વિડીયો ઉતારવા બાબતે અરજદાર અને કર્મચારીઓ આમને-સામને.:11:15 વાગ્યા છતાં કર્મચારીઓ ગાયબ ? ટાઉન પ્લાનિંગ શાખામાં અરજદાર સાથે મારામારીના ગંભીર આક્ષેપો, રોષે ભરાયેલા કર્મચારીઓએ કચેરીને તાળા મારી હડતાળ પોકારી.
જૂનાગઢ મહાનગરપાલિકા ફરી એકવાર ગંભીર વિવાદોના કેન્દ્રમાં આવી છે. આજે સવારે 11:15 વાગ્યા હોવા છતાં ટાઉન પ્લાનિંગ શાખાના કર્મચારીઓ પોતાની ખુરશી પર હાજર ન હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરજદાર કરસન સોલંકી જ્યારે પોતાની અરજી બાબતે રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે કચેરી ખાલીખમ હોવાથી તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લાઈવ વિડીયો બનાવવાનું શરૂ કર્યું હતું. આ વિડીયોમાં લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓની ગેરહાજરી અને ખાલી ખુરશીઓ જોઈ શકાય છે. વિડીયો ઉતારવા બાબતે મોડેથી આવેલા કર્મચારીઓ અને અરજદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારી અને ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. અરજદાર કરસન સોલંકીએ વહીવટી તંત્ર અને કમિશનર સામે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ હવેલી ગલીમાં ચાલી રહેલા એક મોટા ગેરકાયદેસર બાંધકામ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. આજે જ્યારે તેઓ રજૂઆત કરવા ગયા ત્યારે પાનસુરિયા સાહેબ અને અન્ય કર્મચારીઓએ તેમનો કાંઠલો પકડી જ્ઞાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો કહી માર માર્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અરજદારે આક્ષેપ કર્યો છે કે કર્મચારીઓ એવું બોલતા હતા કે "કમિશનરે તેને પાડી દેવાની સૂચના આપી છે. તો બીજી તરફ આજની આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં પણ કેદ થયા છે. તો મહાનગરપાલિકાના કર્મચારીઓએ પોતાની ભૂલ છુપાવવા અને અરજદાર પર દબાણ લાવવા માટે કામકાજ બંધ કરી દીધું છે. કર્મચારીઓ કચેરીની બહાર એકઠા થઈ ગયા હતા અને 'અરજદારો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ'ના વિરોધમાં હડતાળની જાહેરાત કરી હતી. કર્મચારીઓનો આક્ષેપ છે કે અવારનવાર કેટલાક આવારા તત્વો કચેરીમાં આવીને ગેરવર્તણૂક કરે છે અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને સરકારી કામમાં અવરોધ ઊભો કરે છે. કર્મચારીઓએ તો ત્યાં સુધી આક્ષેપ કર્યો કે અરજદારે જ તેમના પર હુમલો કર્યો છે. મહિલા કર્મચારીઓની સુરક્ષાના પ્રશ્ને કર્મચારી શ્રેયા પાનેરીએ જણાવ્યું હતું કે જનસેવા કેન્દ્રમાં મહિલાઓ સાથે અભદ્ર વર્તન સામાન્ય બની ગયું છે. કર્મચારીઓની માંગ છે કે કચેરીમાં સિક્યોરિટી ગાર્ડની નિમણૂક કરવામાં આવે અને ગેરવર્તણૂક કરનારા અરજદારો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવે. હાલમાં મહિલા કર્મચારીઓ સહિતના સ્ટાફે મનપા કચેરીને તાળા મારી કામકાજ ઠપ્પ કરી દીધું છે, જેના કારણે અન્ય નિર્દોષ અરજદારો પણ હાલાકી ભોગવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં વારંવાર ભ્રષ્ટાચાર અને વહીવટી શિથિલતાના આક્ષેપો થતા રહે છે. અરજદારોની રજૂઆતોનો કોઈ નિકાલ ન આવતા લોકોએ મજબૂર બનીને વારંવાર ધક્કા ખાવા પડે છે. અધિકારીઓની આવી બેદરકારીને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે, પરંતુ જ્યાં સુધી સુરક્ષા અને સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે ત્યાં સુધી કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખવાની જીદ પકડી છે. આ વિવાદને કારણે જૂનાગઢ મનપાનું તંત્ર સંપૂર્ણપણે પડી ભાંગ્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
Read Original Article →