ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ખુદ એસપી મેદાને ઉતર્યા.:જૂનાગઢના તળાવ દરવાજા ફાટક પાસે ટ્રાફિક જામ થતાં એસપી સુબોધ ઓડેદરાએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે રસ્તા પર ઉતરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો.
જૂનાગઢ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે એક અનોખો અને પ્રશંસનીય નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે શહેરમાં વાહનોની અવરજવર નિયંત્રિત રાખવાની અને ટ્રાફિક હળવો કરવાની જવાબદારી ટ્રાફિક પોલીસ શાખા કે સ્થાનિક પોલીસની હોય છે. પરંતુ જૂનાગઢના તળાવ દરવાજા રેલ્વે ફાટક પાસે સર્જાયેલા ભારે ટ્રાફિક જામને હળવો કરવા માટે ખુદ જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીને આ રીતે રસ્તાની મધ્યમાં ઊભા રહીને વાહનોની અવરજવર સરખી કરાવતા જોઈને સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જૂનાગઢ શહેરની શાન સમાન નરસિંહ મહેતા સરોવર ખાતે દરરોજ સાંજના સમયે અને રાત્રિના ભાગે લોકો મોટી સંખ્યામાં ફરવા અને સમય વિતાવવા માટે આવતા હોય છે. ખાસ કરીને રજાના દિવસોમાં મુલાકાતીઓનો ઘસારો બહુ વધારે રહેતો હોવાથી તળાવ દરવાજા રેલ્વે ફાટક અને તેની આસપાસના વિસ્તારોમાં દરરોજ રાત્રે ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. ગઇકાલે પણ સાંજના સમયે અચાનક વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વાહનો સામસામે આવી જતાં આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને લોકો કલાકો સુધી અટવાઈ પડ્યા હતા. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ત્યાંથી પસાર થઈ રહેલા જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી. તેઓએ જરાય વિલંબ કર્યા વિના પોતાની ગાડીમાંથી નીચે ઉતરીને જાતે જ ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી દીધી હતી.એસપી ટ્રાફિકજામ હળવું કરાવી રહ્યાની જાણવા મળતા એલસીબી ટીમ પણ તાત્કાલિક ક્યાં પહોંચી હતી. ઉચ્ચ અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રાફી હળવો કરાવ્યો હતો .એસપીની આ રીતની ત્વરિત અને સરાહનીય કામગીરીને કારણે ટ્રાફિક સમસ્યા હળવી થઈ ગઈ હતી.
Read Original Article →