જૂનાગઢમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર ?:પ્રી-મોન્સૂન કામગીરી સામે વિપક્ષ અને જનતાનો ભારે આક્રોશ,કરોડોના ખર્ચે સફાઈના દાવા વચ્ચે જનતા પર પૂરનું સંકટ, ચેન્જ કમિટીના ચેરમેન આર્થિક હિસાબ આપવામાં અસમર્થ.

Gujarat5/26/2026, 9:49:08 AM
જૂનાગઢમાં પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર ?:પ્રી-મોન્સૂન કામગીરી સામે વિપક્ષ અને જનતાનો ભારે આક્રોશ,કરોડોના ખર્ચે સફાઈના દાવા વચ્ચે જનતા પર પૂરનું સંકટ, ચેન્જ કમિટીના ચેરમેન આર્થિક હિસાબ આપવામાં અસમર્થ.
​જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવી રહ્યા છે. જોકે ચોમાસું તદ્દન નજીક હોવા છતાં વહીવટી તંત્રની ગતિ અત્યંત ધીમી હોવાથી સ્થાનિક જનતા અને વિપક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં ગટર અને નાળાઓની સફાઈ યોગ્ય રીતે ન થવાને કારણે આ ચોમાસામાં પણ જૂનાગઢ પાણી-પાણી થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ સામે આવી છે કે, જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ વર્ષની પ્રી-મોન્સૂન કામગીરી પાછળ કુલ કેટલો ખર્ચ થશે તે અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આ સવાલનો કોઈ સ્પષ્ટ આંકડો આપ્યો ન હતો. તેમણે આર્થિક હિસાબ આપવાને બદલે વાતને ગોળ ગોળ ફેરવીને માત્ર એજન્સીઓ અને કામગીરીની પદ્ધતિની જ ચર્ચા કરી હતી અને પ્રી-મોન્સૂનની કામગીરીમાં વાસ્તવમાં કેટલા રૂપિયા ખર્ચાશે તે જણાવવાનું સાફ ટાળ્યું હતું, જેને કારણે તંત્રની પારદર્શિતા સામે અનેક સવાલો ઊભા થયા છે. ​આ સમગ્ર મામલે તંત્રની પોલ ખોલતા જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તેનાથી તદ્દન અલગ હોય છે અને જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે સામાન્ય જનતાએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. થોડા વર્ષો પહેલા ગિરનાર પર્વત પર ભારે વરસાદ થયો હતો, ત્યારે દાતારના વોકળામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, જેનાથી જાનમાલનું મોટું નુકસાન થયું હતું. વોકળાઓ પર અને મહાનગરપાલિકાના ગેસ્ટ હાઉસ પાસે થયેલા દબાણોને કારણે વોકળાઓ સાંકડા થઈ ગયા છે, જે આ પૂરની સ્થિતિ માટે મુખ્ય જવાબદાર છે. આ વર્ષે પણ વોકળાઓની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી. આ ઉપરાંત ભૂગર્ભ ગટરોની પાઈપો નાની હોવાના કારણે અને સફાઈ ન થવાને લીધે વરસાદી પાણી ઘરોમાં ઉભરાય છે. જૂનાગઢમાં આશરે 40 થી 45 હજાર જેટલા ચેમ્બરો છે, જેમાંથી તંત્રે માત્ર દેખાડો કરવા 4 થી 5 હજાર જેટલા જ ચેમ્બરો સાફ કર્યા છે. ગટરોમાં માટી, પથ્થર અને કોંક્રિટ જમા થયેલ છે, જેને તાત્કાલિક દૂર કરવી જરૂરી છે. રસ્તાઓ પર અને જી.ઈ.બી. ના વીજપોલ પાસે આવેલા જોખમી હોર્ડિંગ્સ અને વૃક્ષોને કારણે ચોમાસાના પવનમાં અકસ્માત થવાનો કે વીજ વાયરો તૂટી પડવાનો ભય રહે છે. શાસકો દ્વારા આખા મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે સોસાયટીઓના લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. જો આ રસ્તાઓ સમયસર રિપેર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ વણસશે. હાલમાં જ કમિશનરની બદલી થઈ છે અને નવા કમિશનરને ચાર્જ સંભાળવામાં અને પરિસ્થિતિ સમજવામાં મહિનો જેટલો સમય લાગી શકે છે, તેથી શાસક પક્ષે પોતે જ અધિકારીઓ સાથે રહીને તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરવું જોઈએ. