પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ કરવા કોંગ્રેસનું કમિશનરને 6 દિવસનું અલ્ટીમેટમ.:જૂનાગઢમાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે માત્ર કાગળ પર જ કરોડોના બિલો ઉધારાતા હોવાનો આક્ષેપ, કોંગ્રેસે મહાનગરપાલિકા બહાર રામધૂન બોલાવી 19 મુદ્દાનું આવેદન પાઠવ્યું.
જૂનાગઢ શહેરમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સુન કામગીરીઓ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવાની માંગ સાથે જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનરને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ આવેદનપત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા લલિતભાઈ વી.પણસરા અને જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજભાઈ જોષીની આગેવાનીમાં આપવામાં આવ્યું હતું. ચોમાસા પૂર્વે તંત્રની ઢીલી નીતિ સામે વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનગરપાલિકા કમિશનરની ઓફિસ બહાર એકત્રિત થઈને રામધૂન બોલાવવામાં આવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો હતો. જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોષીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં સમસ્યાઓનો મોટો ઢગલો છે, પરંતુ આજે શહેરને સ્પર્શતી મુખ્ય સમસ્યાઓના 19 અતિ મહત્વના મુદ્દાઓને લઈને કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. દર વર્ષે તંત્ર દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહેતી હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું કે, વાસ્તવિક કામ કર્યા વિના માત્ર પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના બિલો જ ઉધારવામાં આવે છે, તેથી આ વર્ષે પ્રિ-મોન્સુનની કામગીરી 100 એ 100 ટકા જમીની સ્તર પર પૂર્ણ થાય તે માટે તંત્રને 6 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે અને જો કામગીરી પૂરી નહીં થાય તો મહાનગરપાલિકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી અપાઈ છે. કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય 19 મુદ્દાઓમાં શહેરના રસ્તાઓનું સમથળ સમાનિકરણ અને સમારકામ કરવાની માંગ પ્રાથમિકતા પર રાખવામાં આવી છે. ગટર તેમજ પાણીની લાઈનના કામ માટે ખોદકામ કરાયેલા રસ્તાઓ હાલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે, જેથી આવા રસ્તાઓ પર તાત્કાલિક મેટલ નાખીને રોલિંગ કરવાની માંગ કરાઈ છે. આ ઉપરાંત, ભુગર્ભ ગટર ફેસ-1 અને ફેસ-2 ની મુખ્ય ગટરો અને ચેમ્બરોની ચોમાસા પહેલા સફાઈ કરવી અત્યંત જરૂરી છે, કારણ કે નવા બનેલા સિમેન્ટ રોડના કારણે ગટરોમાં મોટી માત્રામાં પથ્થર, માટી અને કોંક્રેટ ભરાઈ ગયેલ છે. જો આ સફાઈ સમયસર નહીં થાય તો ચોમાસામાં લોકોના ઘરોમાં ગટરના ગંદા પાણી ઉભરાશે અને શહેરમાં મોટો રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ આશંકા છે. શહેરના ટ્રાફિક અને વાહન વ્યવહારને લગતી ગંભીર સમસ્યાઓ અંગે કોંગ્રેસ શહેર પ્રમુખ મનોજ જોશીએ એ જણાવ્યું કે હાલ જોષીપુરા વિસ્તારમાં ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી ફાટકવાળો રસ્તો બંધ છે અને લોકો માટે અવર-જવરનો એકમાત્ર માર્ગ જોષીપુરા અન્ડરબ્રિજ જ બચ્યો છે. સામાન્ય રીતે માત્ર 2 ઇંચ વરસાદ પડે તો પણ આ અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે તે 2 થી 3 દિવસ સુધી બંધ થઈ જાય છે, જેથી ત્યાં તાત્કાલિક નવી હાઈટેક મશીનરી અને પમ્પિંગ સિસ્ટમ મૂકીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે જેથી અન્ડરબ્રિજ સતત કાર્યરત રહી શકે. આ જ રીતે ઝાંઝરડા અન્ડરબ્રિજની નબળી પડેલી દીવાલોનું સમારકામ કરવા અને ગીરીરાજ સોસાયટી સિવાયના તમામ ડાયવર્ઝન રસ્તાઓ પર તાત્કાલિક ડામર પેચવર્ક પૂર્ણ કરવા માંગ કરાઈ છે. આ સાથે જ જૂનાગઢના પ્રવેશદ્વાર ગણાતા જી.આઈ.ડી.સી. થી દોલતપરા તરફના મુખ્ય રસ્તાને અગાઉ ગટર લાઈન અને હવે ગેસ તથા કેબલ લાઈન માટે ખોદી નાખવામાં આવ્યો હોવાથી લોકો ધૂળની ડમરીઓથી પરેશાન છે, જેથી આ માર્ગને પૂર્વવત ચાલુ કરવા અને ગીરનાર રોડ સેજની ટાંકીવાળા બિસ્માર રસ્તાનું તાત્કાલિક રીપેરીંગ કરવા જણાવાયું છે. દર વર્ષે વોકળા સફાઈના નામે માત્ર કાગળ પર બિલો ઉધારાતા હોવાની ફરિયાદ સાથે વિપક્ષે માંગ કરી છે કે કમિશનર પોતે અંગત રસ લઈ વોકળા સફાઈનું જાતે મોનીટરીંગ કરે, જેથી કાળવા નદીનું પાણી ઓવરલેપિંગ થઈને રહેણાંક સોસાયટીઓમાં ઘૂસી ન જાય. અંતમાં, વિલીંગ્ડન ડેમ ખાતે સેફ્ટીના સાધનો રાખવા, જર્જરિત દીવાલો તેમજ ગ્રીલનું સમારકામ કરવા અને ભવનાથ, દામોદર કુંડ સહિતના નદી-નાળાઓમાં પાણીની ઊંડાઈ માપવા માટેના સ્કેલ ના બોર્ડ લગાવવા માટે કોંગ્રેસ દ્વારા કમિશનર સમક્ષ સત્તાવાર આગ્રહ કરવામાં આવ્યો છે.
Read Original Article →