કચેરી-અધિકારીઓ બાદ હવે ‘બીડી’ પણ નકલી:કેશોદ પાસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે કોડીનારનો શખ્સ ઝડપાયો, નકલીના ખેલમાં હવે વ્યસનીઓ પણ ફસાયા
ગુજરાતમાં નકલી ઘી, તેલ, મસાલા અને નકલી સરકારી કચેરીઓ બાદ હવે નકલી બીડીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. જૂનાગઢના કેશોદ પાસે પોલીસે ₹3.12 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે ઠગબાજો હવે કોઈ પણ ક્ષેત્ર છોડવા તૈયાર નથી. કેવી રીતે ઝડપાયું કૌભાંડ?
આ સમગ્ર કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે 'સાબળે વાધીરે એન્ડ કંપની' (પુના, મહારાષ્ટ્ર)ના જાગૃત કર્મચારીઓએ શંકાસ્પદ હલચલ નોંધી હતી. એક સફેદ ઇકો કારમાં નામાંકિત કંપનીઓના નામે નકલી બીડીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હોવાની બાતમી મળતા, કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્રભાઈ જેઠવાએ પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી. વેરાવળ રોડ પર તોરલ હોટેલ પાસે કારને આંતરીને તપાસ કરતા તેમાંથી નકલી બીડીના કાર્ટન મળી આવ્યા હતા. મુદ્દામાલ સાથે એકની ધરપકડ
પોલીસે આ કાર્યવાહી દરમિયાન રાજકમલ બીડીના 107 પેકેટ (કિં. ₹48,150), સાબળે બીડીના 136 પેકેટ (કિં. ₹63,648), ઇકો કાર અને મોબાઈલ સહિત કુલ ₹3,12,298નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે કોડીનારના એક્તા ચોક વિસ્તારમાં રહેતા કિરણ લક્ષ્મણભાઈ સોલંકીની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ નકલી માલ અમરેલીના ઈરફાન પઠાણ પાસેથી મેળવવામાં આવ્યો હતો. મોડસ ઓપરેન્ડી: સસ્તી અને હલકી ગુણવત્તા
કંપનીના લોગોવાળા બનાવટી રેપર છાપી તેમાં હલકી ગુણવત્તાની બીડી ભરીને અસલી તરીકે બજારમાં પધરાવવામાં આવતી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભોળા વેપારીઓને વધુ નફાની લાલચ આપી આ નકલી જથ્થો વેચવામાં આવતો હતો. પેકેટના પ્રિન્ટિંગ અને કાગળની ગુણવત્તામાં તફાવત હોવા છતાં સામાન્ય માણસ તેને સહેલાઈથી ઓળખી શકે તેમ નહોતું. આરોગ્ય સામે જોખમ
નકલી બીડીમાં વપરાતા નબળા તમાકુ કે અન્ય હાનિકારક પદાર્થો ગંભીર બીમારીઓને નોતરી શકે છે. પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે કે આ નકલી રેપર ક્યાં છાપવામાં આવતા હતા અને આમાં બીજા કેટલા શખ્સો સંડોવાયેલા છે. ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે, બજાર ભાવ કરતા વધુ સસ્તી મળતી વસ્તુઓ લેતી વખતે સાવચેતી રાખવી.
Read Original Article →