રૂ.1.70 લાખ ચોરનાર ગઠિયા જેતપુરથી ઝડપાયા:કેશોદમાં ધોળા દિવસે લાખોની રોકડની ઉઠાંતરી કરનાર મધ્યપ્રદેશનીના બે ગઠિયા ઝડપાયા,ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રોજ ધોળા દિવસે બનેલી લાખોની રોકડની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. કેશોદના એસપી બી.સી. ઠક્કરે આજે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 1.70 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસની સર્વેલન્સ ટીમે જેતપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના શખ્સને દબોચી લીધો છે. પોલીસે ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર કરી લીધું છે. આ ઘટનાની વિગત એવી છે કે, કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી અને HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા ગત રોજ સવારે કેશોદની એસબીઆઈ બેંકની શાખામાંથી પોતાના ખેતીના કામ માટે 1,70,000 રૂપિયાની રોકડ રકમ ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડીને તેઓ બાઈક પર રવાના થયા હતા, પરંતુ બેંકથી માત્ર 150 મીટર દૂર ચાર ચોક પાસે આવેલી એક સોડાની દુકાને ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. તેઓએ પોતાની મહેનતના પૈસા બાઈકની ડીકીમાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ ગઠિયાઓ તેમની હરકત પર નજર રાખીને બેઠા હતા. જ્યારે બલભદ્રસિંહજી સોડા પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી બાઈક પર આવેલા બે શખ્સો અને તેમની સાથેના એક સગીર બાળકે અત્યંત સફાઈપૂર્વક બાઈકની ડીકી ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આ ટોળકીએ ડીકીમાં રાખેલા 1.70 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી અને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ રફુચક્કર થઈ ગયા હતા. યુવકને જ્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારે તેણે તુરંત કેશોદ પોલીસને જાણ કરી હતી. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ અગાઉથી જ બેંકની બહાર 'રેકી' કરે છે અને જે વ્યક્તિ મોટી રકમ લઈને નીકળે તેનો પીછો કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેશોદ પોલીસના પીઆઈ અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરી કરીને જેતપુર તરફ ભાગ્યા છે. જેતપુર પોલીસની મદદથી નાકાબંધી દરમિયાન પોલીસે હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ (રહે. કડિયા સાસી, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અમદાવાદ રૂરલ અને અન્ય વિસ્તારોમાં આ પ્રકારની બેંક ઉઠાંતરીના ગુનાઓમાં પોલીસ પકડે ચડી ચૂક્યા છે. પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ કબજે કરી છે અને આ ગુનામાં સામેલ અન્ય શખ્સો તેમજ સગીર બાળકની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. કેશોદ પોલીસે અત્યંત ટૂંકા સમયમાં આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખતા વેપારીઓ અને રહીશોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બેંકમાંથી મોટી રકમ ઉપાડીને જતા નાગરિકોએ સાવધ રહેવું જોઈએ અને પોતાની કિંમતી વસ્તુઓ કે નાણાં વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું જોઈએ. હાલ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →