RTO કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી:અધિકારીઓ મોડા આવતા અરજદારો ધોમધખતા તડકામાં હેરાન, વીજળીનો સરેઆમ વેડફાટ

Gujarat5/27/2026, 11:06:13 AM
RTO કચેરીમાં તંત્રની ઘોર બેદરકારી:અધિકારીઓ મોડા આવતા અરજદારો ધોમધખતા તડકામાં હેરાન, વીજળીનો સરેઆમ વેડફાટ
​જૂનાગઢ RTO કચેરી ખાતે લાયસન્સ અને અન્ય કામગીરી માટે આવતા અરજદારો દ્વારા કચેરીના અણઘડ વહીવટ અને અધિકારીઓની અનિયમિતતા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કચેરીનો સત્તાવાર સમય સવારે 10:30 વાગ્યાનો હોવા છતાં કર્મચારીઓ સમયસર હાજર થતા નથી અને સાંજે નિર્ધારિત સમય પહેલાં જ કચેરી છોડીને જતા રહે છે. આ અંધેર વહીવટને કારણે દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી 100થી 150 કિલોમીટરનું અંતર કાપીને આવતા લોકોને કલાકો સુધી કચેરીના ધક્કા ખાવા પડે છે અને ધોમધખતા તડકામાં બફાઈને હેરાન થવું પડે છે. અરજદારોનો આક્ષેપ છે કે કચેરીમાં વારંવાર અધૂરા ડોક્યુમેન્ટ્સના બહાના કાઢીને લોકોને ધક્કે ચડાવવામાં આવે છે. કચેરીના ખાલીખમ રૂમોમાં પંખાઓ અને લાઈટો બિનજરૂરી ચાલુ ​એક તરફ વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર અને વડાપ્રધાન દેશવાસીઓને ઇંધણ તેમજ વીજળી બચાવવાનો સંદેશ આપી રહ્યા છે, ત્યારે જૂનાગઢ આરટીઓ કચેરીમાં આ આદેશોના લીરેલીરા ઊડતા જોવા મળે છે. કચેરીના ખાલીખમ રૂમોમાં કોઈ નાગરિક કે સ્ટાફ હાજર ન હોવા છતાં પંખાઓ અને લાઈટો બિનજરૂરી ચાલુ રાખીને વીજળીનો મોટો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. અરજદારો કિંમતી પેટ્રોલ-ડીઝલ બાળીને ત્રણ-ચાર વાર ધક્કા ખાય છે છતાં તેમના કામ થતા નથી, જેથી રોષે ભરાયેલા લોકોએ આ બાબતે રાજ્ય સરકાર અને ઉચ્ચ કચેરી કડક તપાસ કરી નાગરિકોના હિતમાં તાત્કાલિક પગલાં ભરે તેવી ઉગ્ર માંગ કરી છે. સરકારે નાગરિકોના હિતમાં કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ ​કચેરી ખાતે આવેલા મનોજ ઠુમ્મરે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. સવારે ઓફિસ ખૂલવાના સમયે કોઈ કર્મચારી હાજર હોતું નથી અને સાંજે સમય પહેલાં ભાગી જાય છે. આ વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં જ્યારે ઉર્જા બચાવવાની વાતો થાય છે ત્યારે જૂનાગઢ આરટીઓ જાણે કોઈ અલગ જ વિભાગમાં ચાલતું હોય તેમ બેફામ લાઈટો અને પંખા ચાલુ રાખે છે. સરકારે નાગરિકોના હિતમાં આ કચેરી વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. અધિકારી ફરજ પર આવ્યા ન હોવાથી લોકો તડકામાં હેરાન થઈ રહ્યા છે ​મેસવાણ ગામેથી લાયસન્સના કામ માટે મનસુખ ગોરિયાએ જણાવ્યું કે, સવારના સાડા નવ વાગ્યાના કચેરીએ આવીને બેઠા છે. સાડા અગિયાર વાગ્યા સુધી કોઈ અધિકારી ફરજ પર આવ્યા ન હોવાથી તેઓ ભારે ગરમી અને તડકામાં હેરાન થઈ રહ્યા છે. જો અધિકારીઓ સમયસર આવે તો લોકો પોતાનું કામ પતાવીને સમયસર ઘરે પહોંચી શકે, બાકી આ રીતે કલાકો સુધી તડકામાં બેસી રહેવાથી લોકો બફાઈને મરી જશે. સર્વત્ર વસ્તી ગણતરીની સરકારી કામગીરી ચાલુ હોવાથી સ્ટાફ તેમાં રોકાયેલો છે ​બીજી તરફ, આ તમામ ગંભીર આક્ષેપો સામે કચેરીના આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરે બચાવ કરતા જણાવ્યું છે કે કચેરીમાં અત્યારે કોઈ મોટી ભીડ નથી અને તમામ અરજદારોના કામ પ્રાથમિકતાના ધોરણે જ પૂરા કરવામાં આવે છે. હાલમાં સર્વત્ર વસ્તી ગણતરીની સરકારી કામગીરી ચાલુ હોવાથી કચેરીનો મોટાભાગનો સ્ટાફ તેમાં રોકાયેલો છે. કર્મચારીઓએ ઓફિસ અને ફિલ્ડ એમ બંને કામગીરીઓ એકસાથે સંભાળવાની હોવાથી ક્યારેક કોઈને આવવામાં થોડું મોડું થઈ જાય છે. સ્ટાફ દ્વારા વીજળીનો વ્યય ન થાય તે બાબત પર જ ખાસ ફોકસ ​તેમણે વીજળીના વેડફાટના આક્ષેપ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તંત્ર વીજળી બચાવવામાં સંપૂર્ણ માને છે. સવારે સફાઈ કામદારો જ્યારે કચેરીમાં પોતું કરે છે, ત્યારે ભીનું ભોંયતળિયું ઝડપથી સૂકવવા માટે જ માત્ર બે-પાંચ મિનિટ પંખા ચાલુ કરવામાં આવે છે અને ત્યારબાદ તેને તુરંત બંધ કરી દેવાય છે. કચેરીમાં કોઈ વ્યક્તિ હાજર ન હોય ત્યાં પંખા ચાલુ રાખવામાં આવતા નથી અને સ્ટાફ દ્વારા વીજળીનો વ્યય ન થાય તે બાબત પર જ ખાસ ફોકસ રાખવામાં આવે છે.
Read Original Article →