'તમારા દીકરાને હોસ્પિટલ લઈ જવો હોય તો 50 હજાર મોકલો':પાંચ દિવસથી ગુમ પુત્રને બચાવવા માતાએ મદદ માગી પણ જૂનાગઢ પોલીસે હાથ ખંખેર્યા, કહ્યું- 'અમે કંઈ ન કરી શકીએ'
જૂનાગઢ શહેરના રોહીદાસ પરા વિસ્તારમાં રહેતા એક ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. મજૂરીકામ માટે ગયેલો જુવાનજોધ દીકરો રહસ્યમય સંજોગોમાં ગુમ થયો છે અને કોઈ અજાણ્યો શખ્સ તેના જીવના જોખમે રૂ. 50,000ની ખંડણી માંગી રહ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. પુત્રના વિયોગમાં અને તેની સુરક્ષાની ચિંતામાં ગરકાવ માતા જ્યારે ન્યાયની આશાએ જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે રક્ષક ગણાતી પોલીસે મદદ કરવાને બદલે અત્યંત તોછડું વર્તન કરી તેમને અપમાનિત કર્યા હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. એક તરફ અપહરણકર્તા દ્વારા વીડિયો કોલ કરીને પુત્રની નાજુક હાલત બતાવી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ "રોવા-ધોવાનું બંધ કરો" અને "તમારો દીકરો નાટક કરે છે" એવા પોલીસના બેજવાબદાર નિવેદનોએ માનવતા અને ખાખીની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉભા કર્યા છે. 'અમે આમાં કંઈ કરી શકીએ એમ નથી'
આ સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI સોલંકી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, ગત 7 તારીખના વિજય સોંદરવા ના માતા મીનાબેન સોંદરવા અહીં આવ્યા હતા અને અરજી કરી હતી પરંતુ અમે આ મામલે કંઈ કરી શકીએ તેમ નથી જે કંઈ પણ થાય તે જ્યાંથી ગુમ થયો હોય ત્યાં ફરિયાદ નોંધાવી પડે. આર્થિક ભીંસ વચ્ચે યુવક રહસ્યમય રીતે ગુમ
જૂનાગઢના મીનાબેન સોંદરવાનો પુત્ર વિજય આર્થિક તંગીને કારણે મજૂરીકામ અર્થે કચ્છ ગયો હતો પરંતુ, ત્યાં કામ ન ફાવતા તે રાજકોટ થઈ અમદાવાદ જવા રવાના થયો હતો. અમદાવાદ પહોંચ્યા બાદ વિજય સાથેનો સંપર્ક તૂટી ગયો હતો પરંતુ, ટૂંક સમયમાં જ વિજયના મોબાઈલ નંબર પરથી એક અજાણ્યા હિન્દી ભાષી શખસનો માતા મીનાબેન પર ફોન આવ્યો. આ વ્યક્તિએ દાવો કર્યો કે, વિજય તેની પાસે છે અને તેની તબિયત અત્યંત નાજુક છે, તેને લોહીની ઉલટીઓ થાય છે અને તાવ આવ્યો છે. ગભરાયેલી માતાએ જ્યારે પુત્રને હોસ્પિટલ લઈ જવા આજીજી કરી ત્યારે તે શખસે માનવતા નેવે મૂકીને શરત રાખી કે, જો વિજયને સારવાર અપાવવી હોય, તો પહેલા પૈસા મોકલવા પડશે. આ ઘટના ક્રમ કોઈ મોટા ગુનાહિત કાવતરા કે ખંડણી તરફ સીધો ઈશારો કરી રહ્યો છે. વીડિયો કોલમાં ધમકાવી 50 હજારની ખંડણીની માંગ
દીકરાની હાલત બાબતે વિશ્વાસ અપાવવા માટે અજાણ્યા શખસે મીનાબેનને વીડિયો કોલ કર્યો હતો, જેમાં વિજય એક બાંકડા પર અર્ધબેભાન અવસ્થામાં પડેલો જોવા મળ્યો હતો. આ દૃશ્ય બતાવી તુરંત જ ફોન કાપી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ, વિજય જે કોન્ટ્રાક્ટર ગોવિંદભાઈ સાથે કામ કરતો હતો, તેમને પણ આ બાબતની જાણ થઈ હતી. જ્યારે ગોવિંદભાઈએ તે શખ્સ સાથે સંપર્ક કર્યો ત્યારે તેણે એક સ્કેનર મોકલીને તાત્કાલિક 50,000 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ભારે દબાણ કર્યું હતું. ગોવિંદભાઈએ વિજય સાથે વાત કરવાની જીદ કરી છતાં તે શખસે વાત કરાવવાનો ઇનકાર કરી વારંવાર ફોન કાપી નાખ્યો હતો. બીજા દિવસે ફરીથી ફોન કરીને પૈસાની વ્યવસ્થા અંગે પૂછપરછ કરી, તે શખસે લાચાર માતા પર માનસિક દબાણ વધાર્યું હતું. પોલીસે પીડિત માતાની મદદ કરવાને બદલે તોછડાઈ કર્યાનો આક્ષેપ
