ટીનમસ ગામમાં વર્ક ઓર્ડર પહેલાં જ રોડનું ખાતમુહૂર્ત કરાતા હોબાળો:ધારાસભ્ય બોલ્યા- 'મને ખબર નથી', તંત્ર મૌન, ગ્રામજનો ઉપવાસ પર ઉતરશે

Gujarat5/26/2026, 12:55:36 PM
ટીનમસ ગામમાં વર્ક ઓર્ડર પહેલાં જ રોડનું ખાતમુહૂર્ત કરાતા હોબાળો:ધારાસભ્ય બોલ્યા- 'મને ખબર નથી', તંત્ર મૌન, ગ્રામજનો ઉપવાસ પર ઉતરશે
​જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીનમસ ગામનો રોડનો પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો માટે માથાના દુખાવા સમાન બની ગયો છે. જેને લઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ગ્રામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ, તે સમયે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સમયે ધારાસભ્ય અરવિંદ લાડાણી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ આ રોડનું ખાતમહુર્ત કરી નાખ્યું હતું પરંતુ, અત્યાર સુધી આ રોડ ન બનતા ફરી ગ્રામજનોએ ધારાસભ્યો અને જુનાગઢ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ ગંભીર પ્રશ્નનું આજદિન સુધી કોઈ કાયમી નિરાકરણ આવ્યું નથી. આ કામનો હજુ સુધી કોઈ વર્ક ઓર્ડર જ ઇસ્યુ થયો નથી વહીવટી તંત્રની ઘોર બેદરકારી વચ્ચે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ લોકોના મત મેળવવા ઈરાદે ધારાસભ્ય અરવિંદ લાડાણી અન્ય નેતાઓ અને અધિકારીઓએ ભેગા મળીને આ રોડનું ખાતમુહૂર્ત પણ કરી નાખ્યું હતું. પરંતુ હકીકત એ છે કે આ કામનો હજુ સુધી કોઈ વર્ક ઓર્ડર જ ઇસ્યુ થયો નથી, જેના કારણે આ વિસ્તારમાં તંત્રના મોટો ભ્રષ્ટાચાર અને રાજકીય કીમિયો ચર્ચાનો વિષય બન્યો છે. આ રોડ પર ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે ​ટીનમસ ગામના રહીશ રવિભાઈ બોરીચાએ જણાવ્યું હતું કે અમારો આ રોડ લગભગ સાંભરે એટલા સમય આ જ રીતે ખરાબ હાલતમાં છે. અહીંયા ઘણા અકસ્માતો થયા છે. અત્યારે ડામરનું તો કોઈ નામોનિશાન નથી. આના કરતાં તો અમારે વાડીએ જવાના જે રસ્તા આ રોડ થી સારા છે. વાડીના રસ્તામાં અમારી ગાડી ચોથા ગીયરમાં હાલે છે, અહીંયા બીજા ગીયરથી ઉપર જાતી નથી. આ રોડ પર ઘણા લોકોના જીવ ગયા છે. રસ્તાનું ખાતમૂહુર્ત કરી રાજકીય લાભ લઈ પછી હાથ ઊંચા કરી દે છે ​ચૂંટણી આવતી હતી તો રાજકીય સ્ટંટ કરવા અને મત લેવા માટે રોડનું તાત્કાલિક ખાતમુહૂર્ત કર્યું ,કારણ કે ટીનમસ મોટું ગામ છે. ચૂંટણી ગઈ, એમાં જે કાંઈ રિઝલ્ટ આવ્યું એટલે બધુંય સંકેલીને મૂકી દીધું અને હવે ગામને હેરાન કરવાનું ચાલુ કર્યું છે. હવે ચોમાસું આવે છે, ચોમાસામાં તો આ રસ્તામાં ગોઠણ-ગોઠણ સુધી પાણી ભરેલાના દાખલા છે. જે કોઈ રાજકીય પાર્ટીને કે જે કોઈ આગેવાનને જોવા આવવું હોય ઈ આવી શકે છે અને આ તકલીફ અમને બહુ છે. આ લગભગ પાંચ સવા પાંચ કિલોમીટર