કેશોદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં ઈકો ડ્રાઇવરની ધરપકડ:'હું દવા પી જઈશ' કહી સગીરાને બ્લેકમેઇલ કરતો, આરોપી સામે અગાઉ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે
જૂનાગઢના કેશોદ શહેરમાં એક સગીરા પર લાંબા સમયથી માનસિક ત્રાસ ગુજારી, તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ આ અંગે કેશોદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો, જેના આધારે પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે. 'હું દવા પી જઈશ' તેવી ધમકી આપી બ્લેકમેઈલ કરતો
પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, કેશોદમાં સંયુક્ત પરિવાર સાથે રહેતી સગીરાને રણજીત લક્ષ્મણભાઈ પરમાર નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી માનસિક અને શારીરિક રીતે અસહ્ય ટોર્ચર કરતો હતો. આ નરાધમ અવારનવાર તેમના ઘરે આવી પહોંચતો અને સગીરા પર અયોગ્ય દબાણ લાવતો હતો. જો સગીરા તેનું કહ્યું ન માને તો, "હું દવા પી જઈશ" તેવી ધમકીઓ આપીને તેને ઈમોશનલ બ્લેકમેઇલ કરતો હતો. આ સતત મળતા ત્રાસથી કંટાળીને આખરે પરિવારે હિંમત ભેગી કરી પોલીસનો આશરો લીધો હતો. આરોપીએ સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા
કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, સત્તાવાર ફરિયાદ મળતા જ પોલીસે ઘટનાની ગંભીરતા સમજી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી રણજીત પરમારે સગીરાની મરજી વિરુદ્ધ તેના જ ઘરે જઈને શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં ઈકો કાર ડ્રાઇવિંગનું કામ કરતો આરોપી રણજીત ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ તેની વિરુદ્ધ પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાયદાકીય તપાસ તેજ કરી છે. બીજી તરફ, કેશોદ પોલીસના ત્વરિત અને સકારાત્મક સહકાર બદલ પીડિત પરિવારે પોલીસ તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે.
Read Original Article →