1:23:25 PM
પૂર્વ કેબિનેટ મંત્રીના લીંબુડા ગામમાં અસુવિધાઓની ભરમાર:300 વિઘા ગૌચર પર ભૂમાફિયાઓનો કબજો, નર્મદાની પાઈપલાઈન હોવા છતા પાણીનો અભાવ, કંટાલળેલા ગ્રામજનોએ સમસ્યાઓની પત્રિકા તૈયાર કરી
​ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી રતિભાઈ સુરેજાના વતન અને માણાવદર તાલુકાના મુખ્ય એવા લીંબુડા ગામમાં પાયાની સુવિધાઓના અભાવના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરાયા છે,જેમાં ખરાબ રોડ રસ્તા ગટર,પીવાનું પાણી,પેશકદમી,ગૌચરની જમીનમાં ભૂમાફીઆઓનું સામ્રાજય અને ભ્રષ્ટાચારના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વર્ષોથી વિકાસની રાહ જોતું આ ગામ આજે વહીવટી તંત્રની ઉદાસીનતા અને સ્થાનિક રાજકારણને કારણે અસુવિધાઓનું કેન્દ્ર બન્યું છે. ગામની આ દુર્દશાથી કંટાળીને ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર પત્રિકાઓ વાયરલ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે, કારણ કે જૂનાગઢથી લઈને ગાંધીનગર સુધીના ઉચ્ચ અધિકારીઓને અસંખ્ય લેખિત અને મૌખિક રજૂઆતો તેમજ 'સ્વાગત' કાર્યક્રમોમાં પ્રશ્નો ઉઠાવવા છતાં વહીવટી તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો જ મળ્યા છે. નર્મદાની પાઈપલાઈન હોવા છતા પાણી ન મળતું હોવાની ફરિયાદ ​ગામની આ વિકટ સ્થિતિ અંગે લીંબુડા ગામના સરપંચ વિહાભાઈ વિખાભાઈ કોડિયાતરે ભારે આક્રોશ સાથે જણાવ્યું છે કે, ગામમાં પીવાના મીઠા પાણીનો પ્રશ્ન અતિશય ગંભીર છે અને નર્મદા યોજનાની પાઇપલાઇન હોવા છતાં લોકોને પૂરતું પાણી મળતું નથી. આ સાથે જ ગામને જોડતા મુખ્ય રસ્તાઓ, ખાસ કરીને પાજોદ રોડ અને સરાડીયા રોડ લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી ચોમાસા દરમિયાન ત્યાં એટલું પાણી ભરાઈ જાય છે કે કોઈ વ્યક્તિ પસાર પણ થઈ શકતી નથી, જે અંગે વારંવાર પ્રશ્નો ઉઠાવવા છતાં તંત્ર હજુ સુધી કોઈ ઉકેલ લાવી શક્યું નથી. 300 વિઘા ગૌચરની જમીન પર દબાણનો આક્ષેપ ​ગામના માજી સરપંચ પરસોત્તમભાઈ રબારાએ વહીવટી તંત્રની પોલ ખોલતા જણાવ્યું છે કે, ગામનો મુખ્ય પ્રશ્ન ગૌચરની જમીનનો છે, જેમાં આશરે 300 વીઘા જેટલી કિંમતી ગૌચરની જમીન પર ભૂમાફિયાઓ કે અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી લેવામાં આવ્યું છે. આ જમીનને ખાલી કરાવવા માટે ભૂતકાળમાં બે વખત વહીવટી પ્રક્રિયા કરવામાં આવી હોવા છતાં તંત્રની ઘોર નિષ્ક્રિયતાને કારણે જમીન મુક્ત થઈ નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા 6 વર્ષથી લાખોના ખર્ચે બનેલો પાણીનો મોટો ટાંકો માત્ર કનેક્શનના અભાવે ધૂળ ખાઈ રહ્યો છે અને સરકારી ખર્ચે થયેલો આ બિનઉપયોગી ખર્ચ પાણીની સમસ્યા હલ કરવામાં સદંતર નિષ્ફળ નીવડ્યો છે. ​આ ગંભીર કૌભાંડ અંગે લીંબુડા ગામના રહીશ પસાભાઈ કોડીયાતરે સીધો આક્ષેપ કર્યો છે કે, તળાવ અને તેની આસપાસની ગૌચરની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખોદકામ કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને તેઓ બધું જ ખોદીને ખાઈ ગયા છે. આ ગેરકાયદેસર ખોદકામને કારણે માલધારી સમાજ માટે પશુઓને ચરાવવાનો અને પાણી પીવડાવવાનો મોટો પ્રશ્ન ઊભો થયો છે, જેના વિરોધમાં માત્ર માલધારીઓ જ નહીં પરંતુ આખું ગામ એક થઈને ન્યાયની માંગ કરી રહ્યું છે, તેમ છતાં જૂનાગઢથી ગાંધીનગર સુધી કરાયેલી અસંખ્ય અરજીઓ પર તંત્ર ઉદાસીન રહ્યું છે. કનેકશનના અભાવે 10 વર્ષ પહેલા બનેલા 4 અવેડા ખાલીખમ્મ ​ગામના જાગૃત નાગરિક નીરવકુમાર અતુલભાઈ કણસાગરાએ અસુવિધા અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે