કેમિકલ્સ અને એસિડ સ્લરીમાં ભાવવધારો, જૂનાગઢના નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં:યુદ્ધ અને સ્થાનિક કૃત્રિમ અછતથી લઘુ ઉદ્યોગો આર્થિક કટોકટીમાં, 'વોકલ ફોર લોકલના સંકલ્પને બચાવવા સરકારે પગલાં લેવાં પડશે'
વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિઓ અને તેના ઓથા હેઠળ સ્થાનિક બજારમાં ઊભી કરાયેલી કાચા માલની કૃત્રિમ અછતના કારણે હાલમાં દેશના નાના અને લઘુ ઉદ્યોગો ભારે આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પેકેજિંગ, કેમિકલ્સ અને રોજિંદા વપરાશની હોમકેર પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રો પર આ પરિસ્થિતિની અત્યંત વિપરીત અને ગંભીર અસરો ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલા રશિયા-યુક્રેન અને ત્યારબાદ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા સશસ્ત્ર સંઘર્ષના કારણે પેટ્રોકેમિકલ્સ, પ્લાસ્ટિક અને અન્ય મહત્ત્વના કેમિકલ્સના ભાવોમાં રાતોરાત અસાધારણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ ગંભીર વૈશ્વિક યુદ્ધો ઉપરાંત સ્થાનિક સ્તરે પણ કેટલાક તત્વો દ્વારા કાળાબજારી અને ગેરકાયદેસર સ્ટોક હોલ્ડિંગ જેવી પ્રવૃત્તિઓ આચરવામાં આવતી હોવાના આક્ષેપો છે, જે આ સમગ્ર સમસ્યાના મૂળમાં હોવાનું મનાય છે. મલ્ટીનેશનલ કંપનીઓ મોટા પાયે કાચા માલનો જથ્થો ધરાવતી હોવાથી બજારમાં ટકી રહે છે, પરંતુ રોજનું કમાઈને રોજ ખાતા સ્થાનિક નાના ઉદ્યોગકારો માટે આ પરિસ્થિતિ અસહ્ય બની છે, કારણ કે સ્થાનિક બજારના કેટલાક મોટા વ્યાપારીઓ દ્વારા ઈરાદાપૂર્વક માલ દબાવી રાખીને ભાવો સતત વધારવામાં આવતા હોવાથી લઘુ ઉદ્યોગો બંધ થવાના આરે પહોંચી રહ્યા છે. ‘લઘુ ઉદ્યોગોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય’
જૂનાગઢ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લો ભૌગોલિક અને ઔદ્યોગિક દ્રષ્ટિએ પહેલેથી જ ખૂબ પછાત વિસ્તાર રહ્યો છે, અને ત્યાં ખાસ કરીને પેકેજિંગ ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં આવેલો છે. પેકેજિંગ ઉદ્યોગ અને એસિડ સ્લરી વગેરે જેવા બેઝિક મટીરિયલ્સ ઉપર નિર્ભર રહેતા ઉદ્યોગો જ્યારે ત્યાં માંડ-માંડ પોતાનું અસ્તિત્વ ટકાવીને ચાલી રહ્યા હોય, તેવા સંજોગોમાં આંતરરાષ્ટ્રીય યુદ્ધના નામે બજારમાં તદ્દન કૃત્રિમ રીતે ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. તેને વધુમાં કહ્યું કે, આ અણધાર્યા ભાવવધારાના કારણે સ્થાનિક લઘુ ઉદ્યોગોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય અને નાજુક બની ગઈ છે. આ ભાવવધારો સો ટકા કૃત્રિમ રીતે જ ઊભો કરવામાં આવ્યો છે, કારણ કે મલ્ટીનેશનલ કંપનીઓ પાસે અઢળક માલ અને મોટો સ્ટોક ઉપલબ્ધ હોવાથી તેઓ બજારમાં મજબૂતાઈથી હરીફાઈ કરી શકે છે, જ્યારે અહીંના નાના ઉદ્યોગકારો રોજનું ઉત્પાદન કરીને રોજ વેચાણ કરવા વાળા હોવાથી આ અન્યાયી વાતાવરણમાં ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે. ‘વોકલ ફોર લોકલના સંકલ્પને બચાવવા સરકારે પગલાં લેવાં પડશે’
સરકારે આ ગંભીર દિશામાં પણ તાત્કાલિક યોગ્ય અને અસરકારક પ્રયાસો કરવા જોઈએ. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવોમાં અચાનક મોટો તફાવત આવ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે તરત જ તેમાંથી એક્સાઈઝ ડ્યુટી વગેરે ઘટાડીને મોટી આર્થિક રાહત આપી હતી, બરાબર તે જ રીતે આ નાના ઉદ્યોગોને બચાવવા માટે પણ ટેક્સ અથવા તો અન્ય કોઈ પણ બાબતમાં જે કંઈ પણ વહીવટી રાહત શક્ય બનતી હોય તે સરકારે તાત્કાલિક ધોરણે આપવી જોઈએ. નાના-નાના લઘુ ઉદ્યોગો થકી જ આજે આખું ભારત આર્થિક રીતે ઉજળું અને આત્મનિર્ભર છે, તેથી જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વોકલ ફોર... લોકલ ફોર વોકલ'ના સંકલ્પને ટકાવી રાખવો હોય તો આ નાના ઉદ્યોગોને પણ ટકાવી રાખવા પડશે અને સરકારે તાત્કાલિક જરૂરી પગલાં લેવાં પડશે. ‘પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક સહિતના તમામ કેમિકલ્સમાં સીધો 40થી 50 ટકા જેટલો અસહ્ય ભાવવધારો’