જેવડો રસ્તો અતિ ગંભીર હાલત છે. આ રસ્તાને લઇ રાજકીય લાભ લેવા માટે સારું લગાડવા ખાતમુહૂર્તો કરી પછી હાથ ઊંચા કરી દે છે. સવા પાંચ કિલોમીટરનો રસ્તો બની જાય તો લોકોને નવું જીવનદાન મળી જશે ટીનમસ ગામના ઉપસરપંચ પ્રવીણભાઈ ધમ્મરે વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ રોડ છેલ્લા 11 વર્ષથી મંજૂર થઈ ગયેલો છે અને હમણાં બે મહિના પહેલા જ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડનું કામ શરૂ ન થતાં તેમણે નાયબ કાર્યપાલક ઈજનેર સોલંકી તેમજ કોન્ટ્રાક્ટર રામસીભાઈનો સંપર્ક કર્યો હતો, જ્યારે ઉચ્ચ અધિકારી પંડ્યા તો ફોન પણ ઉપાડતા નથી. ચોમાસું શરૂ થાય તે પહેલાં જો આ આશરે સવા પાંચ કિલોમીટરનો રસ્તો બની જાય તો લોકોને નવું જીવનદાન મળી જશે. આ રસ્તા પર અવારનવાર થતા જીવલેણ અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના વહાલસોયા દીકરા કે પતિ ગુમાવ્યા છે. જો આગામી ચાર-પાંચ દિવસમાં તંત્ર દ્વારા કામ શરૂ કરવામાં નહીં આવે તો ત્રણેય ગામના લોકો જવાબદાર અધિકારીઓની કચેરીમાં જઈ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ પર બેસશે. આ સમગ્ર મામલે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે લગભગ વર્ક ઓર્ડર નીકળી ગયો હતો ,છતાં પણ મને તો કાંઈ ખ્યાલ નથી મને તો કહ્યું અને મેં તો ખાત મુહર્ત કરી નાખ્યું ,પણ હવે જાણી લઉં છું કે શું થયું છે... વર્ક ઓર્ડર વગર જ માત્ર વાહવાહી લૂંટવા ખાતમુહૂર્ત કરી દેવાયું હોવાની વાત સાબિત થઈ બીજી તરફ, જૂનાગઢ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરતા સમગ્ર સરકારી પોલ ઉઘાડી પડી ગઈ હતી. અધિકારીએ સ્વીકાર્યું હતું કે, તે સમયે માત્ર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ટેન્ડર પણ પાસ થઈ ગયું હતું, પરંતુ જે તે એજન્સી એટલે કે કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ મુજબની ડિપોઝિટની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવામાં આવી ન હતી. આ ટેકનિકલ ખામી અને ડિપોઝિટ ન ભરાવાના કારણે જ આ રોડના કામનો કોઈ ઓફિશિયલ વર્ક ઓર્ડર જ ઈસ્યુ કરવામાં આવ્યો ન હતો. આમ, વર્ક ઓર્ડર વગર જ માત્ર વાહવાહી લૂંટવા ખાતમુહૂર્ત કરી દેવાયું હોવાની વાત સાબિત થઈ છે. સમગ્ર મામલે જુનાગઢ જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારી સોલંકી સાથે વાત કરવાનું વારંવાર પ્રયત્ન કરતા તેમને તો જાણે કે મૌન રહેવાનું પસંદ કર્યું હોય તેમ તેને કોલ જ રિસીવ કર્યો ન હતો. ધારાસભ્યના આ બિનજવાબદાર નિવેદનથી સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને નારાજગી ફેલાઈ છે કે, લોકપ્રતિનિધિ જ જો આવી રીતે અજાણ હોવાનો દાવો કરે તો પ્રજાએ કોના ભરોસે રહેવું.
Read Original Article →