પ્રતિક્ષાબેન દેવળિયા બન્યા કેશોદ પાલિકાના પ્રમુખ:ચંદ્રિકાબેન ભોપાળા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા, કેશોદ પાલિકામાં ભાજપનું શાસન

Gujarat5/19/2026, 12:35:26 PM
પ્રતિક્ષાબેન દેવળિયા બન્યા કેશોદ પાલિકાના પ્રમુખ:ચંદ્રિકાબેન ભોપાળા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા, કેશોદ પાલિકામાં ભાજપનું શાસન
તાજેતરમાં જ યોજાયેલી કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી એ ભવ્ય જીત હાસિલ કરીને સત્તાના સૂત્રો સંભાળ્યા છે. કેશોદ નગરપાલિકાની 36 બેઠકમાંથી ભાજપે પ્રચંડ બહુમતી સાથે 33 બેઠક પર વિજય મેળવ્યો હતો. જ્યારે વિપક્ષ કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠક જ આવી હતી. આ શાનદાર જીત મેળવ્યા બાદ, આજે નગરપાલિકાના નવા શાસકોના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે એક ખાસ સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રતિક્ષાબેન દેવળિયા અઢી વર્ષની મુદ્દત માટે પ્રમુખ ​પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળી બેઠક સ્થાનિક પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પાલિકાના ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા. બેઠકમાં પ્રથમ અઢી વર્ષની મુદત માટે સત્તાવાર હોદ્દેદારોના નામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેમાં પક્ષના આદેશ અને સર્વાનુમતે પ્રમુખ પદ માટે પ્રતિક્ષાબેન દેવળિયા અને ઉપપ્રમુખ પદ માટે ચંદ્રિકાબેન ભોપાળાના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કોઈ અન્ય દાવેદારી ન થતાં આ બંને મહિલા હોદ્દેદારો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાહેર કરાયું હતું. કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો ​નગરપાલિકામાં પ્રમુખ તરીકે પ્રતિક્ષાબેન દેવળિયા અને ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન ભોપાળાના નામો જાહેર થતાં જ પાલિકા સંકુલ અને બહાર ઉપસ્થિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ કચેરી એ એકબીજાના મોં મીઠા કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો અને નવા શાસકોને પાલિકાના વિકાસ કાર્યો માટે શુભેચ્છા પાઠવી હતી.
Read Original Article →