મિત્રની પૈસાની લેતી-દેતીમાં વચ્ચે પડતા યુવક પર હુમલો:અપહરણ કરીને નગ્ન વિડીયો બનાવ્યાનો આક્ષેપ, વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

Gujarat5/23/2026, 5:15:47 PM
મિત્રની પૈસાની લેતી-દેતીમાં વચ્ચે પડતા યુવક પર હુમલો:અપહરણ કરીને નગ્ન વિડીયો બનાવ્યાનો આક્ષેપ, વંથલી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
જુનાગઢના વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાડલા ફાટક નજીક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. એક હોટલ સામે નાસ્તો કરવા અને માવો લેવા ગયેલા બે મિત્રો પર અસામાજિક તત્વોએ એકસંપ થઈને હુમલો કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સમગ્ર લોહિયાળ મામલો મિત્રની જૂની પૈસાની લેતી-દેતીનો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં પોતાના મિત્રને બચાવવા માટે વચ્ચે પડેલા અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ મારામારીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મિત્રની રૂપિયાની લેતી-દેતીમાં યુવકને માર માર્યો ​વંથલી પોલીસ સ્ટેશનમાં અક્ષર જોગે ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના મિત્ર સાથે હોટલ પર ગયો હતો, જ્યાં નામચીન આરોપીઓ અગાઉથી જ પોતાના માણસો સાથે હાજર હતા. ત્યાં મુખ્ય આરોપીએ ફરિયાદીના મિત્ર પાસે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી અને તરત જ રૂપિયા ચૂકવી દેવા માટે દબાણ કર્યું હતું. ફરિયાદીના મિત્રએ પોતાની પાસે સગવડ ન હોવાનું જણાવતા જ ઉશ્કેરાયેલા આરોપીઓ અને તેની સાથેના માણસોએ તેને બેરહેમીથી ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું. પોતાના મિત્રને લોહીલુહાણ થતો જોઈ ફરિયાદી યુવક તેને બચાવવા વચ્ચે પડ્યો હતો અને આરોપીઓને વિનંતી કરી હતી કે તેને અત્યારે મારશો નહીં અને પૈસા ચૂકવવા માટે થોડો સમય આપો. જાનથી મારી નાખવાની ધમકી આપી ​ફરિયાદી વચ્ચે પડતા જ તમામ અસામાજિક તત્વો વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને તેના મિત્રને છોડીને આખી ટોળકી ફરિયાદી પર તૂટી પડી હતી. આ ભયાનક હુમલાથી ગભરાઈને તેનો મિત્ર પોતાનો જીવ બચાવીને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ અસામાજિક તત્વોએ ફરિયાદીને ઘેરી લીધો હતો અને તેની આંખના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આરોપીઓએ તેને જાહેરમાં જ છરી બતાવી પગ ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. કપડા ઉતારી માર માર્યાંનો ભોગ બનનાર યુવકનો આક્ષેપ ​ભોગ બનનારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, અપહરણકારો તેને ગાડીમાં બંધક બનાવીને જુદી જુદી જગ્યાએ લઈ ગયા હતા અને ચાલુ ગાડીએ તેને બેરહેમીથી માર મારતા રહ્યા હતા. ત્યારબાદ આ શખ્સો તેને એક અવાવરુ ગ્રાઉન્ડમાં લઈ ગયા હતા, જ્યાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા. ત્યાં અજાણ્યા આરોપીઓએ તેના કપડાં બળજબરીથી ઉતારી તેને સંપૂર્ણ નગ્ન કરી દીધો હતો અને અન્ય એક આરોપીએ તેનો વિડીયો ઉતાર્યો હતો. આરોપીઓએ એવી ધમકી આપી હતી કે જો આ બાબતે પોલીસમાં ફરિયાદ કરીશ તો આ નગ્ન વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સમાજમાં બદનામ કરી દેવામાં આવશે. વંથલી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો ​આખી રાત માનસિક અને શારીરિક ત્રાસ આપ્યા બાદ વહેલી સવારે આરોપીઓ ફરિયાદીને તેના ઘર પાસે છોડીને ભાગી ગયા હતા. ઘર પાસે મુકતી વખતે આરોપીઓએ તેનો મોબાઈલ અને ગાડીની ચાવી પરત આપી દીધા હતા પરંતુ રોકડા રૂપિયા રાખ્યા ન હતા. આરોપીઓએ જતી વખતે પણ ધમકી આપી હતી કે જો ફરિયાદ કરીશ તો જેલમાંથી બહાર આવીને તેને અને તેના આખા પરિવારને ખતમ કરી નાખશે. ફરિયાદીના જણાવ્યા અનુસાર માર મારનારી આખી ટોળકીમાં મુખ્ય આરોપીઓ ઉપરાંત અન્ય અજાણ્યા ઈસમો સામેલ હતા. હાલ તેનો મિત્ર પણ આરોપીઓની ધમકીઓથી ડરીને પોતાનો ફોન બંધ કરી ઘર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે. વંથલી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →