જુનાગઢ સફાઈ કામદાર આંદોલન, દાયકાથી શોષણ થતું હોવાના આક્ષેપ:પગાર અને PF મામલે એજન્સીની ગેરરીતિ સામે આક્રોશ, યાત્રાધામ વિકાસ બોર્ડના જવાબ સામે પણ ઉઠ્યા સવાલો

Gujarat5/25/2026, 12:49:12 PM
જુનાગઢ સફાઈ કામદાર આંદોલન, દાયકાથી શોષણ થતું હોવાના આક્ષેપ:પગાર અને PF મામલે એજન્સીની ગેરરીતિ સામે આક્રોશ, યાત્રાધામ વિકાસ બોર્ડના જવાબ સામે પણ ઉઠ્યા સવાલો
​જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા જાળવતા સફાઈ કામદારો હાલમાં પોતાની મહેનતની કમાણી અને હકના અધિકારો માટે આંદોલનના માર્ગે ઉતર્યા છે. છેલ્લા એક દાયકાથી આ કામદારો ‘ડી.જે. નાકરાણી’ એજન્સી હેઠળ કામ કરી રહ્યા હતાં. આ ગાળા દરમિયાન તેમની સાથે સતત આર્થિક અને વહીવટી અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે. સફાઈ કામદારોના જણાવ્યા મુજબ, તેમના પગારમાંથી PFના નાણાં સતત કપાતા હોવા છતાં, તે પૈસા કામદારોના ખાતામાં ક્યારેય જમા કરવામાં આવ્યા નથી. આ ગંભીર ગેરરીતિ અંગે જ્યારે પણ જવાબદાર કોન્ટ્રાક્ટરોને પૂછવામાં આવે છે, ત્યારે તેમને માત્ર ‘આજે થઈ જશે કે કાલે થઈ જશે’ તેવા ખોટા વાયદાઓ આપીને લાંબા સમય સુધી છેતરવામાં આવ્યા છે. '​કામદારોને દોઢ મહિને માંડ 1 પગાર આપવામાં આવે છે' વાલ્મિકી સમાજના પ્રમુખ દિનેશભાઈ બી. ચુડાસમાએ જણાવ્યું હતું કે, કામદારોને દોઢ મહિને માંડ 1 પગાર આપવામાં આવે છે અને સરકારના નિયમો હોવા છતાં તેમને રજાઓ મળતી નથી. આ કામદારો વર્ષના 31 દિવસ સતત સફાઈ કામ કરે છે, પરંતુ તેમને 26 દિવસના જ પૈસા ચૂકવીને મોટું આર્થિક શોષણ કરવામાં આવે છે. નવી એજન્સી આવ્યા બાદ પણ પરિસ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી અને કામદારોને પે-સ્લિપ આપવાનું ટાળવામાં આવે છે. તેમણે જૂનાગઢના વહીવટી અધિકારીઓને અપીલ કરી છે કે આ કામદારોનું શોષણ બંધ કરાવીને તેમને બાકી નીકળતા PF ની રકમ તાત્કાલિક અપાવવામાં આવે. ‘એજન્સી અગાઉ પણ બ્લેકલિસ્ટ થયેલી છે અને તે શરતોનું પાલન કરતી નથી’ ​આ સમગ્ર મામલામાં વિરોધ પક્ષના નેતા લલિતભાઈ વી. પણસારાએ અગાઉ જ તંત્રને ચેતવણી આપી હતી. તેમણે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને અન્ય સત્તાધિશોને પત્ર લખીને એજન્સીની બેદરકારી અને ગેરરીતિઓ વિશે જાણ કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ એજન્સી અગાઉ પણ બ્લેકલિસ્ટ થયેલી છે અને તે શરતોનું પાલન કરતી નથી. પરંતુ તે સમયે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. તાજેતરમાં લલિતભાઈ પણસારાએ ફરી RTI દ્વારા માહિતી માંગી હતી, જેના જવાબમાં યાત્રાધામ વિકાસ બોર્ડે જે ખુલાસો કર્યો છે તે અત્યંત આશ્ચર્યજનક અને કામદારોની પીડાને અવગણનારી છે. બોર્ડે જવાબમાં માત્ર ટેન્ડરની નકલ આપીને હાથ ખંખેરી લીધા છે અને કહ્યું છે કે એજન્સી કેટલા કર્મચારીઓ રાખે છે કે પગારની વિગતો રાખે છે તે કરારનો ભાગ નથી, જે વહીવટીતંત્રની ઉદાસીનતા દર્શાવે છે. સફાઈ કર્મચારીઓની કામ બંધ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ​10 વર્ષથી સફાઈ કામગીરી સાથે જોડાયેલા ઈશ્વરભાઈ અમરસિંહભાઈ વાઘેલાએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે ગૌરવભાઈ અને નાકરાણી એજન્સીના સંચાલકો તેમની સમસ્યાઓને સાંભળવા તૈયાર નથી. અગાઉ બાકી નીકળતા અરિયર્સના પૈસા ચૂકવવાનું વચન આપ્યા બાદ પણ તે આજ સુધી મળ્યા નથી. અત્યારે તમામ કામદારો હડતાળ પર છે, તેમ છતાં વહીવટી અધિકારીઓ દ્વારા માત્ર વાયદાઓ કરીને તેમને ટાળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો હવે તંત્ર સફાઈ કામદારોને ન્યાય નહીં અપાવે અને એજન્સી સામે કડક દંડનીય પગલાં નહીં લે, તો જૂનાગઢના મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને હોસ્પિટલના તમામ સફાઈ કર્મચારીઓ કામ બંધ કરી ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.
Read Original Article →