દીકરાના જીવ પર મંડાઈ રહેલા જોખમને જોઈ મીનાબેન તાત્કાલિક જૂનાગઢના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ન્યાયની આશાએ પહોંચ્યા હતા. તેમણે લેખિત અરજી દ્વારા જાણ કરી હતી કે, તેમનો પુત્ર ગુમ છે અને કોઈ અજાણ્યો શખસ તેને બંધી બનાવી બીમારીનો ડર બતાવી 50,000ની ખંડણી માંગી રહ્યો છે. જોકે, પોલીસ સ્ટેશનમાં ફરજ પરના પીએસઓ (PSO) એ મદદ કરવાને બદલે અત્યંત તોછડું અને સંવેદનહીન વર્તન કર્યું હતું. પીડિત માતાનો આક્ષેપ છે કે, પોલીસે "આવા કેસો તો રોજ આવે છે, રોવા-ધોવાનું બંધ કરો" તેમ કહી તેમને ધમકાવ્યા હતા. એટલું જ નહીં, પોલીસે ગુમ થયેલા દીકરાના ચારિત્ર્ય પર લાંછન લગાવતા એમ પણ કહી દીધું હતું કે, "તમારો છોકરો દારૂ પીતો હતો, તો તે પોતે જ પૈસા પડાવવા માટે આવું નાટક તો નથી કરતો ને?" પોલીસનું આવું વલણ તંત્રની વિશ્વસનીયતા સામે મોટા પ્રશ્નાર્થો ઉભા કરે છે. રાજકોટથી ગાયબ થયો તો રાજકોટ જવું પડશે કહી પોલીસની છટકબારી
પોલીસ સ્ટેશનમાં જ જ્યારે તે અજાણ્યા શખ્સનો ફરીથી ફોન આવ્યો, ત્યારે પીએસઓએ (PSO) મીનાબેન પાસેથી મોબાઈલ આંચકીને પેલા વ્યક્તિને ધમકાવતા કહ્યું કે, "હું પોલીસ સ્ટેશનમાંથી બોલું છું, તું કોણ છે?" પોલીસનો અવાજ સાંભળતા જ સામેવાળા શખ્સે તુરંત ફોન કાપી નાખ્યો અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. આ ઘટના પછી પણ પોલીસે કોઈ ત્વરિત તપાસ કરવાને બદલે હાથ ઊંચા કરી દીધા હતા. પીડિત પરિવારને એવું કહીને રવાના કરી દેવામાં આવ્યો કે, યુવાન રાજકોટથી ગુમ થયો હોવાથી જૂનાગઢ પોલીસ આમાં કંઈ કરી શકે તેમ નથી અને તપાસ માટે રાજકોટ જવું પડશે. આમ, ગુનેગારને પકડવાની તક હોવા છતાં પોલીસની ઉદાસીનતા અને નિયમોની છટકબારીને કારણે એક લાચાર માતાનો જીવ વધુ અધ્ધર થઈ ગયો છે. ગુમ પુત્રની શોધમાં પીડિત માતાનો જીવ અધ્ધર
પુત્ર વિજય ગુમ થયાને પાંચ દિવસથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, પોલીસની ઉદાસીનતા અને "મોબાઈલ ચાલુ થાય તો જ લોકેશન મળે" એવી ટેકનિકલ લાચારીને કારણે પીડિત માતાનો જીવ અધ્ધર થઈ ગયો છે. હવે તે શંકાસ્પદ મોબાઈલ નંબર બંધ આવતા પુત્રના જીવ પર તોળાઈ રહેલા જોખમથી ગરીબ પરિવાર ફફડી રહ્યો છે. એક તરફ સરકાર મહિલા સુરક્ષા અને ત્વરિત ન્યાયના દાવા કરે છે ત્યારે બીજી તરફ જૂનાગઢ પોલીસનું "રોવા-ધોવાનું બંધ કરો" જેવું સંવેદનહીન વલણ સમગ્ર તંત્ર માટે શરમજનક સાબિત થઈ રહ્યું છે. અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સાયબર સેલની મદદ લેવાને બદલે હાથ ઊંચા કરી દેતી પોલીસની કાર્યશૈલી સામે અનેક સવાલો ઉભા થયા છે. હવે માત્ર ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે દરમિયાનગીરી કરી વિજયને સુરક્ષિત પરત લાવે તેવી જ પરિવારની આખરી આશા છે.
Read Original Article →