જૂનાગઢ તા.પંચાયતની પ્રમુખ પદની ચૂંટણી પૂર્વે AAPના સભ્યની ધરપકડ:મત ન આપી શકતા ભાજપની બોડી ચૂંટાઈ, BJP-AAPના 9 સભ્યો જીત્યા હતા
જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ બગડુ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડારની છેતરપિંડીના ગુનામાં ધરપકડ થતાં રાજકીય વાતાવરણ ખૂબ જ ગરમાઈ ગયું છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે દિવસ પહેલાં સંજય પાઘડાર વિરુદ્ધ સાત લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગઇકાલે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. આ ધરપકડને પગલે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કરીને લોકશાહીની હત્યા ગણાવી છે. બંને પક્ષો વચ્ચે ટાઈ પડતાં આજની ચૂંટણી મહત્વપૂર્ણ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠકો પર ખૂબ જ રસપ્રદ ચિત્ર સામે આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના 9 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 9 સભ્યો વિજેતા બન્યા હતા. બંને પક્ષો વચ્ચે ટાઈ થઈ હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાઘડાર પ્રમુખ પદના ઉમેદવારના ટેકેદાર તરીકે ફોર્મ ભરી ચૂક્યા હતા. 'આપ'નો આક્ષેપ છે કે સંજય પાઘડાર ચૂંટણીમાં પોતાનો કિંમતી મત ન આપી શકે તેવા બદઇરાદાથી ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ ધરપકડની આખી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. ‘ચૂંટણીમાં મતદાન કરતાં રોકવા માટે ધરપકડ’
આ સમગ્ર વિવાદ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતમાં બંને પક્ષોને સરખી બેઠકો મળી હોવાથી સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોલીસ તંત્રનો ખુલ્લેઆમ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. રાજુ બોરખતરીએ વધુમાં જણાવ્યું કે, ભાજપ જ્યારે આમ આદમી પાર્ટીના નિષ્ઠાવાન અને પ્રામાણિક સભ્યોને તોડવામાં તેમજ ખરીદવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ, ત્યારે તેમણે બગડુના સભ્ય સંજય પાઘડાર પર રાજકીય કિન્નાખોરી રાખીને ખોટો કેસ દાખલ કરાવી દીધો છે. પ્રમુખ પદની ચૂંટણીમાં તેમને મતદાન કરતાં રોકવા માટે જ પોલીસે આ ધરપકડ કરી છે અને ભારતીય જનતા પાર્ટીએ હાલ સત્તાના નશામાં તાનાશાહીની તમામ હદો વટાવી દીધી છે. મેંદરડાના દિનેશ વેકરીયાએ ફરિયાદ આપી
આ કેસની પોલીસ ફરિયાદની વિગતો મુજબ, મેંદરડાના દિનેશભાઇ રવજીભાઇ વેકરીયાએ સંજયભાઇ હરસુખભાઇ પાઘડાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપી સંજય પાઘડારે તેમને કન્સ્ટ્રક્શનના ધંધામાં રોકાણ કરવા પર ઊંચા વળતરની લાલચ આપી હતી અને રોકાણ કરવાના બહાને તેમની પાસેથી કટકે-કટકે કુલ રૂ. 7,00,000 રોકડા પડાવી લીધા હતા. આ રકમ લીધા બાદ આરોપીએ કોઈ પણ પ્રકારનું લખાણ કરી આપ્યું ન હતું અને લાંબો સમય વીતવા છતાં રોકાણ કરેલા રૂપિયા કે તેનું વળતર પરત આપ્યું ન હતું. ‘ફરિયાદીને ઢીકાપાટુનો માર માર્યો હતો’
જ્યારે ફરિયાદી દિનેશભાઇએ પોતાના હકના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપી સંજય પાઘડાર એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ફરિયાદીને જાહેરમાં ભૂંડી ગાળો આપીને ઢીકાપાટુનો બેરહેમ માર માર્યો હતો. આટલું જ નહીં, આરોપીએ તીક્ષ્ણ છરી બતાવીને ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપીને ગુનો આચર્યો હતો. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.બી. ગગનીયા અને એ.એસ.આઇ. એમ.આર. કીંદરખેડીયાએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ દિવસ પહેલાં ગુનો નોંધ્યો હતો: PI
