જૂનાગઢમાં SOGનો સપાટો:મેંદરડાના અમરગઢની સીમમાંથી લાંબા ગુનાહિત ઇતિહાસવાળો પ્રતાપ ગીડા ગેરકાયદે રિવોલ્વર સાથે ઝડપાયો
જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ઉપરી અધિકારીઓ તરફથી આપવામાં આવેલ ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસે એક્શન મોડ શરૂ કર્યો છે. જે અંતર્ગત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) જૂનાગઢની ટીમ મેંદરડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી ચોક્કસ બાતમીના આધારે મેંદરડા તાલુકાના અમરગઢ ગામની સીમમાંથી એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ₹20,000ની દેશી રિવોલ્વર જપ્ત
SOGની ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડીને શંકાસ્પદ ઇસમને દબોચી લીધો હતો. તેની અંગઝડતી લેતા આરોપી પાસેથી દેશી હાથ બનાવટની ૧ નંગ રિવોલ્વર મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹20,000/- નોંધવામાં આવી છે. પોલીસે આ ગેરકાયદેસર હથિયારનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પકડાયેલા આરોપી વિરૂદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ 'પાસા' પણ થઈ ચુક્યો છે
પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં પકડાયેલા આરોપીનું નામ પ્રતાપ હરસુરભાઈ ગીડા (ઉંમર ૩૫ વર્ષ, રહેવાસી ગામ અમરગઢ, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ) હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ લાંબો છે. તે અગાઉ સુરત શહેરના ડુમસ પોલીસ સ્ટેશનમાં તેમજ પુણા પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત, અમરેલી જિલ્લાના સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે ગુનો નોંધાયેલો છે અને વર્ષ ૨૦૧૬ માં સાવરકુંડલા પોલીસે પાસા (PASA) અંતર્ગત પણ તેની સામે કડક કાર્યવાહી કરી હતી. SOGની આખી ટીમ કામગીરીમાં જોડાઈ
જૂનાગઢ જિલ્લામાં અસામાજિક તત્વો પર લગામ કસતી આ સમગ્ર સફળ કામગીરી એસઓજી (SOG) ના ઇન્ચાર્જ પીઆઇ કૃણાલ એમ. પટેલ, ASI કરશનભાઈ મોઢા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઈ અભેડ, પ્રતાપભાઈ શેખવા, બાલુભાઈ બાલસ, કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલ, વિશાલભાઈ ઓડેદરા અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ બકોત્રા સહિતના સ્ટાફે સાથે મળીને પાર પાડી છે.
Read Original Article →