PGVCLની મેગા વીજ ચેકિંગ ડ્રાઈવમાં 39 લાખની ચોરી ઝડપાઈ:32 ટીમોએ 400 કનેક્શન તપાસી 66 વીજચોર ઝડપ્યા

Gujarat5/25/2026, 4:21:42 PM
PGVCLની મેગા વીજ ચેકિંગ ડ્રાઈવમાં 39 લાખની ચોરી ઝડપાઈ:32 ટીમોએ 400 કનેક્શન તપાસી 66 વીજચોર ઝડપ્યા
​જૂનાગઢ શહેરમાં આજે વહેલી સવારથી જ PGVCL દ્વારા વીજ ચોરી અટકાવવા માટે એક મેગા ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી માટે 32 જેટલી અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી, જેમાં અંદાજે 100 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. સુરક્ષાના ભાગરૂપે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ અને GEB પોલીસનો કાફલો પણ સાથે રાખવામાં આવ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ વીજ કનેક્શનોની સઘન તપાસ કરવામાં આવી હતી, જેના પરિણામે મોટી માત્રામાં ગેરરીતિઓ બહાર આવી છે. ​66 જેટલા કનેક્શનોમાં વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું PGVCLના કાર્યપાલક ઈજનેર હિતેશ સોનીએ જણાવ્યું હતું હતું કે, દિવસ દરમિયાન કુલ 400 જેટલા વીજ કનેક્શનોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 66 જેટલા કનેક્શનોમાં વીજ ચોરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. વીજ વિભાગ દ્વારા આ કેસોમાં અંદાજે 39 લાખ રૂપિયા જેટલું જંગી એસેસમેન્ટ એટલે કે દંડની રકમ નક્કી કરવામાં આવી છે. આ ડ્રાઈવ હેઠળ દાતારનું ખાડીયું, છગનમામાની સોસાયટી, ગોદાવરી પાર્ટી પ્લોટ વિસ્તાર, પાંડે ધર્મશાળા રોડ અને ચીતાખાના ચોક સહિતના વિવિધ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. ​આગામી દિવસોમાં પણ ચેકિંગની કામગીરી ચાલુ રહેશે અધિકારીએ આ તકે ગ્રાહકોને અપીલ કરતા જણાવ્યું હતું કે વીજ બચત અને ઉર્જા બચત એ સમયની માંગ છે, તેથી ગ્રાહકોએ વીજ કરકસર અપનાવવી જોઈએ. હાલમાં મે મહિનો સોલાર મંથ તરીકે ઉજવાઈ રહ્યો હોવાથી, તેમણે ગ્રાહકોને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. ગ્રાહકો નેશનલ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવીને પોતાના ઘરે સોલાર રુફટોપ લગાવી શકે છે, જેનાથી તેમને વીજળીના મોંઘા બિલમાંથી કાયમી મુક્તિ મળી શકે છે. ​આ મેગા ડ્રાઈવને કારણે શહેરમાં વીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. PGVCL દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચેકિંગની કામગીરી ચાલુ રાખવામાં આવશે એવા સંકેતો મળ્યા છે, જેથી વીજ ચોરીના દૂષણને સંપૂર્ણપણે નાથી શકાય.
Read Original Article →