આખા ગામના મહિલા સરપંચ ભ્રષ્ટાચાર મામલે પદભ્રષ્ટ કરાયા.:મહિલા સરપંચે સગા વહાલાઓને આર્થિક લાભ અપાવ્યાનું તપાસમાં ખુલ્યું ,ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અરજદાર રાજાભાઈ સોલંકીના જીવ પર જોખમ,સરપંચના પતિ સામે કડક પોલીસ પગલાંની માંગ.
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામમાંથી સત્તાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. આખા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હનીફાબેન સુલેમાનભાઈ દલ દ્વારા પંચાયતના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને પોતાના જ સગા પુત્ર અને ભત્રીજાને આર્થિક લાભ પહોંચાડવામાં આવ્યો હોવાનું તપાસમાં સાબિત થયું છે.આ ભ્રષ્ટાચાર મામલે અગાઉ દિવ્ય ભાસ્કરે અહેવાલ રજૂ કર્યો હતો.આ ગંભીર નાણાકીય ગેરરીતિ અને સગાવાદના મામલાને ધ્યાને લઈને વંથલી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક અસરથી મહિલા સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવાનો આખરી આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ મોટા નિર્ણયને પગલે સમગ્ર પંથકના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર મામલે આખા ગામના જાગૃત નાગરિક, પંચાયતના તત્કાલીન સભ્ય અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ રાજાભાઈ રાણાભાઈ સોલંકી છેલ્લા એક વર્ષથી પુરાવાઓ સાથે લડત ચલાવી રહ્યા હતા. તેમણે તંત્ર સમક્ષ લેખિતમાં આક્ષેપો કર્યા હતા કે પૂર્વ સરપંચ હનીફાબેન દલ દ્વારા ગામના વિકાસ કાર્યોમાં લાખો રૂપિયાની નાણાકીય ઉચાપત કરવામાં આવી છે. ગામમાં થયેલા સ્મશાનની છાપરી, આંગણવાડીની સંરક્ષણ દીવાલ, પેવર બ્લોક અને પીવાના પાણીની પાઇપલાઇન જેવા લોકઉપયોગી કામોમાં કોઈપણ પ્રકારની કાયદેસરની પ્રક્રિયા કર્યા વિના સરકારી નાણાં બારોબાર સગેવગે કરવામાં આવ્યા હતા. તેમણે પોતાના પુત્ર રફીક અને અન્ય કૌટુંબિક સગા અનીશના નામે ખોટા કાચા બિલો બનાવીને અંદાજે ચૌદ લાખ રૂપિયાથી વધુની રકમ પોતાના અંગત પરિવારના બેંક ખાતાઓમાં પધરાવી દીધી હતી. વંથલીના તાલુકા વિકાસ અધિકારી એચ. એન. ઓડેદરાએ સમગ્ર કેસની કમાન્ડ સંભાળી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન વિસ્તરણ અધિકારીના અહેવાલો અને પંચાયતના જૂના બિલ-વાઉચરોની ઝીણવટભરી ચકાસણી કરતા ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો સાચા સાબિત થયા હતા. સરકારી ચોપડે નોંધાયેલા પુરાવા અનુસાર સરપંચે પોતાના પુત્ર રફીકભાઈ દલના નામે રૂ.8,18,153 /- અને ભત્રીજા અનીશ કાસમ દલના નામે 6,59,687/- રૂપિયાની મોટી ચૂકવણીઓ કરી દીધી હતી. પંચાયતમાં માલસામાનની ખરીદીના નામે બનાવાયેલા તમામ કાચા બિલો માત્ર આ એક જ પરિવારના સભ્યોના નામે હોવાથી સત્તાનો ખુલ્લો દુરુપયોગ સ્પષ્ટપણે છતો થયો હતો. બીજી તરફ પદભ્રષ્ટ કરાયેલા સરપંચ હનીફાબેન