પોક્સોનો નાસતો આરોપી ઝડપાયો:જૂનાગઢમાં દુષ્કર્મના ગુનામાં નાસતો ફરતો શખ્સ બનાસકાંઠાથી ઝડપાયો, પેરોલ ફર્લો સ્કવોડનો સપાટો,
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત એક્શન લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે એક મહત્વની સફળતા મેળવી છે, જેમાં પોક્સો અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા એક રીઢા આરોપી. દસરથ ઉર્ફે ડુગરો હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના હેઠળ આરોપી દસરથ ઉર્ફે ડુગરો બાબુભાઇ સોલંકી સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ અતિ ગંભીર ગણાતા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા તેની શોધખોળ લાંબા સમયથી ચાલી રહી હતી, પરંતુ આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત સ્થળ બદલીને નાસતો ફરતો હતો. પેરોલ ફર્લો સ્કવોડના એએસઆઈ યુ.એમ.વેગડા અને તેમની ટીમ જિલ્લાના એવા તમામ આરોપીઓ પર નજર રાખી રહી હતી જેઓ પેરોલ, ફર્લો અથવા વચગાળાના જામીન પરથી ફરાર થયા હોય અથવા ગુનાના કામે પોલીસને હાથ તાળી આપી રહ્યા હોય. આ તપાસ દરમિયાન પેરોલ ફલો ટીમને બાતમી મળી કે, આ કેસનો મુખ્ય આરોપી દસરથ ઉર્ફે ડુગરો હાલ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના સીમાડે આવેલા તેના રહેણાક મકાને છુપાયેલો છે.
બાતમી મળતાની સાથે જ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તેમજ સ્થાનિક નેટવર્કની મદદથી ઓપરેશન પાર પાડવા માટે બનાસકાંઠા તરફ રવાના થઈ હતી. પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે પહોંચીને તપાસ કરતા આરોપી દસરથ ઉર્ફે ડુગરો બાબુભાઇ સોલંકી ત્યાં હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરતા, તેણે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગંભીર ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે તે ધરપકડના ડરથી લાંબા સમયથી છુપાઈને રહેતો હતો.
આરોપી ઝડપાઈ ગયા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી તેને હસ્તગત કર્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને વધુ તપાસ અને જેલ હવાલે કરવાની પ્રક્રિયા માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસની આ કામગીરીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Read Original Article →