બીજી તરફ જૂનાગઢ જી.આઈ.ડી.સી.માં છેલ્લા 40 વર્ષથી કેમિકલ ઉત્પાદનના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિલીપભાઈ કલોલાએ આ કટોકટી અંગે વાસ્તવિક ચિત્ર રજૂ કરતા જણાવ્યું હતું કે, "અમે છેલ્લા ચાર દાયકાથી કેમિકલ્સ લાઈનમાં સફળ ઉત્પાદનકર્તા તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છીએ અને સામાન્ય પરિવારો માટે વોશિંગ પાવડર, વાસણ ઘસવાનો સાબુ અને પાવડર, વાસણ સાફ કરવાનું લિક્વિડ તેમજ હેન્ડવોશ વગેરે જેવી વિવિધ હોમકેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરીએ છીએ. અમારા અનુભવ મુજબ, છેલ્લે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, ત્યારે કાચા માલના ભાવોમાં માત્ર 10થી 20 ટકા જેટલો સામાન્ય વધારો આવ્યો હતો, જે બજારની સ્થિતિ જોતાં ક્ષમ્ય અને વ્યાજબી હતો, તેથી નાના ઉદ્યોગકારોએ તેને જેમ-તેમ કરીને બજારમાં એડજસ્ટ કરી લીધો હતો. પરંતુ હાલમાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધના હિસાબે જે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે, તેના કારણે પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક સહિતના તમામ કેમિકલ્સમાં સીધો 40થી 50 ટકા જેટલો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાયો છે. 'કાળાબજારીયા તત્વોએ મોટા પાયે સ્ટોકને હોલ્ડ કર્યો'
આંતરરાષ્ટ્રીય બજારના દબાણ હેઠળ કેમિકલ્સમાં 40થી 60 ટકા સુધીનો વધારો આવે તે વાત એક ક્ષણ માટે સમજી શકાય, પરંતુ આ હોમકેર પ્રોડક્ટ્સ બનાવવાની જે મૂળભૂત પ્રોડક્ટ છે જેને SLS અને એસિડ સ્લરી (લાપ્સા) કહેવામાં આવે છે, તેમાં આવેલો ભાવવધારો તદ્દન કૃત્રિમ અને શંકાસ્પદ છે. મારી મક્કમ માન્યતા છે કે ક્યાંક ને ક્યાંક કેટલાક સ્થાપિત હિતો કે કાળાબજારીયા તત્વો દ્વારા મોટા પાયે સ્ટોકને હોલ્ડ કરીને અથવા દબાવી દઈને બજારમાં માલની કૃત્રિમ અછત ઊભી કરાઈ છે. યુક્રેન યુદ્ધ વખતે એસિડ સ્લરીનો ભાવ પ્રતિ કિલો ₹80 હતો, જે ધીમે-ધીમે વધીને ₹90, ₹100 અને મહત્તમ ₹110 સુધી પહોંચ્યો હતો, જે ઉદ્યોગોએ સહન કરી લીધો હતો. ત્રણ જ મહિનાથી આ ભાવ સીધો ₹300 પ્રતિ કિલો સુધી પહોંચ્યો
તેને વધુમાં કહ્યું કે, પરંતુ જેવું આ ઈરાન-અમેરિકા-ઈઝરાયેલનું નવું યુદ્ધ શરૂ થયું, કે તરત જ ₹110 વાળી એસિડ સ્લરીનો ભાવ વધીને ₹130 થયો તે પણ અમે સમજ્યા, પરંતુ આશ્ચર્યજનક રીતે છેલ્લા ત્રણ જ મહિનાથી આ ભાવ સીધો ₹300 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે, જે કોઈ પણ કાળે સ્વીકારી શકાય તેમ નથી. વાસ્તવિક રીતે બજારમાં આટલા મોટા ભાવ વધારાની કોઈ જ તાર્કિક જરૂરિયાત ઊભી થઈ નથી, પરંતુ આ માત્ર કૃત્રિમ ભાવ વધારો છે અને સ્ટોક સગેવગે કરીને કાળાબજારીયા તત્વો આ કટોકટીનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ અક્ષમ્ય ભાવવધારા પાછળના વાસ્તવિક કારણોની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે. તેને ઉમેરતા જણાવ્યું કે, વડાપ્રધાનના 'વોકલ ફોર... લોકલ' સૂત્રને સાર્થક કરતા અમે છેલ્લા 40 વર્ષથી મલ્ટીનેશનલ કંપનીઓની સામે બજારમાં સીધી હરીફાઈ કરી રહ્યા છીએ અને કોઈ પણ જાતના બ્રાન્ડિંગ, મોંઘી એડવર્ટાઇઝમેન્ટ કે B2B ડીલરશીપના મોટા ખર્ચાઓ વગર સીધા નાના કરિયાણાવાળા અને રીટેલર્સને માલ વેચીને ગરીબ તથા મધ્યમ વર્ગના ગ્રાહકોને ખૂબ જ સસ્તા ભાવે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વસ્તુઓ ઉપલબ્ધ કરાવીએ છીએ. આ સંજોગોમાં જો સરકાર આ કેમિકલ્સના ભાવોની તપાસ કરી નિયંત્રણ નહીં લાવે, તો મધ્યમ વર્ગને સસ્તો માલ પૂરો પાડતા આ દેશી લઘુ ઉદ્યોગો કાયમ માટે બંધ થઈ જશે.
Read Original Article →