કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાતા આચારસંહિતા ભંગની ફરિયાદ:ભાજપના ઉમેદવારો અને કર્મચારી સામે ડરાવી-ધમકાવી ફોર્મ ખેંચાવ્યાના આક્ષેપ, ચીફ ઓફિસર અને ચૂંટણી પંચમાં ફરિયાદ
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે પરંતુ, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો તેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા આ મામલે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ગંભીર ફરિયાદ સોંપવામાં આવી છે. આ ફરિયાદમાં ભાજપના ઉમેદવારો અને પાલિકાના જ એક સરકારી કર્મચારી સામે સત્તાનો દુરુપયોગ કરી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ
સમગ્ર વિવાદની વિગતવાર વાત કરવામાં આવે તો કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન અનિલભાઈ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ પોલાભાઈ જોરાએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, કોંગ્રેસના આગેવાનોએ આ બાબતને સ્વેચ્છિક ગણાવવાને બદલે એક પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ બંને ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે લોકશાહીના પર્વમાં મતદારોને વિકલ્પ આપવાને બદલે સત્તાધારી પક્ષના ઉમેદવારોએ ડરાવી-ધમકાવી તેમજ આર્થિક લાલચો આપીને આ ફોર્મ પરત ખેંચાવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે
આ આક્ષેપોમાં ખાસ કરીને વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા તેમજ વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મહેશભાઈ નારણભાઈ પરમારને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આ તમામ વ્યક્તિઓએ ભેગા મળીને કોંગ્રેસના ઉમેદવારોના પરિવારજનો પર દબાણ કર્યું હતું અને ચૂંટણી લડતા અટકાવ્યા છે. આ પ્રકારનું કૃત્ય મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે. આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છે
આ ઘટનામાં સૌથી મોટો વિવાદ નગરપાલિકાના એક કર્મચારીની ભૂમિકાને લઈને સર્જાયો છે. ફરિયાદ મુજબ કેશોદ નગરપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી રાજેન્દ્રભાઈ આંત્રોલિયા જે સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે, તેઓ ખુલ્લેઆમ ભાજપના એજન્ટ તરીકે સક્રિય હોવાનો આરોપ મુકાયો છે. એવો આક્ષેપ છે કે, આ કર્મચારીએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ફોસલાવીને અને ધાક-ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા હતા. સરકારી તંત્રનો કોઈ કર્મચારી રાજકીય પક્ષના સાથીદાર તરીકે કામ કરે તે આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છે. ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે
કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા ચીફ ઓફિસર સિવાય મુખ્ય ચૂંટણી પંચ, જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિતમાં પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણી એ છે કે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ ઉમેદવારો કે વ્યક્તિઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું છે તેમની સામે આકરી પોલીસ કાર્યવાહી કરવામાં આવે. વધુમાં, નગરપાલિકાના વિવાદિત કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવાની અને જે ભાજપના ઉમેદવારો આ ગેરરીતિમાં સામેલ છે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો
આચારસંહિતા ભંગની આ ગંભીર ફરિયાદના પગલે કેશોદમાં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે ન્યાયી પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જનતાની અદાલતમાં જશે અને ચૂંટણી બાદ પણ આ લડતને કાયદાકીય રીતે ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપો પર કેવી કાર્યવાહી કરે છે.
Read Original Article →