દ્વારા પોતાના બચાવમાં એવી દલીલો રજૂ કરવામાં આવી હતી કે તેમનો પુત્ર વર્ષોથી પરિવારથી અલગ રહે છે અને પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચલાવે છે, તેમજ ભત્રીજો પણ જુદો રહેતો હોવાથી માત્ર પારિવારિક સંબંધોના કારણે તેમને આ ગુનામાં દોષિત ગણી શકાય નહીં. જોકે કાયદાકીય વહીવટી જોગવાઈઓ અનુસાર પંચાયતના શાસન પર બેઠેલી વ્યક્તિ પોતાના ઘર કે કુટુંબના સભ્યો સાથે આવા સીધા આર્થિક વહીવટો કરી શકે નહીં. વંથલી તાલુકા વિકાસ અધિકારી એચ. એન. ઓડેદરાએ આ મામલે કાયદાકીય પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમની કલમ હેઠળ આ પ્રકારના નાણાકીય વ્યવહારો ગેરકાયદેસર ઠરે છે. આથી સરપંચની બચાવ પક્ષની તમામ વાહિયાત દલીલોને ફગાવી દઈને તેમને તાત્કાલિક અસરથી પદભ્રષ્ટ કરવાનો આખરી નિર્ણય લેવાયો છે. ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર આખા ગામના જ અરજદાર રાજાભાઈ સોલંકીએ પોતાની જાન પર મોટું જોખમ હોવાની ગંભીર ભીતિ વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે પૂર્વ સરપંચ અને તેમનો પરિવાર અત્યંત માથાભારે હોવાથી ગામમાં ડરનો માહોલ છે. સરપંચનો પતિ પોતાની સાથે એક મોટી હથિયારધારી ગેંગ લઈને ફરે છે, જે સતત ધાકધમકીઓ આપી રહી છે. રાજાભાઈએ પોતાનો બે વર્ષ જૂનો વીડિયો પણ પુરાવા તરીકે રાખ્યો છે, જ્યારે અગાઉ તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ થયો હતો. પૂર્વ સરપંચના ડરના કારણે તેઓ અત્યારે રાત્રિના સમયે ઘરની બહાર પણ નીકળી શકતા નથી. તેમણે સરકાર સમક્ષ એવી ખુલ્લી જાહેરાત કરી છે કે જો ભવિષ્યમાં તેમના પર કે તેમના પરિવાર પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેની સંપૂર્ણ અને આખરી જવાબદારી આ પૂર્વ સરપંચ અને તેમના કુટુંબની રહેશે. રાજાભાઈ સોલંકીએ સરપંચના પતિ દ્વારા ચલાવવામાં આવતા સમાંતર વહીવટ અંગે વધુ એક ઘટસ્ફોટ કર્યો હતો કે ગામની સસ્તા અનાજની દુકાન ચલાવતા વ્યક્તિ પાસે પણ પંચાયતના નામે બે ઘઉંના કટ્ટા મફતમાં માંગવામાં આવ્યા હતા અને જો તેઓ ઘઉં ન આપે તો સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી અપાઈ હતી. આ મામલે મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, અને જ્યારે સરકારી અધિકારીઓ તપાસ માટે ગામમાં આવ્યા ત્યારે સરપંચ પોતે હાજર રહેવાને બદલે તેમનો પતિ જ અધિકારીઓની સામે ઊભો રહીને પંચાયતનો આખો વહીવટ ચલાવી રહ્યો હતો. રાજાભાઈ સોલંકીએ સરકારી નાણાંની ચોરી પકડવા બદલ વહીવટી તંત્ર અને સરકારનો આભાર માન્યો છે, પરંતુ સાથે જ એવી મક્કમ માંગણી કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં સામેલ તમામ દોષિતો સામે માત્ર હોદ્દા પરથી દૂર કરવા સિવાય કડક પોલીસ કાર્યવાહી કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે જેથી તેમના જીવનું રક્ષણ થઈ શકે.
Read Original Article →