​ગ્રોફેડ ખાતે નવું મીટર ગેજ સ્ટેશન મંજૂર​:નવું સ્ટેશન મંજૂર થતાં શહેરના 7 ફાટકોના કાયમી ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ

Gujarat5/26/2026, 2:17:10 PM
​ગ્રોફેડ ખાતે નવું મીટર ગેજ સ્ટેશન મંજૂર​:નવું સ્ટેશન મંજૂર થતાં શહેરના 7 ફાટકોના કાયમી ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ
જૂનાગઢ શહેરના નાગરિકો માટે લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની ગંભીર સમસ્યાનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. સાંસદ રાજેશ ચુડાસમાની રજૂઆત અને વિનંતીને ધ્યાને રાખીને, રેલવે બોર્ડ દ્વારા પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ આવતા વિસાવદર-જૂનાગઢ મીટર ગેજ સેક્શન પર 'ગ્રોફેડ' વિસ્તારમાં એક નવું મીટર ગેજ સ્ટેશન બનાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. રેલવે તંત્રનો આ નિર્ણય શહેરના વિકાસ માટે ઐતિહાસિક સાબિત થશે. 4.2 કિલોમીટર લાંબો મીટર ગેજ કાયમી ધોરણે બંધ કરી દેવાશે આ પ્રોજેક્ટની સૌથી મહત્વની અને મોટી બાબત એ છે કે ગ્રોફેડ ખાતે નવું રેલવે સ્ટેશન કાર્યરત થઈ ગયા બાદ, ગ્રોફેડથી લઈને હાલના મુખ્ય જૂનાગઢ સ્ટેશન વચ્ચેનો આશરે 4.2 કિલોમીટર લાંબો મીટર ગેજ રેલવે ટ્રેક કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે. હાલના સમયમાં આ જૂનો રેલમાર્ગ એક્સક્લુઝન ઝોનની જેમ શહેરની મધ્યમાં આવેલા અત્યંત ગીચ અને ઘનવસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે, જેના કારણે સ્થાનિક પરિવહનને મોટી અસર પહોંચે છે. તમામ 7 લેવલ ક્રોસિંગ (ફાટકો) કાયમી ધોરણે દૂર થઈ જશે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી આ મીટર ગેજ લાઇન પર કુલ 7 જેટલા સમપાર ફાટકો આવેલા છે. જ્યારે પણ ટ્રેન પસાર થાય ત્યારે આ સાતેય ફાટકો લાંબા સમય સુધી બંધ રાખવા પડતા હતા, જેના કારણે સમગ્ર શહેરમાં વાહનોની લાંબી લાઈનો અને કલાક સુધીના ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હતી. નવી વ્યવસ્થા અમલમાં આવતાની સાથે જ આ તમામ 7 લેવલ ક્રોસિંગ (ફાટકો) કાયમી ધોરણે દૂર થઈ જશે. પરિણામે સ્થાનિક નાગરિકો, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ તેમજ ઈમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડને રોજિંદી ભીડમાંથી મોટી રાહત મળશે. રેલવે સ્ટેશન વચ્ચે ખાસ ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારોમાંથી રેલવે ટ્રેક અને ફાટકો સંપૂર્ણપણે હટી જવાથી માર્ગ તેમજ રેલવે અકસ્માતોની સંભાવનાઓ નહિવત થઈ જશે, જેનાથી નાગરિકોની સુરક્ષામાં વધારો થશે. આ ઉપરાંત, આ સાત ફાટકોના સંચાલન અને તેની જાળવણી પાછળ રોકાયેલા રેલવેના કર્મચારીઓને હવે અન્ય ટેક્નિકલ કે ઓપરેશનલ કામગીરીમાં વધુ અસરકારક રીતે નિયુક્ત કરી શકાશે, જેથી રેલવે તંત્રની કાર્યક્ષમતા પણ વધશે.નવા ગ્રોફેડ સ્ટેશને ઉતરતા મીટર ગેજના મુસાફરોને મુખ્ય જૂનાગઢ સ્ટેશને જવા કે શહેરના અન્ય ભાગોમાં પહોંચવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા નવા ગ્રોફેડ સ્ટેશન અને હાલના મુખ્ય જૂનાગઢ રેલવે સ્ટેશન વચ્ચે ખાસ 'ઈ-બસ' (ઇલેક્ટ્રિક બસ) સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સુવિધાથી મુસાફરો બ્રોડ ગેજ ટ્રેનો સાથે ખૂબ જ સરળતાથી કનેક્ટ થઈ શકશે. જૂનાગઢના શહેરી વિકાસને એક નવી જ દિશા આપશે હાલના મુખ્ય જૂનાગઢ સ્ટેશન પર મીટર ગેજ ટ્રેનોનું સંચાલન સંપૂર્ણ બંધ થતાં જ ત્યાં રેલવે હસ્તકની મોટી જગ્યા ખાલી થશે. આ ઉપલબ્ધ થનારી કિંમતી જમીનનો ઉપયોગ આગામી સમયમાં બ્રોડ ગેજ યાર્ડના વિસ્તરણ કરવા માટે, ટ્રેનોની સુવિધા વધારવા તેમજ રેલવે ઓપરેશન સંબંધિત અન્ય આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ઓપરેશનલ જરૂરિયાતો અને નાગરિક સુખાકારી વચ્ચે સંતુલન જાળવીને જૂનાગઢના શહેરી વિકાસને એક નવી જ દિશા આપશે.
Read Original Article →