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ થાય છે અને તેનો પુરાવો એ છે કે દર ચોમાસામાં જૂનાગઢની જનતાએ ભારે હાલાકી ભોગવવી પડે છે. જો પ્રથમ વરસાદમાં જ શહેરમાં પાણી ભરાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોર્પોરેશનના સત્તાધીશોની રહેશે. ​બીજી તરફ, મહાનગરપાલિકાની આ ઢીલી નીતિથી જૂનાગઢના સ્થાનિક રહીશો પણ ભારે આક્રોશમાં છે. શહેરના જાગૃત નાગરિક અરવિન્દ રાબડીયાએ વહીવટી તંત્ર સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, હાલ જૂનાગઢ વિસ્તારમાં ખોદકામ એટલું ચાલુ છે કે બધી બાજુ ખાડાઓ મોટા પડ્યા છે અને રોડોની અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ગટરો અને પાણીની લાઈનો નખાણ્યા પછી રોડ જે પદ્ધતિસર બનાવવા જોઈએ એ બિલકુલ બનેલા નથી. ઉપરથી જે જે વિસ્તારોમાં પાણી અને વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ, એ વરસાદી પાણીનો નિકાલ પણ આ લોકોએ વ્યવસ્થિત કરેલો નથી એટલે એના હિસાબે થઈને આજે જૂનાગઢના અમુક વિસ્તારોમાં, ખાસ કરીને પોતાના વિસ્તારમાં નાના બાળકોને ચોમાસાના ચાર મહિના ઘરની બહાર નીકળતાય ભારે બીક લાગે છે કે ક્યાંક આ વરસાદી પાણીના પ્રવાહમાં બાળકો તણાઈ જશે તો ? આવી દયનીય પોઝીશન અત્યારે બધે થઈ છે અને અમુક જગ્યાએ તો એવા મોટા ખાડા થયેલા છે કે જેમાં એવું સમજાય કે કોર્પોરેશન દ્વારા સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો હોય, એટલું મસ્ત મોટું પાણી ભરાય છે. આ ભરાયેલા પાણીનો કોઈ નિકાલ અત્યારે કોર્પોરેશન દ્વારા કાંઈ કરવામાં જ આવ્યો નથી. અવારનવાર પ્રી-મોન્સૂન કામગીરી ચાલે છે તેવું સાંભળવા મળે છે, પણ આ કામગીરી ક્યાં ચાલે છે તે મોટો સવાલ છે, કારણ કે બધું કાગળ ઉપર જ ખાલી ચાલે છે. ​જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી ઠાકરે શાસક પક્ષનો બચાવ કરતા જણાવ્યું હતું કે પ્રી-મોન્સુન કામગીરીમાં મહાનગરપાલિકા દર વર્ષે વોકળાની સફાઈ નિયમિત કરતી હોય છે. જૂનાગઢની અંદર 24 કિલોમીટર જેટલા વોકળાઓ આવેલા છે અને આ વખતે વાર્ષિક ભાવની જે એજન્સી છે, એને જ વોકળા સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. દરેક વોર્ડની અંદર જ્યાં પણ વોકળાઓ છે, ત્યાં વોકળા સફાઈની કામગીરી ચાલુ કરી દીધી છે અને તેમાંથી 8 કિલોમીટરની વોકળા સફાઈ એટલે લગભગ 35 ટકા જેવું કામ પૂરું થઈ ગયું છે. આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખી અને બધા જ 24 કિલોમીટરના વોકળાઓની સફાઈ સમયસર થઈ જાય એવું મહાનગરપાલિકાનું મજબૂત આયોજન છે. દરેક વોર્ડમાં અલગ-અલગ એજન્સી કામ કરશે જેથી કામમાં ઝડપ અને ગતિ આવશે, એક જ એજન્સીને બધું કામ આપવાને બદલે વાર્ષિક ભાવની એજન્સીઓને આ કામ વહેંચી દીધું છે એટલે એ વહેલી તકે સફાઈ પૂર્ણ કરશે. આ ઉપરાંત સેનિટેશન વિભાગ દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે અને જુદા જુદા વિસ્તારોમાં આવેલી ગટરોની અંદાજિત 10,000 ચેમ્બરોમાંથી 6,000 જેટલી ચેમ્બરની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે, જેથી પાણીનો નિકાલ અટકશે નહીં અને કોઈ દુર્ઘટના બનશે નહીં. બાકીની તમામ કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. તંત્ર દ્વારા જર્જરિત ઇમારતોને આઈડેન્ટીફાય કરીને નોટિસો આપી દેવામાં આવી છે અને જો કોઈ મકાનમાલિક તેને નહીં ઉતારે તો ઇલેક્ટ્રિક કનેક્શન ડિસકનેક્ટ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તકેદારીના ભાગરૂપે લોકોને પણ અપીલ છે કે જર્જરિત બાંધકામ તાત્કાલિક રીનોવેટ કરી લે જેથી જાનહાનિ રોકી શકાય. વોકળા સફાઈની સાથે ભૂગર્ભ ગટર જોઈન્ટ કરવાનું કામ થઈ ગયું હોવાથી હવે વોકળામાં પાણી ઓછું જાય છે, જેથી આ વખતે પૂરની સ્થિતિ સર્જાશે નહીં. જ્યાં જ્યાં ભૂગર્ભ પાણીની લાઈન થઈ છે, જેમ કે વોર્ડ નંબર 5, 7, 9 અને 10 માં રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને જ્યાં પીસીસી કામ પૂર્ણ થયું છે ત્યાં ચોમાસા પહેલાં સિમેન્ટ રોડ થાય તેવા પૂરા પ્રયત્નો ચાલુ છે, તેમજ ચોમાસા દરમિયાન હવે નવું ખોદકામ બિલકુલ કરવામાં આવશે નહીં.મહાનગરપાલિકાના સત્તાધીશો ભલે ગમે તેટલા દાવા કરે, પરંતુ ચેરમેનના નિવેદન અને આંકડાઓ પરથી જ અનેક ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
Read Original Article →