પ્રી-મોન્સુન કામગીરીની ઢીલી નીતિ સામે વિપક્ષની રજૂઆત:ચોમાસા પૂર્વે વિપક્ષના નેતા લલિત પરસાણા આક્રમક મૂડમાં;અધૂરા રસ્તા અને ગટરના બ્લોકેજ મામલે કમિશનરને પત્ર લખી ચીમકી આપી, વહીવટી તંત્રની ગોકળગાય ગતિ સામે આંદોલનના એંધાણ
હવામાન શાસ્ત્રીઓ દ્વારા આ વર્ષે ચોમાસું વહેલું બેસે તેવી સત્તાવાર આગાહીઓ કરવામાં આવી રહી છે, ત્યારે જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવતી પ્રી-મોન્સુન કામગીરી તદ્દન ગોકળગાય ગતિએ ચાલતી હોવાના આક્ષેપો કરાયા છે. જેને લઇ જુનાગઢ મહાનગર પાલિકાના કમિશનરને વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ લેખિતમાં રજૂઆત કરી છે કે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સુન કામગીરીના બહાને લાખો રૂપિયાના આંધણ કાગળ પર કરવામાં છે અને મોટા-મોટા દાવાઓ રજૂ થાય છે. પરંતુ દર વર્ષે વાસ્તવિકતા તદ્દન અલગ સાબિત થાય છે, જેમાં પહેલા જ વરસાદમાં સ્થાનિક રહીશોના ઘરોમાં ગંદા પાણી ઘૂસી જાય છે અને શહેરના અંડરબ્રીજ તેમજ તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત બની જાય છે. આ વર્ષે તો વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે સમગ્ર જુનાગઢ શહેરમાં ચારેય તરફ મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે, જેના કારણે આગામી ચોમાસામાં જનતાની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલમાં જ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ હોવાથી વહીવટી શૂન્યાવકાશ જેવી સ્થિતિ સર્જાઈ છે. નવા કમિશનર ચાર્જ સંભાળશે અને આખું સેટઅપ ગોઠવશે ત્યાં સુધીમાં ચોમાસું માથે આવી જશે અને ઘણો સમય વેડફાઈ જશે. આવા કપરા સમયે ડેપ્યુટી કમિશનર કે અન્ય ઉચ્ચ અધિકારીઓએ ખાસ જાગૃત થઈને યુદ્ધના ધોરણે કામગીરી ઉપાડવી અત્યંત જરૂરી બની ગઈ છે. શહેરમાં ટ્રાફિક જામ, જળબંબાકાર અને ભયંકર રોગચાળા જેવી ગંભીર આફતોથી નાગરિકોને બચાવવા માટે વહીવટી તંત્રે પોતાની નબળી નીતિઓ ત્યજીને સત્વરે મેદાનમાં આવવું પડશે, નહિતર જનતાના આક્રોશનો ભોગ બનવું પડશે તે નક્કી છે. જુનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ વિઠ્ઠલભાઈ પરસાણાએ આ સમગ્ર ગંભીર મામલે કમિશનર સાહેબને લેખિત પત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરી છે. તેમણે મનપાની ઢીલી નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે ત્યારે જુનાગઢ શહેરના નાગરિકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ જળબંબાકાર, ટ્રાફિક જામ અને રોગચાળા જેવી ભયંકર હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વિપક્ષ તરીકે અમે મહાનગરપાલિકાનું ગંભીરતાથી ધ્યાન દોરીએ છીએ. દર વર્ષે પ્રી-મોન્સુન કામગીરીના નામે લાખો રૂપિયાના ખર્ચના કાગળ ઉપર દાવા થાય છે, પરંતુ વાસ્તવિકતા તદન અલગ હોય છે. હાલમાં શહેરમાં રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની સ્થિતિ અત્યંત દયનીય અને ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. આ વર્ષે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચારેય તરફ મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. હાલ જોષીપરા ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે, ત્યારે મજેવડી દરવાજાથી લઈને ગાંધી ચોક સુધીનો મુખ્ય રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ ઉપરાંત જીઆઇડીસીથી સકરબાગ સુધીનો રસ્તો પણ આખો ખોદી નાખવામાં આવ્યો છે. ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે અને મહાનગરપાલિકા દ્વારા મુખ્ય રસ્તાઓ આ રીતે ખોદાયેલા રાખવામાં આવ્યા હોવાથી નાગરિકોને વાહન ચલાવવામાં અને અવરજવર કરવામાં અતિશય મુશ્કેલી પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે.
ગયા ચોમાસામાં જૂનાગઢની જનતા જે રીતે ભયંકર મુશ્કેલીમાં મુકાઈ હતી તેવી જ સ્થિતિ આ વર્ષે પણ સર્જાશે. શહેરમાં જે ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે અને જે ગટરો નવી બની ગઈ છે, તેને ચોમાસા પહેલા સાફ કરવી અત્યંત જરૂરી છે. ગયા વર્ષે જે ગટરના કનેક્શન લોકોના ઘરોમાં આપવામાં આવ્યા હતા, તેમાં ગટરના ગંદા પાણી ઉભરાયા હતા અને લોકોના રહેણાંક મકાનોમાં ગંદકી ફેલાઈ હતી, કારણ કે મુખ્ય ગટરોની સાફ સફાઈ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. પ્રી-મોન્સુન કામગીરીમાં ગટરની વ્યાપક સફાઈ સૌથી મહત્વની બાબત છે. ગટરના ગંદા પાણી અને ભેજવાળા વાતાવરણના કારણે શહેરમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે જૂનાગઢમાં આવેલા તમામ વોંકળાઓ અને મુખ્ય વરસાદી પાણીના નાળાઓમાંથી કચરો કાઢી તેને ઊંડા કરવા જોઈએ જેથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે. શહેરમાં આવેલા તમામ મોટા હોર્ડિંગ્સ પણ અકસ્માત નિવારવા માટે ઉતારવા ખૂબ જરૂરી છે. જોષીપરા અંડરબ્રીજ અને ઝાંઝરડા અંડરબ્રિજમાં દર વર્ષની જેમ પાણી ન ભરાય તે માટે યોગ્ય પદ્ધતિસરનું આગોતરું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવું જોઈએ. નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સમયસર એલર્ટ કરવા માટે 24 કલાક કાર્યરત રહે તેવો ઇમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કરવો અનિવાર્ય છે. જો આગામી દિવસોમાં ગટરની સફાઈ અને રસ્તાઓ પર મેટલિંગ-રોલીંગ કરવા બાબતે સંતોષકારક અને નક્કર કામગીરી જમીન પર દેખાશે નહીં, તો જુનાગઢની જનતાના હિત અને આરોગ્યના રક્ષણ માટે વિપક્ષ દ્વારા મહાનગરપાલિકા સામે ઉગ્ર આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
Read Original Article →