સરાડીયાથી માણાવદર અને પાજોદથી ભીંદોરા સુધીના રસ્તાઓ છેલ્લા કેટલાય વર્ષોથી અતિશય બિસ્માર હાલતમાં છે અને તેના પર કોઈ સમારકામ થયું નથી. વધુમાં તેમણે આરોપ લગાવ્યો છે કે ગામમાં પશુઓ માટે આશરે 10 વર્ષ પહેલાં બનાવવામાં આવેલા ચાર પાણીના અવેડામાં આજ દિન સુધી કનેક્શન ન અપાતા ત્યાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે, જે આ કામમાં મોટા પાયે થયેલા ભ્રષ્ટાચારનો પુરાવો છે. ગામમાં છેલ્લા 15 થી 20 વર્ષોથી સફાઈનો ભારે અભાવ છે અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લોકો અસ્વચ્છ પાણી પીવા મજબૂર બન્યા છે. ​ગામની આ ભયાનક સ્થિતિ અને તંત્રની લાપરવાહી સામે સ્થાનિક મહિલા રામીબેને પોતાની વેદના ઠાલવતા રડમસ અવાજે જણાવ્યું છે કે, ગામના મોટાભાગના વિસ્તારમાં પાણીની કોઈ સગવડ જ નથી, જેના કારણે મહિલાઓ અને તેમના નાના-નાના બાળકો કૂતરા-બિલાડી આથડતા હોય તેવું અત્યંત ગંદુ અને અસ્વચ્છ પાણી પીવા, રાંધવા અને વાપરવા માટે મજબૂર બન્યા છે. તેમણે વહીવટી તંત્ર સામે સવાલ ઉઠાવતા કહ્યું છે કે જો પ્રશાસન તરફથી ગામમાં દુકાળ જાહેર કરાયો હોય તો તેવું કહો, જેથી અમે ગમે તેવી વ્યવસ્થા કરીએ, પરંતુ આવી લાચારી વચ્ચે મહિલાઓ અને નાના બાળકોના સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડાં હવે અસહ્ય બન્યા છે. 'ચોમાસા દરમિયાન ગામ બેટમાં ફેરવાઈ જાય' ​ચોમાસાની ઋતુમાં ગામની સ્થિતિ વધુ દયનીય બની જતી હોવાનું જણાવતા સ્થાનિકે જણાવ્યું કે ચોમાસા દરમિયાન આખા ગામનું પાણી પાદરમાં એકઠું થાય છે અને ત્યાં એક આખો માણસ ડૂબી શકે તેટલા ગોઠણસમાણા ગંદા પાણી સતત 6 મહિના સુધી ભરાઈ રહે છે. આ પરિસ્થિતિને કારણે બસ સ્ટેન્ડથી ગામમાં જવું મુશ્કેલ બને છે અને સૌથી ગંભીર બાબત એ છે કે કોઈ સગર્ભા મહિલાની ડિલિવરી કે અન્ય દર્દીની તબીબી કટોકટીના સમયે ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું બની જતું હોવાથી હોસ્પિટલ પહોંચાડવું પણ અશક્ય બની જાય છે. સરકાર તો રસ્તા મંજૂર કરે છે પણ સ્થાનિક કક્ષાએ કામ નથી થતું- રમેશ રાઠોડ ​લીંબુડા ગામના રહીશ રમેશભાઈ રાઠોડે જણાવ્યું છે કે, આ સમસ્યાઓ સ્થાનિક કક્ષાની છે અને આમાં સરકારનો કોઈ વાંક નથી, કારણ કે સરકારે રસ્તાઓ મંજૂર કર્યા જ છે પરંતુ ટેકનિકલ ખામીથી વિલંબ થયો હતો. તેમણે સીધો આક્ષેપ કર્યો છે કે છેલ્લા 20 વર્ષથી લીંબુડામાં કોંગ્રેસની પંચાયત શાસનમાં છે, જેણે ગામમાં કોઈ પણ પ્રકારના વિકાસના કામો કર્યા નથી કે થવા દીધા નથી, અને જે-તે વખતના સરપંચે પાણીના પૈસા ન ભર્યા હોવાના કારણે જ આજે ગામ લોકોને પાણીની આ વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ​આ સમગ્ર મામલે માણાવદર તાલુકાના નકશામાં લીંબુડા ગામ જાણે કે આજે દેખાયું હોય તેમ લુલ્લો બચાવ કરતા તાલુકાના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી મનીષ એસ. સોલંકીએ જણાવ્યું કે લીંબુડા ગામના રોડ, રસ્તા, પીવાના પાણી તેમજ સફાઈને લગતી જે પણ સમસ્યાઓ છે તેનું અમે ખૂબ જ ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ લાવીશું. આ ઉપરાંત ગૌચર જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે તેમણે ખાતરી આપી છે કે આ પેશકદમીના પ્રશ્ન માટે ગ્રામ પંચાયતને જાણ કરીને લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ 105 હેઠળ નોટિસ આપીને ગૌચરની તમામ સરકારી જમીન ખુલ્લી કરાવવાની કાયદેસરની કાર્યવાહી ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે.
Read Original Article →