'તેરા તુજકો અર્પણ':​નેત્રમ શાખાના CCTVની મદદથી ગણતરીની કલાકોમાં 9 અરજદારોના રોકડ, મોબાઈલ અને કિંમતી સામાન મળી કુલ 1.72 લાખનો મુદામાલ મૂળ માલિકોને સોંપાયો

Gujarat4/7/2026, 1:19:24 PM
'તેરા તુજકો અર્પણ':​નેત્રમ શાખાના CCTVની મદદથી ગણતરીની કલાકોમાં 9 અરજદારોના રોકડ, મોબાઈલ અને કિંમતી સામાન મળી કુલ 1.72 લાખનો મુદામાલ મૂળ માલિકોને સોંપાયો
​જૂનાગઢ પોલીસ દ્વારા "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતી વધુ એક પ્રશંસનીય કામગીરી સામે આવી છે. શહેરની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવતી નેત્રમ શાખાએ આધુનિક ટેકનોલોજી અને માનવીય અભિગમનો સમન્વય સાધીને નવ જેટલા અરજદારોના ખોવાયેલા કિંમતી સામાન, રોકડ અને મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાએ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત આશરે 1.72 લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપ્યો છે. ​આ સમગ્ર કામગીરીમાં 'વિશ્વાસ પ્રોજેક્ટ' હેઠળ શહેરમાં કાર્યરત સીસીટીવી કેમેરા નેટવર્ક આશીર્વાદરૂપ સાબિત થયું છે. નેત્રમ શાખાના પી.એસ.આઈ. એચ.પી. મકવાણા અને તેમની નિષ્ણાત ટેકનિકલ ટીમ દ્વારા 24 કલાક મોનિટરિંગ કરીને ગુનાખોરી ડામવાની સાથે નાગરિકોની સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જે લોકોએ પોતાનો સામાન પરત મેળવવાની આશા છોડી દીધી હતી, તેમને પોલીસે સામેથી સંપર્ક કરીને તેમનો સામાન પરત સોંપતા લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. ​આ સફળતામાં સૌથી મોટો કિસ્સો જૂનાગઢના રહેવાસી હર્ષલભાઈ ભરતભાઈ રાજાનો રહ્યો હતો. તેઓ રાયજીનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ખિસ્સામાંથી 1,14,500 રૂપિયાની માતબર રોકડ રકમ અને અગત્યના દસ્તાવેજો ભરેલું પાકીટ ગાંધીગ્રામ પાસે રસ્તામાં પડી ગયું હતું. આ બાબતની જાણ થતા જ નેત્રમ શાખાએ હર્ષલભાઈના રૂટ પરના સીસીટીવી કેમેરા અને લોકલ ફૂટેજની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. ગણતરીની કલાકોમાં જ પોલીસે પાકીટ શોધી કાઢીને હર્ષલભાઈને રૂબરૂ બોલાવી પૂરેપૂરી રકમ પરત કરી હતી. ​આવી જ રીતે, ફેઝાનભાઈ શરીફભાઈ શેખ નામનો યુવક સુખનાથ ચોક તરફ જતો હતો ત્યારે તેનો 14 હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ પડી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે એક બાઈક ચાલકે આ મોબાઈલ રસ્તા પરથી ઉઠાવ્યો હતો. પોલીસે બાઈક નંબરના આધારે તે વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો અને ગણતરીની કલાકોમાં મોબાઈલ પરત અપાવ્યો હતો. આ ઉપરાંત, ઈવનગર રોડ પરથી પસાર થતી એક પીકઅપ રિક્ષામાંથી 50 કિલો શિખંડ ભરેલું પાર્સલ રસ્તા પર પડી ગયું હતું. નેત્રમ શાખાએ સીસીટીવીની મદદથી વાહનનો નંબર શોધી કા્યો હતો અને મૂળ માલિક રાદડીયા ઘનશ્યામભાઈને સામેથી બોલાવી 12,500 ની કિંમતનો આ માલ પરત કર્યો હતો. ​શહેરના ભીડભાડ વાળા વિસ્તારોમાં પણ પોલીસની સતર્કતા જોવા મળી હતી. ગીરીરાજ રોડ તરફ જતા મહેશભાઈ ભટ્ટ પોતાનો સેમસંગ મોબાઈલ રીક્ષામાં ભૂલી ગયા હતા, જ્યારે રાજકોટના દીપકભાઈ ધોળકીયા પોતાનું કપડાં ભરેલું બેગ ઝાંઝરડા ચોકડી પાસેની રીક્ષામાં ભૂલી ગયા હતા. નેત્રમ શાખાએ આ બંને કિસ્સામાં રીક્ષાના રજીસ્ટ્રેશન નંબર ટ્રેસ કરીને રીક્ષા ચાલકોનો સંપર્ક કર્યો હતો. રીક્ષા ચાલકોએ પણ પ્રામાણિકતા દાખવીને સામાન પોલીસમાં જમા કરાવ્યો હતો, જે પોલીસે મૂળ માલિકોને સુપરત કર્યો હતો. આ ઉપરાંત ભાવેશભાઈ સરધારાનું પાકીટ, પવનકુમાર ડોડેચાનું બેગ અને અન્ય અરજદારોની ચીજવસ્તુઓ પણ સીસીટીવીની મદદથી તાત્કાલિક રીકવર કરવામાં આવી હતી. ​પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીથી તમામ અરજદારો અભિભૂત થઈ ગયા હતા. જેમને સામાન પરત મળવાની કોઈ આશા નહોતી તેવા લોકોએ જૂનાગઢ પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ સમગ્ર કાર્યવાહીમાં પી.એસ.આઈ. એચ.પી. મકવાણાની સાથે ટેકનિકલ ઓપરેટર પ્રતીકભાઈ કરંગીયા, પાર્થભાઈ ચૌહાણ અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ દ્વારા પોલીસે સાબિત કર્યું છે કે ટેકનોલોજીના માધ્યમથી પ્રજાની સેવા અને સુરક્ષા વધુ સુદ્રઢ બની શકે છે.
Read Original Article →