વંથલીમાં સરેઆમ સરકારી મિલકતનો નાશ:ઉબેણ નદી પરના બે મજબૂત ચેકડેમ રાતોરાત તોડી પડાતા ખેડૂતોમાં ભારે આક્રોશ, કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી

Gujarat6/6/2026, 12:43:22 PM
વંથલીમાં સરેઆમ સરકારી મિલકતનો નાશ:ઉબેણ નદી પરના બે મજબૂત ચેકડેમ રાતોરાત તોડી પડાતા ખેડૂતોમાં ભારે આક્રોશ, કોંગ્રેસની ઉગ્ર આંદોલનની ચીમકી
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકામાં એક અત્યંત આઘાતજનક અને ખેડૂત વિરોધી ઘટના પ્રકાશમાં આવી છે. વંથલી-માણાવદર રોડ પર ઉબેણ નદીના પુલથી પશ્ચિમ તરફ આવેલા, લાખો રૂપિયાના સરકારી ખર્ચે બનેલા બે મોટા અને મજબૂત ચેકડેમોને કોઈ અજાણ્યા તત્વો દ્વારા રાતોરાત તોડી પાડીને સંપૂર્ણપણે નાશ કરી દેવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જગતના તાતમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ગંભીર બાબતની જાણ થતાં જ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાત્કાલિક અસરથી એક વિસ્તૃત પત્ર લખીને ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસે વહીવટી તંત્રને ચેતવણી આપી છે કે જો આગામી ૧૦ દિવસમાં જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો તેઓ ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ રીટ પીટીશન દાખલ કરશે. રોડ કોન્ટ્રાક્ટરો અને મળતિયાઓના આર્થિક નફા માટે કૃત્ય કર્યાનો આક્ષેપ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે વંથલીના અસરગ્રસ્ત સ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિક ખેડૂતો અને સામાજિક આગેવાનો સાથેની મુલાકાત બાદ એ સ્પષ્ટ થયું છે કે કોન્ટ્રાક્ટરો અને શાસક પક્ષના કહેવાતા મળતિયાઓ દ્વારા વંથલી-માણાવદર રોડ પર ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના કામને સસ્તું, સરળ અને વધુ ફાયદાવાળું બનાવવા માટે આ આખું ગેરકાયદેસર કૃત્ય રચવામાં આવ્યું છે. રોડના નિર્માણ દરમિયાન ઉપરથી આવતા પાણીનો નિકાલ સરળતાથી થાય અને ત્યાં પાણી ભરાઈ ન રહે તેવા અંગત સ્વાર્થથી ખેડૂતોના જીવ સમાન ચેકડેમનો નાશ કરાયો છે, જે અત્યંત નિંદનીય છે. આ ચેકડેમ કોની મંજૂરીથી તોડવામાં આવ્યો અને કલેક્ટર કે સરકારે આનો કોઈ આદેશ આપ્યો હતો કે નહીં તેની સ્પષ્ટતા સરકારે કરવી પડશે. “ખનીજ ચોરો અને માફિયાઓને સાચવવા 2 હજાર ખેડૂતોને રડાવ્યા” બીજી તરફ, ખેડૂત નેતા અને કોંગ્રેસ આગેવાન કરસન બાપુ ભાદરકાએ તીખા શબ્દોમાં પ્રહારો કરતા કહ્યું કે, ગઈકાલે રાતોરાત જેમ કોઈ ચોર અંધકારમાં ચોરી કરે, તે જ રીતે આ ચેકડેમોને તોડી પાડવામાં આવ્યા છે. સરકારે પોતાના માફિયાઓ અને મળતિયાઓને સાચવવા માટે વંથલી તાલુકાના બબ્બે હજાર ખેડૂતોને રડવાનો વારો લાવ્યો છે. ચોમાસાની વાવણીને હજી એકાદ મહિનાની વાર છે અને ખેડૂતોને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, ત્યારે જ પાણીના સ્ત્રોત પર સીધો પ્રહાર કરાયો છે. ખનીજ ચોરોને સરળતાથી રેતી મળી રહે અને મોટી કંપનીઓનો સ્વાર્થ સિદ્ધ થાય તે માટે તંત્રની રહેમરાહે આ કામ થયું છે. જો વહીવટી તંત્ર દ્વારા આ ચેકડેમ તોડવાનો કોઈ સત્તાવાર હુકમ કરાયો હોય, તો તેની નોટિસ અને લીગલ પ્રોસેસના કાગળો સરકારે જાહેર કરવા જોઈએ. 1983થી જે ચેકડેમ આશીર્વાદ સમાન હતા, તે નામશેષ કરાયા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવેલા પત્રમાં વંથલી તાલુકાની ભૌગોલિક સ્થિતિનો ઉલ્લેખ કરીને આ ચેકડેમનું મહત્વ સમજાવવામાં આવ્યું છે: ઐતિહાસિક પૃષ્ઠભૂમિ: વર્ષ 1983થી વંથલી પંથકમાં સિંચાઈના પાણીની ભયંકર મુશ્કેલીઓ ઉભી થતી હતી, જેના કારણે છેલ્લી ઘડીએ પાણી ખૂટી જતાં હજારો ખેડૂતો દેવાના ડુંગરા નીચે દબાઈ જતા હતા. ચેકડેમનું નિર્માણ: આ સમસ્યાના કાયમી ઉકેલ માટે તત્કાલીન સરકારે જનતાના ટેક્સના પૈસાથી ઉબેણ નદીમાં બબ્બે કિલોમીટરના અંતરે આ બે મોટા ચેકડેમોનું નિર્માણ કરાવ્યું હતું. અસરગ્રસ્ત ગામો: આ ચેકડેમોના કારણે નદીમાં બારેમાસ પાણીનો સંગ્રહ રહેતો હતો, જેના લીધે વંથલી, બાલોટ અને સાંતલપુર સહિતના આજુબાજુના સેંકડો ગામોના ખેડૂતો સમૃદ્ધ પાક મેળવતા હતા. હવે આ ચેકડેમો તૂટતાં સિંચાઈની સાથે પીવાના પાણીની પણ મોટી કટોકટી સર્જાશે. જવાબદાર અધિકારીઓના ખિસ્સામાંથી ખર્ચ વસૂલવાની માંગ કોંગ્રેસે સરકાર સમક્ષ કડક માંગણી કરી છે કે, આ ઘટના બન્યાને આશરે 15થી 20 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં જો સ્થાનિક સિંચાઈ વિભાગ ઊંઘતો રહ્યો હોય, તો તે ફરજમાં ઘોર બેદરકારી છે. જો આ તોડફોડ પાછળ સિંચાઈ વિભાગના અધિકારીઓની સંડોવણી કે મિલીભગત બહાર આવે, તો તેમને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા જોઈએ અને આ બંને ચેકડેમો ફરીથી બનાવવાનો તમામ નાણાકીય ખર્ચ જે તે જવાબદાર અધિકારીઓના અંગત ખિસ્સામાંથી વસૂલવામાં આવે. જો કોઈ ખાનગી રોડ કોન્ટ્રાક્ટર કે રેતી માફિયાઓએ આ નુકસાન કર્યું હોય, તો સિંચાઈ વિભાગે પોતે ફરિયાદી બનીને તાત્કાલિક કડક કાનૂની પગલાં ભરવા જોઈએ, અન્યથા વંથલીના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
Read Original Article →