ગિરનાર દરવાજા પાસે પોલ ધરાશાયી:ભવનાથ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહનની ટક્કરે વીજ પોલ તૂટ્યો,વીજ કરંટના જોખમે લોકો રોડ પરથી થયા, ઇજનેરે કહ્યું કામગીરી શરૂ કરાય છે.

Gujarat4/5/2026, 2:35:21 PM
ગિરનાર દરવાજા પાસે પોલ ધરાશાયી:ભવનાથ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહનની ટક્કરે વીજ પોલ તૂટ્યો,વીજ કરંટના જોખમે લોકો રોડ પરથી થયા, ઇજનેરે કહ્યું કામગીરી શરૂ કરાય છે.
​જૂનાગઢના હૃદયસમા ગણાતા અને સતત ટ્રાફિકથી ધમધમતા ફાયર સ્ટેશનથી ગિરનાર દરવાજા વચ્ચેના માર્ગ પર રવિવારે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં રહી ગઈ હતી. એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા સ્ટ્રીટ લાઈટનો લોખંડી પોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી થયો હતો. સદનસીબે તે સમયે કોઈ વાહન નીચે ન આવી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને આળસની પોલ ખોલી નાખી છે. ​આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે પોલ ધરાશાયી થઈને રસ્તા પર પડ્યો હોવા છતાં તેની ઉપર લાગેલી બંને લાઈટો ચાલુ હાલતમાં હતી. રસ્તા પર પડેલા વીજ પોલમાં જીવંત વાયર હોવાથી ગમે ત્યારે કોઈ પશુ કે નાગરિકને કરંટ લાગવાની પૂરેપૂરી શક્યતા હતી. લોકો જીવના જોખમે આ પોલની બાજુમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. ​રવિવારનો દિવસ હોવાથી જૂનાગઢવાસીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં પરિવાર સાથે ભવનાથ તળેટીમાં ફરવા નીકળ્યા હતા. રસ્તાની વચ્ચોવચ પોલ પડ્યો હોવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થિતિ એવી સર્જાઈ હતી કે વાહનચાલકોએ જાતે જ દૂર મુકેલા ડિવાઈડર પાસેથી રસ્તો કાઢવો પડ્યો હતો. નાના બાળકો અને વડીલો સાથે નીકળેલા પરિવારો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા, જ્યારે ટ્રાફિક નિયમન કે પોલ હટાવવા માટે તંત્ર તરફથી કોઈ જ તત્પરતા જોવા મળી નહોતી. ​એક તરફ સ્માર્ટ સિટીની વાતો થાય છે અને બીજી તરફ ભવનાથ જેવા મુખ્ય માર્ગ પર કલાકો સુધી જોખમી પોલ પડ્યો રહે તે કેટલી હદે યોગ્ય છે ? કદાચ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. લાઈટો ચાલુ હોવા છતાં વીજ પુરવઠો કાપવાની તસ્દી પણ લેવામાં આવી નહોતી.​સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, "શું તંત્ર માત્ર રજાઓ માણવા માટે જ છે ? જનતાના જીવની કોઈ કિંમત નથી ?" રવિવારની રજા હોવાથી તંત્રના બાબુઓ રજાની મજા માણી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી કાગળ પર જ ઘોડા દોડાવ્યા રાખશે. તો આ મામલે પોતાના બચાવ પક્ષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ઈલેક્ટ્રીક શાખાના અધિકારી હાજાભાઇ ચુડાસમા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે અમને આ પોલ પડ્યાની જાણ થતા તાત્કાલિક તે વીજ લાઈન બંધ કરવામાં આવી છે અને હાલ પુલ ઉભો કરવાની કામગીરી હાથ ધરાઈ છે..
Read Original Article →