આ સમગ્ર ચકચારી રાજકીય મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ એફ.બી. ગગનીયા સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આરોપી સંજય પાઘડાર વિરુદ્ધ ત્રણ દિવસ પહેલાં છેતરપિંડી, મારપીટ અને ધમકી આપવાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જ આ ગુનામાં સંજય પાઘડારની અટકાયત કરી છે અને કાયદો પોતાનું કામ કરી રહ્યો છે. ટ્રાફિકના કારણે 1 મિનિટ મોડી પડી: દક્ષાબેન ગજેરા
સુખપુર બેઠકના આમ આદમી પાર્ટીમાંથી વિજય થયેલા દક્ષાબેન વિનોદભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે હું સુખપુર-16 બેઠક પરથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર બની છું. આજે હું તાલુકા પંચાયતની પ્રક્રિયા અંતર્ગત મારા મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે આવી હતી. રસ્તામાં ભારે ટ્રાફિક નડવાના કારણે મને અહીં પહોંચવામાં થોડું મોડું થયું હતું. હું જ્યારે મતદાન મથકના મુખ્ય ગેટ પર પહોંચી ત્યારે બરાબર 11 વાગ્યા અને 1 મિનિટ થઈ હતી. ટ્રાફિકના કારણે હું માત્ર એક જ મિનિટ મોડી પડી હતી. ‘મારા મતાધિકાર પર તરાપ છે’
હું માત્ર 1 મિનિટ મોડી પડી હોવા છતાં, ભાજપવાળાએ અને વહીવટી તંત્ર દ્વારા મને ગેટની અંદર પ્રવેશવા દેવામાં આવી ન હતી. ત્યાં હાજર ભાજપના શાસકો અને સભ્યોની બહુમતી હોવાના કારણે, તેઓએ ભેગા મળીને મારી એન્ટ્રીનો સખત વિરોધ કર્યો અને મને લોકશાહી ઢબે મારો વોટ આપતા અટકાવી દીધી. આ સાર્વજનિક રીતે મારા મતાધિકાર પર તરાપ છે અને હું આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. ‘આખી ઘટના સરકારી તંત્ર અને ભાજપના નેતાઓની મિલીભગતનું પરિણામ’
ચૂંટણીના જવાબદાર અધિકારીઓ હવે એવું બહાનું આગળ ધરી રહ્યા છે કે હું સમયસર હાજર ન હોવાથી મને ગેરહાજર ગણવામાં આવી છે. પરંતુ આ વાત તદ્દન ખોટી અને પાયાવિહોણી છે. આ આખી ઘટના સરકારી તંત્ર અને ભાજપના નેતાઓની મિલીભગતનું પરિણામ છે. હું સરકારી તંત્ર અને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહેવા માંગું છું કે, તમારે શાસક પક્ષ ભાજપના હાથના કઠપૂતળી કે હાથા બનીને આ પ્રકારનું પક્ષપાતી કામ ન કરવું જોઈએ. મને મત આપવા અંદર જવા દીધો નથી: ગોપાલ વઘેરા
જૂનાગઢ તાલુકા પંચાયતના વડાલ સીટ પરથી આમ આદમી પાર્ટીમાં વિજેતા થયેલ ગોપાલભાઈ વઘેરાએ જણાવ્યું હતું કે હું તાલુકા પંચાયત જૂનાગઢ વડાલ સીટ ઉપરથી ચૂંટાયેલ છું. આજે હું પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં મત આપવા માટે હું ગયો, પણ મને મત આપવા માટે અંદર જવા દીધો નથી. ભાજપ અને તંત્રની મિલીભગતના કારણે આ વાતને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. અને તંત્રને પણ કહું છું કે ભાજપના હાથા બનીને આવા કામ ના કરો. તા.પંચાયતના પ્રમુખ પદ પર ભાજપના ભોજક ઇન્દુબેન અનકભાઈની જીત: પ્રાંત અધિકારી
પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બે સીટો માટે મતદાન યોજાયું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ભોજક ઇન્દુબેન અનકભાઈ વિજેતા થયા છે. તેમની તરફેણમાં 9 મત મળ્યા હતા, જ્યારે તેમની વિરુદ્ધમાં 5 મત પડ્યા હતા. આથી તેઓ બહુમતીથી વિજેતા જાહેર થયા છે. ઉપપ્રમુખ પદ પર ભાજપના મારૂ અંજનાબેન દિવ્યેશભાઈની જીત
ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી મારૂ અંજનાબેન દિવ્યેશભાઈ વિજેતા જાહેર થયા છે. તેમને બંને પક્ષોના સમર્થન સાથે કુલ 14 મત મળ્યા હતા અને તેમની વિરૂદ્ધમાં એક પણ મત પડ્યો ન હતો. ભાજપના 9 સભ્યો હાજર, AAPના 1 સભ્યની ધરપકડ અને 3 ગેરહાજર
આજની ચૂંટણીમાં પક્ષવાર સભ્યોની હાજરીની વિગત જોઈએ તો, ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 9 સભ્યોમાંથી 5 સભ્યો હાજર રહ્યા હતા અને 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા.
Read Original Article →