કેશોદ પંથકમાં સિંચાઈના પાણીનું સંકટ::સાબલી ડેમ અને કેનાલોની દુર્દશા મુદ્દે ખેડૂતોનો રોષ, કરોડોના ખર્ચે બનેલી કેનાલોમાં ઝાંખરાનું સામ્રાજ્ય; સિંચાઈ વિભાગના અધિકારઢ કહ્યું ખેડૂતોએ માગણી કરી નથી.
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સિંચાઈના પાણીની ગંભીર સમસ્યાને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાબલી જળસંચય યોજના અંતર્ગત આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ડેમ અને કેનાલ નેટવર્ક તો તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિક જરૂરિયાતના સમયે ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું નથી. મધરવાડા અને તેની આસપાસના ગામોમાં પરિસ્થિતિ એવી છે કે ખેડૂતોને પાક બચાવવા માટે વલખાં મારવા પડી રહ્યા છે, જ્યારે બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી સરકારી મિલકતો જાળવણીના અભાવે જર્જરિત થઈ રહી છે. ખેડૂત આગેવાનોના મઘરવાડા ગામના સંજયભાઈ હેરભા એ જણાવ્યું હતું કે સાબલી ડેમ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં સ્થાનિક ખેડૂતોને તેનો કોઈ નક્કર લાભ મળ્યો નથી. ખેડૂતોનું કહેવું છે કે જ્યારે કુવાઓમાં પાણી હોય છે ત્યારે ડેમ પણ છલકાયેલો હોય છે, પરંતુ જ્યારે ઉનાળાની શરૂઆતમાં કુવાઓ તળિયાઝાટક થઈ જાય છે ત્યારે ડેમમાં પણ પાણી હોતું નથી. આ વિસંગતતાને કારણે ખેડૂતો ઉનાળુ પાક લઈ શકતા નથી. વધુમાં, વીજળીની અછત અને ટૂંકા સમયગાળાને કારણે કુવામાંથી પાણી ખેંચવું પણ મુશ્કેલ બન્યું છે, જેના લીધે ખેતી પર નભતા પરિવારો અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે. સ્થાનિક ખેડૂત ભીમભાઇ જલુએ કેનાલની હાલત અંગે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે ખોરાસા નજીક સાબલી ડેમથી નીકળતી કેનાલોમાં હાલ પાણીને બદલે ઘાસ અને ઝાડી-ઝાંખરાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. કેનાલોની સફાઈ લાંબા સમયથી કરવામાં આવી નથી, જેને કારણે કેનાલ તૂટી ગઈ છે અને જો પાણી છોડવામાં આવે તો પણ તે છેવાડાના ખેડૂતો સુધી પહોંચી શકે તેમ નથી. ખેડૂતોની માંગ છે કે 'સૌની યોજના' હેઠળ આ ડેમને જોડવામાં આવે તો જ આ વિસ્તારની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે. ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી છે કે ઉનાળામાં પૂરતું પાણી આપવામાં આવે જેથી તેમનો પાક નિષ્ફળ ન જાય. આ ગંભીર આક્ષેપો સામે જૂનાગઢ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર વિવેક ગઢવીએ વિભાગનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સાબલી જળસંચય યોજના વર્ષ 2010માં મુખ્યત્વે જળ સંચય અને રિચાર્જ માટે બનાવવામાં આવી હતી. આ યોજના હેઠળ 8 કિલોમીટરનું કેનાલ નેટવર્ક છે જે મધરવાડા અને અગતરાઈ જેવા ગામોને આવરી લે છે. વિભાગના રેકોર્ડ મુજબ, વર્ષ 2022-23 અને 2023-24માં ખેડૂતોને નિયમ મુજબ પાણ આપવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા બે વર્ષમાં એટલે કે 2024 થી 2026 દરમિયાન સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હોવાથી ખેડૂતો તરફથી સિંચાઈના પાણી માટે કોઈ સત્તાવાર રજૂઆત કે માંગણી આવી ન હતી, જેને કારણે પાણી છોડવામાં આવ્યું નથી. કેનાલોની સફાઈ અંગે સ્પષ્ટતા કરતા ઇજનેરે જણાવ્યું કે નિયમ મુજબ જ્યારે ખેડૂતો પાણીની માંગણી કરે તે પહેલા સફાઈ કામગીરી કરવામાં આવતી હોય છે. છેલ્લા બે વર્ષથી પાણીની માંગણી ન હોવા છતાં, આગામી ચોમાસા પહેલા કેનાલમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી સિંચાઈ વિભાગ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી છે. તંત્ર દ્વારા ખેડૂતોની જરૂરિયાત મુજબ આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ પાણીનો જથ્થો અને ડેમની ક્ષમતા પણ એક મહત્વનું પાસું છે. ડેમની ટેકનિકલ વિગતો આપતા અધિકારીએ ઉમેર્યું કે, સાબલી ડેમની કુલ સંગ્રહ ક્ષમતા 7.20 મિલિયન ઘન મીટર છે. માર્ચ અને એપ્રિલ મહિનામાં બાષ્પીભવન અને અન્ય કારણોસર ડેમની સપાટી ઝડપથી ઘટે છે. જો શિયાળાની સીઝનમાં ખેડૂતોને વધુ પાણ આપવામાં આવે, તો ઉનાળા માટે પાણી બચતું નથી. ઉનાળામાં ડેમનું સ્તર કેનાલના લેવલ (OSL) સુધી પહોંચી જતું હોવાથી છેવાડાના વિસ્તારો સુધી પાણી પહોંચાડવું તકનીકી રીતે અશક્ય બને છે. આ જ કારણોસર કેશોદ નગરપાલિકા દ્વારા પીવાના પાણી માટે કરવામાં આવેલી 7 MLD પાણીની માંગણી પણ સ્વીકારી શકાય તેમ નહોતી, જે અંગે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.
Read Original Article →